જૂનાગઢ રંગાયું કુંભમેળાના રંગમાં, ચોથા દિવસે 4 લાખ લોકો ઉમટ્યા

0
36

જૂનાગઢ: ભવનાથનાં ગિરનાર મહાશિવરાત્રિ કુંભ મેળામાં ચાર દિવસમાં 4 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આજે પાંચમાં દિવસે ભાવિકોનો પ્રવાહ સવારથી આવવાનું શરૂ થઇ ગયું છે. આજે દિવસ દરમિયાન ગઇકાલ કરતાં ભાવિકોની સંખ્યામાં વધારો થશે. ભાવિકોનું મેળામાં આગમન સવારથી લઇને બપોરે 12 સુધી અને બાદમાં 3 વાગ્યા પછી વધુ થાય છે. બપોરના અરસામાં ભાવિકોનો પ્રવાહ જૂનાગઢથી ભવનાથ તરફ નહીંવત હોય છે. જો કે, મેળામાં ભીડનો અનુભવ પણ આ વખતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસથી વધુ થાય છે. બપોરનાં સમયે લોકો આરામ ફરમાવવા ઓળખીતા હોય એના ઉતારે કે ધાર્મિક સ્થળોએ પહોંચી જાય છે. પણ ફક્કડ ગિરધારી બનીને આવતા લોકો મોટી ધાર્મિક જગ્યાઓમાં ખુલ્લામાં આરામ ફરમાવે છે. તો ઘણા ભજનના કાર્યક્રમોમાં પણ બેસી જાય છે.

એકંદરે દિવસ કરતાં રાત્રિનાં સમયે ભાવિકોનો ધસારો વધુ રહે છે. મેળામાં આવતા સંતો રોડની સાઇડે ધૂણી ધખાવતા હોય છે. પણ આ વખતે તંત્રની દખલગિરી વધુ પડતી હોઇ ઘણાખરા સંતોએ પોતાની જગ્યા બદલવી પડી છે. તો પાથરણાવાળાઓએ પણ મેળા ગ્રાઉન્ડ અને જૂના અખાડાથી મંગલનાથની જગ્યા પાસેથી કાઢી મૂકાતાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ પાસે ડીવાઇડર પર બેસી ધંધો શરૂ કર્યો છે. આજે રવિવારે સંત સંમેલનનું આયોજન કરાયું છે જેમાં મોરારિબાપુ વક્તવ્ય આપનાર છે. તેમના કાર્યક્રમમાં ભાવિકોની ભીડ વધવાની શક્યતા હોઇ ખુદ પ્રકૃતિધામ ટૂંકું પડે એવી સ્થિતી સર્જાવાની વકી છે.
સિમીત વિસ્તારમાં જ લાખ્ખોની સંખ્યામાં મોબાઇલ ફોન એકસાથે ઓપરેટ થતા હોવાથી ઘણા લોકોને નેટવર્કની તકલીફ પડે છે. મેળામાં ખાસ કરીને ઇન્ટરનેટના ઉપયોગમાં સ્પીડ ખુબ ધીમી મળતી હોવાની અનેક ફરિયાદો ઉઠે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here