જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનને કૃણાલ પંડ્યાએ કોરો ચેક આપ્યો

0
56

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીન છેલ્લા 26 દિવસથી આઇસીયુમાં છે, અને જીવન-મરણ વચ્ચે ઝઝુમી રહ્યા છે, ત્યારે વડોદરાના ક્રિકેટર કૃણાલ પંડ્યાએ જેકોબ માર્ટીનની મદદ માટે કોરો ચેક આપ્યો હતો અને જેટલી પણ મદદની જરૂર હોય તેટલી રકમ ભરવાની છુટ આપી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન(46) 28મી ડિસેમ્બરના રોજ મોપેડ પર વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર લાયન્સ કલબ પાસેથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે સ્પીડ બ્રેકરના કારણે તે નીચે પટકાયા હતા. જેના લીધે તેની પાંસળી અને ફેફસાંમાં ગંભીર ઇજાઓ થઈ હતી. અને તેના પગમાં પણ ઈજા થઈ હતી. જેથી તેને રેસકોર્સની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેઓને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ બીસીએ દ્વારા 3 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હતી. જ્યારે બીસીસીઆઇએ પણ 5 લાખ રૂપિયાની મદદ કરી હતી. જેકોબ માર્ટીન સાથે રમી ચૂકેલા તેના સાથી મિત્રોએ પણ 3 લાખ રૂપિયા ભેગા કરીને આપ્યા છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, રવિ શાસ્ત્રી, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ મુનાફ પટેલ ઝહીર ખાન, સૌરવ ગાંગુલી આશિષ નહેરા જેકોબ માર્ટીનને મદદની ઓફર કરી ચૂક્યા છે.

બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી સંજય પટેલે જણાવ્યું હતું કે, ક્રિકેટર કૃણાલ પંડ્યાનો મને ફોન આવ્યો હતો અને કૃણાલે બ્લેન્ક ચેક આપીને જેટલી પણ રકમ ભરવી હોય તેની છૂટ આપી હતી. જેકોબ માર્ટીને કૃણાલને કોચિંગ આપેલુ છે. કૃણાલ હંમેશા ક્રિકેટર્સને મદદ માટે તૈયાર હોય છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ક્રિકેટર્સને મદદ કરવા માટે હવે ફંડ ઉભુ કરવુ પડશે. જેથી કોઇ પણ ક્રિકેટર પર આફત આવે ત્યારે મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આવનારા દિવસોમાં બીસીએની ચૂંટાયેલી બોડી અને ક્રિકેટર્સ સાથે ચર્ચા કરીને ક્રિકેટર્સના હિત માટે ફંડ ઉભુ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here