Wednesday, September 22, 2021
Homeટિકિટ ન મળતાં કોંગ્રેસમાં ગયેલા ચોટીલાના શામજી ચૌહાણ દોઢ વર્ષમાં જ ફરી...
Array

ટિકિટ ન મળતાં કોંગ્રેસમાં ગયેલા ચોટીલાના શામજી ચૌહાણ દોઢ વર્ષમાં જ ફરી ભાજપમાં

ગાંધીનગર: દોઢ વર્ષ અગાઉ ભાજપમાંથી ટિકિટ ન મળતા કોંગ્રેસમાં ગયેલા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન શામજી ચૌહાણ હવે કોંગ્રેસથી નારાજ થઇને ફરી ભાજપમાં જોડાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાતાની સાથે જ શામજી ચૌહાણે કહ્યું કે, અન્યાયની લાગણી થવાથી પાર્ટી છોડી હતી હવે પરત ફર્યો છું. ફરી અન્યાય થશે તો તેવા પ્રશ્ન પૂછતા જ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘ફરી અન્યાય થશે તો મતદારો પોતાનું પાણી બતાવશે.’

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપે ચોટીલાની ટિકિટ નહીં આપતા શામજી ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ તરફથી કમિટમેન્ટ કરાયા બાદ સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ માટે તેમનું નામ પેનલમાં પણ નહીં મુકાતા હવે કોંગ્રેસમાંથી નારાજગી વ્યક્ત કરીને તેઓ ભાજપમાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોળી સમાજના આગેવાન શામજી ચૌહાણ ભાજપમાં આવ્યા છે જેનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં અને સૌરાષ્ટ્રની બેઠકોમાં અસર થશે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની અનેક તાલુકા પંચાયત પણ કોંગ્રેસની તૂટી છે અને સભ્યો ભાજપમાં જોડાયા છે.

લોધિકા તાલુકામાં કોંગ્રેસમાં ભડકો, પ્રમુખ-ઉપપ્રમુખ ભાજપમાં ભળ્યા: લોધિકા તાલુકા પંચાયતમાં તાજેતરમાં ભાજપના સભ્યોના ટેકાથી પ્રમુખ, ઉપપ્રમુખ બનેલા કોંગ્રેસના સભ્યો મુખ્યમંત્રીના હસ્તે ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. મુખ્યમંત્રીએ લોધિકા તાલુકાના દોમડા ગામ સહિત 18 ગામના સરપંચ, 150થી વધુ કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે.

લોધિકા તાલુકાના પ્રમુખ-ઉપપ્રમુખ સાથે કોંગ્રેસના અન્ય 3 સભ્યે પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. લોધિકા તાલુકા પંચાયતમાં બળવો થયો છે અને કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત પાંચ સભ્યોએ ભાજપમાં પ્રવેશ કર્યો છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઓફિસમાં લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉમેશ પાંભર, સભ્ય ધીરૂ ચાવડા, જયંતી વેકરિયા, ભગવાનજી માટિયા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ મનસુખ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાલજી ટીલાળા સહિત 150 કાર્યકર્તાઓ ભાજપમાં ભળી ગયા છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના સૌથી નાની ઉંમરના લોધિકા તાલુકાના દોમડા ગામના સરપંચ ભૂપેન્દ્રસિંહ જાડેજા સહિત 18 ગામના સરપંચો પણ ભાજપ ભળ્યા છે.

સાબરકાંઠામાં સ્થાનિક ઉમેદવારને જ કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતા: સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે ઉમેદવાર રિપીટ કર્યા છે અને જ્ઞાતિ સમીકરણને મહત્ત્વ અાપતા રાજકીય પક્ષો માટે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હોવા છતાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસની જૂથબંધીને કારણે દાવેદારો પણ એકબીજાને શંકાની નજરે જોઇ રહ્યા છે.

