ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિરે સંક્રાંતે 500 વર્ષથી બ્રાહ્મણોને એક મૂઠી તલની સાનીનું દાન અપાય છે

0
28

ટંકારા: ટંકારામા ગ્રામદેવતા તરીકે પૂજાતા લક્ષ્મીનારાયણ મંદિરે પાંચ સૈકા જૂની મકરસંક્રાંતિ પર્વે બ્રાહ્મણો, સાધુઓને તલની સાનીનું દાન આપવાની પરંપરા આજે પણ નિભાવાય છે. ઉતરાયણના દિવસે સમાજમાં માન, મોભો અને સારી શાખ ધરાવતા પ્રતિષ્ઠિત અને સુખી સંપન્ન બ્રાહ્મણો પણ આ પરંપરાના સન્માન અર્થે સાનીના પ્રસાદનુ અદકેરૂ મહત્વ સમજીને પાત્ર પકડીને પ્રસાદ સ્વિકારે છે. પાત્રમા વ્યક્તિદીઠ મહંત એક મુઠી તલની સાની પધરાવે છે.

 

500 વર્ષ પૂર્વે આસ્થાળુ લોકો દ્વારા મકરસંક઼ાંતિ પર્વના મહત્વને ધ્યાનમાં રાખી સંક્રાંતિ પર્વે ખેડૂતો, શ્રીમંતો પાસેથી તલ, ગોળ ઉઘરાવી તલ પિલાવીને ગોળ ભેળવી પોતાના હાથે તલની સાની તૈયાર કરી મકરસંકાંતિના દિવસે શહેરના બ્રાહ્મણો, સાધુઓને દાન આપવાની પરંપરા શરૂ કરી હતી. જે આજે પણ પાંચ સૈકા પછી પણ ભાવિકોએ પરંપરા બરકરાર રાખી છે. છેલ્લા કેટલાક વર્ષથી મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા તલ, ગોળનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. આજે ઉત્તરાયણના પર્વે મહંત હરેશ ભગત બ્રાહ્મણો, સાધુઓના પરિવારની સંખ્યા મુજબ એક વ્યક્તિ દીઠ એક મુઠી તલની તૈયાર કરાયેલી સાની પાત્રમાં પધરાવી હતી.

બ્રહ્મસમાજના પ્રમુખ હસુભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે યજમાનો હરખથી સ્વૈચ્છાએ પ્રાચીન પરંપરા ઉજવીને પૌરાણિક રસમ જીવંત રાખવા મથતા હોય ત્યારે દાનરૂપે યજમાનનો પ્રેમ અમે સ્વિકારીએ છીએ. દાનનો સ્વિકાર કરવો એ જ સાચો બ્રહ્મ ધર્મ છે. પાંચ સૈકાથી ચાલી આવતી પ્રાચીન પરંપરા મુજબ ભૂદેવો તલ રૂપે યજમાનોની લાગણી સ્વિકારી પરંપરા જાળવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here