જામનગર : મેડિકલ કોલેજની હોસ્ટેલમાંથી ગરીબ વિદ્યાર્થીને માર મારી સામાન ફેંકી દઈ કાઢી મૂક્યો

0
36

જામનગર: જામનગરની ચર્ચાસ્પદ એમ.પી.શાહ મેડીકલ કોલેજની હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓએ એક જૂનિયર છાત્રના રૂમના તાળા તોડી સામાન બહાર ફેંકી દઇ તેને ઢોર માર મારી હોસ્ટેલમાંથી કાઢી મુક્યાની ચકચારી ઘટના સામે આવી છે. નવાઇની વાત તો એ છે કે, કોલેજ તંત્ર આખી વાતને હળવાશથી લઇ રહયું છે. બીજી બાજુ સિનિયર વિદ્યાર્થીઓની જંગાલિયતનો ભોગ બનેલો છાત્ર ભાંગી પડ્યો છે. સ્કોલરશીપ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભણાવવા તેના પિતા દિવસ રાત ડ્રાઇવીંગ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે બાપ કમાઇ પર મેડીકલ જેવો ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ કોલેજમાં ભણવાના બદલે ગૂંડાગીરી કરે અને એક આશાસ્પદ વિદ્યાર્થીનો સામાન હોસ્ટેલમાંથી ફેંકી દઇ કાઢી મૂકે એટલું જ નહીં ઘરે ચાલ્યા ગયેલા વિદ્યાર્થીને બીજા દિવસે ફરી મોબાઇલ ફોન કરી બેફામ ગાળો ભાંડે તે બાબત શિક્ષણજગત માટે શર્મનાક છે. મેડીકલ કોલેજમાં આવી લુખ્ખાગીરી ચલાવી લેવાશે તો અનેક માતા પિતા પેટે પાટા બાંધી પોતાના સંતાનોને ડોક્ટર બનાવવાના સમણા જોઇ રહ્યાં છે તેમના સમણા રોળાઇ જશે.

શિક્ષણજગત માટે કલંકિત કહીં શકાય તેવી ઘટનાની ભીતરી વિગતો ચકાસીએ તો જામનગર શહેરની એમ.પી. શાહ મેડીકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો પાર્થ સુરેશભાઇ રાઠોડ નામનો વિદ્યાર્થી હોસ્ટેલ નં. 4ના રૂમ નં. 28માં બીજા માળે રહે છે. ગત તા. 23 મેના રોજ હોસ્ટેલના રૂમને તાળા મારી પરીક્ષા અન્વયે વાંચવા માટે ઘરે જતો રહયો હતો.

તા. 25 મેના રોજ પરીક્ષાનું પેપર પૂર્ણ થયા બાદ તે હોસ્ટેલ પર પહોંચતા તેના રૂમમાં અન્ય કોઇ ધવલ નાંધા નામનો વિદ્યાર્થી હતો તેને પોતાના રૂમ બાબતે પૂંછતા આ લોબી એસ.જી. ગ્રુપ વાળાઓની છે અને તારો ભંગાર સામાન નીચે ફેંકી દીધો છે, તેમ કહયું હતું. જે અંગે પાર્થે દલીલ કરતા એસ.જી. ગ્રુપના નામે સંગઠિત સિનિયર વિદ્યાર્થીઓ એકજૂથ થઇ ગયા અને દાદાગીરી કરી પાર્થને મારવા લાગ્યા હતા.

ઢોર માર મરાતા ડઘાઇ ગયેલો પાર્થ હોસ્ટેલથી પોતાના ઘરે ચાલ્યો ગયો અને કોઇને કશું કહ્યા વગર ઘરે જઇને સૂઇ ગયો હતો. પરંતુ બીજા દિવસે તેને ફોન પર સિનિયરોનો ફોન આવ્યો અને કાનમાં કીડા પડી જાય તેવી ગાળો ભાંડી તેને જોઇ લેવાની ધમકી આપતા પાર્થ માનસિક રીતે ભાંગી પડયો હતો. પરિવારજનોએ કોલેજ તંત્રને કહેતા તેઓએ પગલા લેવાની અને કોઇને વાત ન કરવાનું કહીં કોલેજની બદનામી થશે તેમ જણાવી વાત દબાવી દીધી હતી. આમ મેડીકલ કોલેજમાં બનેલી ચકચારી રેગીંગની ઘટનાથી વિદ્યાર્થીઓ સમૂહમાં ભારે ચકચાર જાગી છે.

રેગીંગનો ભોગ બનેલો પાર્થ ભણવામાં તેજસ્વી છે, અત્યંત ગરીબ કુટુંબમાથી આવતો પાર્થ પોતાની સ્કોલરશીપથી ફી ભરે છે તેના પિતા દિવસ રાત ડ્રાઇવીંગ કરી પુત્રને ડોક્ટર બનાવવાનું સપનું જોઇ રહ્યા છે. પાર્થની બહેન હાલમાં જ એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કરી ઇજનેર બની છે.

હોસ્ટેલમાં ચાલતું ગ્રુપીઝમ
એમ.પી.શાહ મેડીકલ કોલેજની હોસ્ટેલમાં ગ્રુપ બનાવીને ચલાવવાનું ભયંકર દુષણ છે, જેની સામે તંત્રના આંખ આડા કાન છે. અહીં સૌરાષ્ટ્રનું ગ્રુપ, અમદાવાદ ગાંધીનગરનું ગ્રુપ, નોર્થ ગુજરાતનું અલગ ગ્રુપ અને પરપ્રાંતિયોનું અલગ ગ્રુપ છે. જે વર્ચસ્વ માટે અવાર-નવાર લડતા રહે છે. જે કોઇ ગ્રુપમાં ન હોય તેને નોન ગ્રુપર કહેવામાં આવે છે.

પોલીસ રક્ષણ માંગ્યું
ગભરાયેલા પાર્થે સિનિયરો વિરૂધ્ધ ફરિયાદ કરવાનું ટાળ્યું, કોલેજ સતાવાળાઓએ તમે પોલીસ રક્ષણ માંગી શકો છો તેમ કહેતા પાર્થ દ્વારા જિલ્લા પોલીસ વડા પાસે પોલીસ રક્ષણની માંગણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here