Sunday, November 28, 2021
Homeજાણો કોણ છે તે મહિલા? જે અભિનંદનને મૂકવા માટે વાઘા બોર્ડર સુધી...
Array

જાણો કોણ છે તે મહિલા? જે અભિનંદનને મૂકવા માટે વાઘા બોર્ડર સુધી આવ્યા

નેશનલ ડેસ્ક: પાકિસ્તાને અંતે ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને છોડી દીધા છે. શુક્રવારે રાતે નવ વાગ્યા પછી પાકિસ્તાની રેન્જર્સ અને વિદેશ વિભાગના અધિકારી અટારી-વાઘા બોર્ડર સુધી વિંગ કમાન્ડર અભિનંદનને મુકવા માટે પણ આવ્યા હતા. આ દરમિયાન એક મહિલા પણ વિંગ કમાન્ડર અભિનંદનની સાથે હતી. તે મહિલા કમાન્ડર સાથે અટારી-વાઘા બોર્ડર સુધી ચાલીને આવી હતી. આ મહિલા પર દરેક લોકોની નજર હતી અને દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે આ મહિલા કોણ છે?

આ મહિલા વિંગ કમાન્ડર અભિનંદનની પત્ની પણ નહતી કે કોઈ સંબંધી પણ નહતી. આ મહિલા પાકિસ્તાન વિદેશ વિભાગમાં ભારત મામલાની ડાયરેક્ટર હતી. તેમનું નામ ડૉ. ફરિહા બુગતી છે. ફરિહા બુગતી પાકિસ્તાની વિદેશ સેવાના અધિકારી છે, જે ભારતીય વિદેશ સેવાના સમકક્ષ છે. ડૉ. ફરિહા બુગતી ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવ કેસને પણ હેન્ડલ કરી રહ્યાં છે. હાલ જાધવ પાકિસ્તાનમાં કેદ છે. ગયા વર્ષે જ્યારે જાધવના માતા અને પત્ની તેમને મળવા પાકિસ્તાન ગયા હતા ત્યારે પણ ડૉ. ફરિહા બુગતી ત્યાં હાજર હતાં.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર હુમલો કર્યો હતો. તેમાં મોટી સંખ્યામાં આતંકીઓને મારવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાના વિમાન તેમનું મિશન સફળતાથી પતાવીને સુરક્ષીત પરત આવી ગયા હતા અને પાકિસ્તાનને સમગ્ર વાત સમજતા પણ થોડી વાર લાગી ગઈ હતી. જ્યારે પાકિસ્તાનને આ વાતની ખબર પડી ત્યારે તે ગભરાઈ ગયું હતું અને તેમણે ભારત પર એર સ્ટ્રાઈક કરી હતી.

પાકિસ્તાને F-16 લડાકૂ વિમાનથી ભારતીય સેના પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો પરંતુ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને તેને મારી નાખ્યો હતો. આ દરમિયાન અભિનંદનનું વિમાન મિગ-21 પણ ક્રેશ થઈ ગયું અને તેઓ પેરાશૂટ લઈને એક્ઝિટ થઈ ગયા હતા. પરંતુ આ દરમિયાન તેઓ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં જઈને પડ્યા હતા. ત્યારપછી પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવી દીધા હતા.

પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનનો વીડિયો જાહેર કરીને બે ભારતીય લડાકૂ વિમાન તોડી પાડ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે ભારતે પાકિસ્તાનનો દાવો નકારી દીધો હતો. પાકિસ્તાને આ પહેલાં બે ભારતીય પાયલટને પણ અટકાયતમાં લીધા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ત્યારપછી પાકિસ્તાને તેમનો દાવો બદલી નાખ્યો હતો અને કહ્યું હતું કે, તેમના કબજામાં માત્ર એક પાયલટ છે.

ત્યારપછી ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં અભિનંદનને છોડી દેવાની વાત કરી હતી. ત્યારપછી ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંસદમાં સંયુક્ત સત્રને સંબોધન કરીને વિંગ કમાન્ડર અભિનંદનને શુક્રવારે છોડવાની વાત કરી હતી. શુક્રવારે સવારથી ચાલતી પ્રોસેસ પછી અભિનંદન રાત્રે નવ વાગે ભારતને પરત સોંપવામાં આવ્યા હતા. ત્યારપછી વાયુસેના વિંગ કમાન્ડરને લઈને અમૃતસર એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ દિલ્હી માટે રવાના થયા હતા. મોડિ રાતે અભિનંદન દિલ્હી પહોંચી ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments