જાપાનમાં ટ્રેનો એકદમ સમયસર દોડે છે અને સેકન્ડ પણ મોડી પડતી નથી પણ ૩૦મેએ વીજળી પુરવઠો ખોરવાઈ જતાં 26 ટ્રેનોને કેન્સલ કરવાનો વારો આવ્યો હતો અને બીજી ટ્રેનોના માર્ગ બદલવા પડયા હતા. આશરે 12,000 પ્રવાસીઓ એ દિવસે મોડા પડયા હતા. જોકે એક ગોકળગાય વીજળી પુરવઠો ખોરવવા માટે જવાબદાર હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ જાપાનની રેલવેએ કર્યો છે.
દક્ષિણ જાપાનમાં ક્યોશો રેલવે વિવિધ માર્ગ પર રેલવે સર્વિસ ઓપરેટ કરે છે. ટાઇમ મેનેજમેન્ટ માટે આ રેલવેનો કોઈ જવાબ નથી, પણ 30મેએ એકાએક વીજળી પુરવઠો બંધ પડી ગયો હોવાથી ટ્રેન સર્વિસ ઠપ થઈ હતી. વીજળી પુરવઠો બંધ પડી જાય એ ઘટના જાપાનમાં અસામાન્ય ગણાય છે, કારણ કે આ દેશમાં વીજળી કાપ જેવી પરિસ્થિતિ નથી. આ વીજળી પુરવઠો કપાઈ જવાનું કારણ શોધવા માટે એક ટીમ તૈયાર કરવામાં આવી હતી અને તેને કારણ શોધવા માટે જણાવવામાં આવ્યું હતું.
આશરે એક અઠવાડિયા સુધી તપાસ કર્યા બાદ આ ટીમના તારણ ક્યોશો રેલવેને સોંપવામાં આવ્યાં હતાં. રેલવે ઓપરેટરે રવિવારે કહ્યું હતું કે વીજળી પુરવઠો ખોરવાઈ જવા માટે એક ગોકળગાય જવાબદાર છે. તે રેલવે ટ્રેક પર આવેલા એક ઉપકરણમાં ઘૂસી ગઈ હતી અને એના કારણે આ ઉપકરણમાં શોર્ટ સર્કિટ થતાં વીજળી પુરવઠો ખોરવાયો હતો. આના કારણે રેલવેને 26 ટ્રેન સર્વિસ કેન્સલ કરવી પડી હતી અને બીજી ટ્રેનોને ટ્રેક પર જ અટકાવવી પડી હતી. આ ઉપકરણની અંદર જ ગોકળગાય મરી ગઈ હતી.
રેલવે દ્વારા કહેવામાં આવ્યું હતું કે અગાઉ જંગલી પ્રાણી ટ્રેન સાથે ટકરાય તો ટ્રેન સર્વિસને અસર પડે છે પણ એક નાનકડી ગોકળગાય 12000 પ્રવાસીઓને અટકાવી શકે એ પહેલીવાર થયું છે. આવી ઘટના પહેલીવાર નથી બની પણ એ અનોખી છે.