કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ દિવસોમાં ચેક રિપબ્લિકના પ્રવાસે છે. ચેક રિપબ્લિકમાં ભારતીય મૂળના સમુદાયને મળવા માટેના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું કે, દિલ્હીનો અર્બન એક્સટેન્શન રોડ 2, જે રિંગ રોડ છે, તે આગામી બે-ત્રણ મહિનામાં શરૂ થશે. ગડકરીએ કહ્યું કે સામાન્ય રીતે જો તમે દિલ્હીથી એરપોર્ટ જાવ તો તેમાં બે કલાકનો સમય લાગે છે પરંતુ આ રસ્તો ખુલ્યા બાદ આ સમય ઘટીને માત્ર 20 મિનિટ થઈ જશે.
ગડકરીએ કહ્યું કે પહેલા મનાલીથી રોહતાંગ પાસ જવા માટે સાડા ત્રણ કલાકનો સમય લાગતો હતો, પરંતુ અમે ત્યાં અટલ ટનલ બનાવી છે, હવે આ યાત્રા માત્ર આઠ મિનિટમાં પૂરી કરી શકાશે. અમે લદ્દાખના લેહથી રોહતાંગ પાસ સુધી જવા માટે પાંચ ટનલ અને રસ્તાઓ બનાવી રહ્યા છીએ. તેમજ કારગીલ નજીક ઝોજિલા ટનલ બનાવવામાં આવી રહી છે.
ઝોજિલા ટનલ એશિયાની સૌથી મોટી ટનલ હશે, જે 11 કિલોમીટર લાંબી છે. ગડકરીએ કહ્યું કે અમે આ ટનલના નિર્માણ પર 5,000 કરોડ રૂપિયા બચાવ્યા છે. વાસ્તવમાં, તેમણે જણાવ્યું કે ઝોજિલા ટનલના નિર્માણ માટે ટેન્ડરનો અંદાજિત ખર્ચ 12 હજાર કરોડ રૂપિયા હતો પરંતુ ટનલનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં 5 હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે.