Tuesday, September 28, 2021
Homeજસાણી કોલેજ માં બેન્ચ હલતી હોવાની ફરિયાદ કરનાર વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ફડાકા ઝીંકી...
Array

જસાણી કોલેજ માં બેન્ચ હલતી હોવાની ફરિયાદ કરનાર વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ફડાકા ઝીંકી દીધા

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગુરૂવારે બેન્ચ હલતી હોવાથી બદલાવવા ની માગણી કરનારા વિદ્યાર્થીને શુક્રવારે પ્રિન્સિપાલ ફાલ્ગુનીબેન શાસ્ત્રીએ ફડાકા ઝીંકી દેતા દેકારો બોલી ગયો છે. આ બાબતે વિદ્યાર્થીની તરફેણમાં રજૂઆત માટે ગયેલા એનએસયુઆઇના આગેવાનો સાથે પણ પ્રિન્સિપાલ ફાલ્ગુની શાસ્ત્રી એ ઉદ્ધત વર્તન કરતા વિદ્યાર્થી નેતાઓ ચેમ્બરમાં જ ધરણાં પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

વિદ્યાર્થીએ બેન્ચ હલવાની ફરિયાદ સુપરવાઇઝરને કરી હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે જમ્બલિંગ સિસ્ટમ અમલી કરવામાં આવી છે જેના કારણે ધમસાણિયા કોલેજમાં અભ્યાસ કરતા ઋષિકેશ બાબરિયા નામના વિદ્યાર્થીનો નંબર જસાણી કોલેજમાં આવ્યો હતો. બી.કોમ. સેમેસ્ટર-4ની પરીક્ષા આપતા ઋષિકેશની બેન્ચ હલતી હોય તેમણે ગુરુવારે સુપરવાઇઝરને ફરિયાદ કરી હતી. પરંતુ સુપરવાઇઝરે ધ્યાન આપ્યું ન હતું અને ઓબ્ઝર્વરે તેનું આઇ-કાર્ડ લઇ લેતા એનએસયુઆઇને ફરિયાદ કરી હતી. આથી ઓબ્ઝર્વરે આઇ-કાર્ડ પાછું આપી બેન્ચનો પ્રશ્ન હલ કરી દેવા ખાતરી આપી હતી.

ઉંચા અવાજે કેમ બોલે છે તેમ કહી પ્રિન્સિપાલે ફડાકા ઝીંક્યા

ત્યારબાદ શુક્રવારે પ્રિન્સિપાલ ફાલ્ગુનીબેન વર્ગખંડમાં ધસી આવ્યા હતા અને કોણે એનએસયુઆઇને ફોન કર્યો હતો તેમ પૂછતા ઋષિકેશે હાથ ઊંચો કર્યો હતો. ત્યારબાદ તેમના અને પ્રિન્સિપાલ વચ્ચે બોલાચાલી થતા ‘ઊંચા અવાજે કેમ બોલે છે’ તેમ કહી ફાલ્ગુનીબેને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ એનએસયુઆઇના આગેવાનો 40 જેટલા કાર્યકરો સાથે ધસી આવ્યા હતા.એનએસયુઆઇએ સીસીટીવી ફૂટેજની માગણી કરી માફીની માગણી કરી હતી પરંતુ પ્રિન્સિપાલ પોતાની વાત પર અડગ રહેતા ચેમ્બરમાં જ ધરણાં પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી.

વિદ્યાર્થીનું વર્તન ખૂબ જ અભદ્ર, આજે હું કોપીકેસ કરીશ

આ છોકરો પહેલા દિવસથી મિસબિહેવ કરે છે. ચેકિંગ કરવા દેતો નથી અને જગ્યા બદલવા માટે માથાકૂટ કરે છે. પ્રથમ દિવસે ઓબ્ઝર્વરે ફરિયાદ કરી હતી. ત્યારબાદ સુપરવાઇઝર તરીકે સેવા આપતા શિક્ષિકાઓને પણ તેની હેરાનગતિ છે. ટીચર નીકળે ત્યારે પગ એવી રીતે રાખે છે કે તે પડી જાય. ખૂબ જ અભદ્ર વર્તન કરતો હોવાથી આજે તેનું પેપર લઇ લેતા એનએસયુઆઇને લઇને આવ્યો હતો અને માથાકૂટ કરી હતી. આથી શનિવારે અભદ્ર વર્તન કરવા બદલ તેનો કોપીકેસ કરાશે.- ફાલ્ગુની શાસ્ત્રી, પ્રિન્સિપાલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments