Thursday, October 21, 2021
Homeજામનગરમાં મોદીએ 966 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું, સભાસ્થળે '56 ઇંચની...
Array

જામનગરમાં મોદીએ 966 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું, સભાસ્થળે ’56 ઇંચની છાતી’ના નારા લાગ્યા

જામનગર: જામનગર શહેર અને જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે 966 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. સભાસ્થળે લોકોએ 56 ઇંચ કા સીના હૈ સર ઉઠા કે જીના હૈ, દેખો દેખો કૌન આયા… ગુજરાત કે શેર આયા….ના નારા લગાવ્યા હતા.

મોદી જામનગરના એરફોર્સ ખાતે આવી પહોંચ્યા હતા અને કલેક્ટર સહિત રાજકીય નેતાઓએ તેમનું સ્વાગત કર્યં હતું.  બાદમાં જી.જી. હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ મોદીએ દર્દીઓ સાથે સારવાર અંગે વાતચીત કરી હતી અને હોસ્પિટલ માં નિરિક્ષણ કરી હોસ્પિટલમાં આપવામાં આવતી સારવાર અંગે માહિતી મેળવી હતી. બાદમાં મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રીની સુરક્ષા અને કાર્યક્રમની વ્યવસ્થાના પગલે પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. જેમાં બિહારીદાન ગઢવી, કિંજલ દવે,  બંકિમ પાઠક, કાનજી દેસાઇ, કમલેશ સોલંકી વગેરે ગાયકો અને કલાકારો દ્વારા ગીત-સંગીતની રજૂઆત કરાઇ હતી. પ્રધાનમંત્રીના હસ્તે સૌની યોજના બીજા તબક્કાના લિંક-1 અને લિંક-3ના લોકાર્પણની સાથેસાથ ત્રીજા તબક્કાના લિંક-3નો પ્રારંભ થયો હતો.

કાર્યક્રમ સ્થળે લોકોને પહોંચાડવા 700 એસ.ટી બસ

મોદીના કાર્યક્રમ સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિશાળ જર્મન ડોમ, 5-6 ની સ્ક્રીન બનાવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમ માટે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લાના વિવિધ સ્થળોએથી લોકોને કાર્યક્રમ સ્થળે પહોંચવામાં હાલાકી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા 700 બસો ફાળવવામાં આવી હતી.
જામનગરમાં કેન્સરના દર્દી માટે રેડિયોથેરાપી
જામનગરમાં નરેન્દ્ર મોદીના હસ્તે નવનિર્મિત ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ તેમજ મેડિકલ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અદ્યતન હોસ્પિટલમાં 700 બેડની સુવિધા સાથે 22 વોર્ડ, રેડિયોથેરાપી, મેડીસીન, પીડીયાટ્રીક તથા સાઇકીયાટ્રીક વિભાગ, સેમીનાર રૂમો, લાઇબ્રેરી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવામા આવી છે. નવનિર્મિત હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની ઘનિષ્ટ સારવાર માટે રેડિયોથેરાપી, કિમોથેરાપી OPD તથા IPD મનોચિકિત્સા સેવાઓ, ECT EEG તથા હિપ્નોથેરાપી CCU, 20 બેડનું ડાયાલીસીસ યુનિટ, ઈમરજન્સી સેવાઓ, કિશોરાવસ્થા કલીનીક, બાળકો માટે ઈમરજન્સી સેવાઓની સુવિધાઓનું પણ નિર્માણ કરાવામા આવ્યું છે. હોસ્પિટલ સાથે નવનિર્મિત એમ.પી.શાહ મેડિકલ હોસ્ટેલમાં પણ નવી સુવિધાઓ જેવી કે રીડીંગ રૂમ, કેન્ટીન, મનોરંજન રૂમ મેડિકલ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવામાં આવશે.
ડિસેલીટેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું
નર્મદાના એક માત્ર પીવાના પાણીના સ્ત્રોત પર અવલંબિત રહેવાને બદલે સમાંતર સ્થાનિક કક્ષાએ પીવાના પાણીનો સ્ત્રોત ઉભો કરવાના હેતુથી ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠા આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને સ્થાનિક જળ સલામતી પ્રદાન કરવાના હેતુથી દરિયાના 45000 ટીડીએસ ધરાવતા ખારા પાણીમાંથી 500 ટીડીએસવાળું મીઠું પાણી બનાવવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાનો અભૂતપૂર્વ નિર્ણય સરકારે કર્યો છે. આ મોટા પ્રોજેક્ટ અંતર્ગત હાલ જોડીયા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે 10 કરોડ લિટર પ્રતિ દિન ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે આકાર લેશે. આ કામગીરી ૩૦ માસમાં પૂર્ણ કરવામાં આવશે. સંપૂર્ણ ડિસેલિનેશન પ્લાન્ટના મેગા પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિવિધ ક્ષમતા ધરાવતા કુલ સાત સી-વોટર ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાનિક વસ્તીની જરૂરિયાતોને ધ્યાને લઇ પ્રસ્થાપિત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
જામનગર-બાંદ્રા હમસફર એકસપ્રેસનો પ્રારંભ થયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોમવારે રાજકોટ-કાનાલુસ ડબલીંગ પ્રકલ્પનો શીલાન્યાસ અને જામનગર-બાંદ્વા ટર્મિનસ હમસફર એકસપ્રેસને લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટ્રેન જામનગરથી અઠવાડીયાના ૩ દિવસ મંગળવાર, ગુરૂવાર, રવિવારના રોજ પ્રસ્થાન કરશે અને સોમવાર, બુધવાર અને શનિવાર બાન્દ્વાથી જામનગર આવવા માટે યાત્રીઓને મળશે.
જામનગર, દ્વારકા સહિત 10 જિલ્લાના 57 જળાશયો ભરાશે
સૌરાષ્ટ્રને પાણીની વિકટ સમસ્યાના કાયમી ઉકેલ માટે સૌની યોજનાનો તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતમુર્હૂત કર્યું હતું. જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, જેમાં ચાર લીંક થકી કુલ 230 કિલોમીટર લંબાઇના પાઇપલાઇનના કામો પૂર્ણ થયા છે અને તેના થકી પાંચ જિલ્લા જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદના કુલ 16 જળાશયોને સાંકળી લેવામાં આવ્યા છે. સૌની યોજનાના બીજા તબક્કાની કામગીરીમાં 10 જિલ્લાનાં 57 જળાશયોને ભરવામાં આવશે. જેના માટે સરકાર દ્વારા રૂપિયા 6473 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. બીજા તબક્કાના લીંક-1ના બીજા પેકેજ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકાના 76 ગામના 59506 એકર વિસ્તારમાં સિંચાઇની સુવિધા વધુ સુદ્રઢ બનશે. જામનગર, ખંભાળીયા, લાલપુર અને કલ્યાણપુર વગેરે શહેરોને પીવા અને ઘરગથ્થુ વપરાશ માટે પાણી ઉપલબ્ધ થશે.
વાહનોની અવર-જવર પ્રતિબંધ
શહેરમાં લાલબંગલા સર્કલથી એરફોર્સ સ્ટેશન સુધીના રૂટ એટલે કે માર્ગ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. આ માર્ગો પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ એરફોર્સ સ્ટેશન ગેઇટથી રીંગ0રોડ, દિગ્જામ સર્કલ, સમર્પણ સર્કલ, ખોડીયાર કોલોની, સંતોષી માતા મંદિર, સાત રસ્તા સર્કલ, ગુરૂદ્વારા, હનુમાન ગેઇટ પોલીસ ચોકી, જિલ્લા પંચાયત સર્કલ, લાલબંગલા સર્કલ સુધીના આવક જાવકના બંને રસ્તાના રૂટ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments