ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની ફરી એક વાર જીભ લપસી જતાં ભારે વિવાદ અને ટીકાનો મારો થતાં આખરે તેમણે દિલગીરી વ્યક્ત કરીને મામલો સંકેલવાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે રાધનપુર ખાતે ગુજરાત ભાજપ યુવા સંમેલનમાં જોશમાં આવી જઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીને સંબોધી સ્તનપાન વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. જો કે, દિલગીરી વ્યક્ત કરતા પણ પોતાનો અસલ સ્વભાવ છોડી ન શકેલા વાઘાણીએ પોતાનો બચાવ કરતા હોય તે રીતે કહ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસે મારી માતા અને ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા.
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારની પ્રતિક્રિયા
આ પ્રકરણમાં વાઘાણીની ટીકા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીના રાજનીતિમાં પ્રવેશ બાદ માનસિક સંતુલન ગુમાવી બેઠેલા ભાજપીઓ લવારી પર ઉતરી આવ્યા છે. જીતુ વાઘાણી તો વળી વિના કારણ શાબ્દિક ગંદકી ઓંકવા કુખ્યાત છે. વાધાણીને ઘોડીયામાં જ સંસ્કાર મળ્યા હોત તો માંના દૂધ પીવડાવવાની પવિત્ર પળોને અપમાનિત કરવાની કુચેષ્ટા ના કરત. જીતુ વાઘાણીને ગળથૂથીમાં સ્વાભિમાનની વિરાસત મળી હોય તો આ જ સવાલ મોહન ભાગવત અને અમિતભાઇ શાહ માટે ઉઠાવી બતાવે.
ભાજપના કોઈ નેતાના વડવાએ ક્યાં દેશ માટે બલિદાન આપ્યું છેઃ ચાવડા
અગાઉ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપના નેતાઓએ ગાંધી પરિવાર વિશે બોલતા પહેલા સો વાર વિચાર કરવો જોઇએ. ભાજપના એકપણ નેતાઓના વડવાઓએ દેશ માટે બલિદાન આપ્યું નથી. આ જીતુ વાઘાણીની હલકી માનસિક્તા દર્શાવે છે.
મહિલા કોંગ્રેસ વાઘાણીને ઘેરાબંધી-રાજ્યવ્યાપી આંદોલન કરશે
ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે મહિલા કોંગ્રેસની કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા કોંગ્રેસે એક યાદીમાં જણાવ્યું હતું કે, વાઘાણીને આવા નિવેદનો કરવા બદલ ઘેરાબંધી કરાશે અને આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન પણ કરવામાં આવશે