જેની જીવતા જીવ કોઈ દિવસ કદર ન થઈ તે કાદરખાનને મરણોત્તર મળ્યું આ મોટું સન્માન

0
50

અનેક ફિલ્મોને પોતાની એક્ટિંગ અને લેખન કાર્યથી દમદાર બનાવનાર કાદર ખાનને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. કાદર ખાનનું નિધન એક મહિના પહેલા 31 ડિસેમ્બરે થયું હતું. કાદર ખાનને જીવતા જીવ તો ક્યારેય કોઈ પુરસ્કારથી નવાજવામાં ન આવ્યા. તેમણે 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

કાદર ખાન અફઘાનિસ્તાનનાં કાબુલમાં જન્મ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં કાદર ખાને જણાવ્યું હતુ કે, “મારી પહેલા માને 3 દીકરા થયા, પરંતુ ત્રણેયનાં મોત લગભગ 8 વર્ષની ઉંમર સુધી આવતા આવતા થયા. ત્યારબાદ ચોથા નંબર પર મારો જન્મ થયો. મારા જન્મ પછી મારી માતાએ મારા પિતાને કહ્યું કે આ જમીન મારા દીકરાઓ માટે માફક નથી આવી રહી અને ત્યારબાદ મારો પરિવાર મુંબઈ આવી ગયો.”

કાદર ખાનનાં માતા-પિતાનાં તલાક થયા અને કાદર ખાન સાવકા પિતા સાથે ગરીબીમાં ઉછર્યા. મુશ્કેલીઓમાં તેમણે મુંબઈમાં સીવિલ એન્જીનિયરિંગ કર્યું અને ત્યારબાદ બાળકોને ભણાવવા લાગ્યા. કાદર ખાન ઘણા ઉમદા એક્ટર હતા. પડદા પર તેમની અને ગોવિંદાની જોડીને દર્શકોએ ઘણી જ પસંદ કરી છે, જેમાં ‘દરિયા દિલ’, ‘રાજા બાબુ’, ‘કુલી નંબર-1’, ‘છોટે સરકાર’, ‘આંખે’, ‘તેરી પાયલ મેરે ગીત’, ‘આંટી નંબર-1’, ‘હીરો નંબર-1’, ‘રાજાજી’ અને ‘નસીબ’ જેવી ફિલ્મો સામેલ છે.

કાદર પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લિઅર પાલ્સી ડિસઓર્ડર નામની બિમારી સામે ઝઝૂમી રહ્યાં હતા અને અંતિમ વાર વર્ષ 2015માં ફિલ્મ ‘દિમાગ કા દહી’માં તેઓ નજરે પડ્યાં હતા. લાંબા સમયથી તેઓ કેનેડામાં પોતાના પુત્ર સરફરાઝ અને પુત્રવધૂ શાઇસ્તા સાથે રહેતા હતા.

કાદર ખાનના દિકરા સરફરાઝે જણાવ્યા મુજબ, તેઓ કેટલાંક સમયથી તકલીફમાં હતાં અને સંતુલન રાખવામાં અસમર્થ હતા. તાજેતરમાં જ એવા અહેવાલ મળ્યાં હતાં કે કાદર ખાનનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું. તે બાદ તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. જણાવી દઇએ કે કાદર ખાને 300થી વધુ ફિલ્મોમાં અભિનય અને સંવાદ લેખનનું કામ કર્યુ છે. પોતાના બુલંદ અવાજ અને ગજબની કૉમિક ટાઇમિંગ માટે જાણીતા કાદર ખાને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.

90ના દશકમાં ગોવિંદા અને કાદર ખાનની જોડી હિટ ફોર્મ્યુલા માનવામાં આવતી હતી. તેમણે દુલ્હે રાજા, કુલી નંબર-1, રાજા બાબૂ અને આંખે જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. આ ઉપરાંત કુલીમાં અમિતાભ સાથે, હિંમતવાલામાં જીતેન્દ્ર સાથે કાદર ખાન મહત્વની ભુમિકામાં નજરે પડ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here