આ સ્થિતિને થાળે પાળવા ગુજરાત પ્રદેશ સહપ્રભારી જિતેન્દ્ર બઘેલ અને સા.કાં. લોકસભા પ્રભારી બળદેવજી ઠાકોર શનિવારે હિંમતનગર દોડી આવ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે મીટીંગ કરી હતી.

નિરીક્ષકોએ તમામને હૈયાધારણ આપી હતી કે 1 લી 2 જી એપ્રિલ સુધીમાં ઉમેદવારની જાહેરાત થઇ જશે અને સ્થાનિક ઉમેદવાર જ પસંદ કરવામાં આવશે તથા તમામ દાવેદારો ઉમેદવારી પત્ર ભરવાની તૈયારી રાખે. છેલ્લી ઘડીએ કાર્યકરોને ઠંડા પાડવા નીરીક્ષકો દોડી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.

દમણમાં સ્ટેજ તૂટતા અપક્ષ ઉમેદવાર પટકાયો: દીવ-દમણના સાંસદ લાલુ પટેલે ગુરુવારે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યા બાદ શનિવારે દમણના ઉમેશ પટેલે પણ અપક્ષ ઉમેદવારી કરી હતી. ઉમેશ પટેલે શનિવારે ફોર્મ ભરવા પૂર્વે જાહેર સભાને સંબોધી હતી. મંચ ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ અને તેમનો નાનો પુત્ર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે જ અચાનક સ્ટેજ તૂટી પડતા પિતા પુત્ર નીચે પટકાયા હતા.

જામનગર લોકસભા બેઠક માટે 3 દિવસમાં 71 લોકો ફોર્મ લઈ ગયા: જામનગર લોકસભા બેઠક માટે ત્રણ દિવસમાં 71 ઉમેદવારી પત્રનો ઉપાડ થયો છે. લોકસભા બેઠક માટે વધુ એક ખંભાળિયાના અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું છે.77-જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણી માટે 69 ફોર્મ ગયા છે.

કોંગ્રેસ-BTPના ગઠબંધનની અટકળોનો આજે અંત આવ‌શે: ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવા માટે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધનનું કોકડું ગૂંચવાયેલું છે. કોંગ્રેwwwસની વોટબેંક ગણાતા મતદારો છોટુ વસાવાને ઉમેદવાર તરીકે સ્વીકારશે કે કેમ તેવા સવાલો ઊભા થઇ રહ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંરક્ષક અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ રવિવારે સસ્પેન્સનો અંત આવશે તેમ જણાવ્યું છે.

ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપે મનસુખ વસાવાને છઠ્ઠી ટર્મ માટે રિપીટ કર્યા છે અને તેઓ મંગળવારે ઉમેદવારીપત્ર ભરશે. બીટીપી સાથે ગઠબંધન કરવામાં કોંગ્રેસને તેની વોટબેંક ગુમાવવી પડે તેવો ડર સતાવી રહયો છે. ગઠબંધન બાબતે કોંગ્રેસના સંગઠનમાં પણ આંતરિક ડખા ચાલી રહયાં છે.

ભરૂચ બેઠકના રાજકીય સસ્પેન્સ વચ્ચે છોટુ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, ભારતીય ટ્રાયબલ પાર્ટી ભરૂચ, વલસાડ, છોટા ઉદેપુર, બારડોલી, દાહોદ, સેલવાસ અને બનાસકાંઠા બેઠક પર તેમના ઉમેદવાર ઊભા રાખશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે ચૂંટણી લડવા માટે જ રાજકીય પાર્ટી બનાવી છે. દેશમાં ભાજપ અને કોંગ્રેસ જ થોડા ચૂંટણી લડશે અમે પણ ચૂંટણી લડીશું.

ભરૂચ બેઠક પર તેમની ઉમેદવારી અંગેના પ્રશ્નના જવાબમાં છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, આજે રવિવારના રોજ કોંગ્રેસ સાથેના ગઠબંધનના સસ્પેન્સનો અંત આવી જશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અમારો એક ઉમેદવાર નરેન્દ્ર ગુરજીભાઈ જેલમાંથી ચૂંટણી લડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments