જાહન્વી કપૂર અને રાજકુમાર રાવ પોતાની અપકમિંગ હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી અફઝા’નું શૂટિંગ નોર્થ ઇન્ડિયામાં પહાડો પર ચાલી રહ્યું છે. ફિલ્મના લોકેશન પરથી તેમનો ફોટો લીક થયો છે. ઉત્તરાખંડમાં ફિલ્મની ટીમ શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં જાહન્વી કપૂર અને રાજકુમાર રાવ સાથે ‘ફુકરે’ ફેમ વરુણ શર્મા પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને ‘સ્ત્રી’ ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજન પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મથી ગુજરાતી ડિરેક્ટર, સ્ક્રીન રાઇટર હાર્દિક મહેતા ડિરેક્ટર તરીકે એન્ટ્રી લઇ રહ્યો છે. અગાઉ ઉત્તરાખંડના રૂડકી શહેરમાં જાહન્વી કપૂર શૂટિંગ માટે પહોંચી હતી ત્યારે લોકોએ તેને સારો આવકાર આપ્યો હતો.
આ ફિલ્મમાં જાહન્વી રૂહી અને અફસાનાની ભૂમિકા ભજવશે જે બે તદ્દન વિરુદ્ધ વ્યક્તિત્ત્વ ધરાવતાં પાત્રો છે. જાહન્વીની આ પહેલી ફિલ્મ છે જેમાં તે ડબલ રોલમાં દેખાશે. અગાઉ દિનેશ વિજને જણાવ્યું હતું કે, વરુણ અને રાજકુમાર કોમેડી કરવામાં માહેર છે. ફિમેલ લીડમાં જાહન્વી એકદમ ફિટ બેસે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ યંગ, રિફ્રેશિંગ અને એકદમ ક્રેઝી છે અને જાહન્વી એકદમ એવી જ છે.
ડિરેક્ટર હાર્દિક મહેતાને ‘અમદાવાદમાં ફેમસ’ ડોક્યુમેન્ટરી માટે નેશનલ અવોર્ડ મળેલો છે. તેમના આ જ કામને કારણે તેઓ પ્રોડ્યૂસર દિનેશ વિજનની નજરમાં આવ્યા હતા. અગાઉ રાજકુમાર રાવ અને હાર્દિકે સાથે કામ કર્યું છે. ‘ટ્રેપ્ડ’ મૂવીનો રાઇટર હાર્દિક મહેતા હતો. ઉપરાંત ‘ક્વીન’, ‘લૂટેરા’ જેવી ફિલ્મોનો સ્ક્રિપ્ટ સુપરવાઇઝર પણ રહી ચૂક્યો છે.
આ ફિલ્મથી રાજકુમાર અને જાહન્વી પહેલીવાર સાથે કામ કરશે. પ્રોડ્યૂસર અને એક્ટરનો ડ્યુઓ ‘સ્ત્રી’ બાદ ફરી આ ફિલ્મમાં સાથે કામ કરશે. ફિલ્મ 20 માર્ચ, 2020ના રોજ રિલીઝ થશે.