ટીવી એક્ટર પ્રતીશ વોરા બે વર્ષની દિવંગત દીકરીને મ્યૂઝિકલ ટ્રિબ્યૂટ આપશે; કહ્યું, સફેદ કપડાંમાં ના આવતા

0
55

મુંબઈઃ ટીવી સિરિયલ ‘પ્યાર કે પાપડ’ ફૅમ ટીવી એક્ટર પ્રતીશ વોરાની દીકરીનું સાત મેના રોજ આકસ્મિક નિધન થયું હતું. હવે, પ્રતીશ વોરાએ કહ્યું હતું કે તે બે વર્ષીય દીકરી આધ્યા માટે આધ્યાંજલી યોજવાનો છે. એક એન્ટરટેઈન્મેન્ટ પોર્ટલ સાથેની વાતચીતમાં પ્રતીશે કહ્યું હતું કે 25મી મેના રાત્રે આઠ વાગે રાજકોટ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં મ્યૂઝિકલ સંમેલન યોજવામાં આવશે. આ સંમેલનમાં આવનાર વ્યક્તિએ સફેદ કપડાં પહેરીને આવવાનું નથી. આ શોકસભા નથી પરંતુ સંગીતમય શ્રદ્ધાંજલિ છે. તેની દીકરીને સંગીત ઘણું જ પસંદ હતું. ઘણીવાર ગીત ના વગાડવામાં આવે તો તે જમતી પણ નહોતી.

દીકરીને ભક્તિ ગીતો પસંદ હતાં

પ્રતીશને જ્યારે પૂછવામાં આવ્યું કે દીકરીને કેવા ગીતો પસંદ હતાં? તો તેણે જવાબ આપ્યો હતો કે માત્ર ભક્તિ ગીતો. ફિલ્મી ગીતો નહીં. તેને ગુજરાતી ભજન ઘણાં જ પસંદ હતાં. તે ક્યારેય કાર્ટૂન કે ફિલ્મ જોતી નહોતી. વધુમાં પ્રતીશે કહ્યું હતું કે તેમણે દીકરીનું ઘણું જ ધ્યાન રાખ્યું હતું. બાળક જ્યારે મોટું થાય છે ત્યારે દરેક પેરેન્ટ્સ સજાગ બની જાય છે. ક્યાંક પલંગ પરથી પડી ના જાય કે આડું-અવળું જમી ના લે. જોકે, તે માત્ર એક ક્ષણ હતી, જેને કોઈ કાળે તેઓ ટાળી શક્યા નહીં. જ્યારે દીકરીએ મોંમા રમકડાંનો ટુકડો મૂક્યો ત્યારે તેની પત્ની તેને જોતી હતી અને તેણે તરત જ દીકરીને ખોળામાં લીધી પરંતુ તે ક્ષણે જે નુકસાન થવાનું હતું, તે થઈ જ ગયું. તેઓ ગમે તેટલું સંભાળે પણ જે થવાનું હોય તે થઈને જ રહે છે.

દીકરીનો લગ્નના 13 વર્ષ બાદ જન્મ થયો હતો

પ્રતીશના લગ્નના 13 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો હતો. માત્ર બે વર્ષમાં દીકરીનું નિધન થતાં તે આના ભગવાનની ઈચ્છા બતાવે છે. આ પહેલાં પ્રતીશે કહ્યુ હતું, ‘અમે ઘરે કેટલાંક મિત્રો સાથે પિત્ઝા ખાતા હતાં. મારી દીકરી તથા પત્ની મુંબઈમાં નહીં પણ રાજકોટમાં રહે છે. તેઓ છેલ્લાં 10 દિવસથી વેકેશન કરવા આવ્યા હતાં. જ્યારે મારી દીકરી રમકડાંનો એક ભાગ ગળી ગઈ તો મેં તરત જ મોંમાં હાથ નાખીને રમકડું કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દીકરીએ મને હાથ પર જોરથી બચકું ભર્યું હતું. મને લાગે છે કે તે ઘણી જ ડરી ગઈ હતી. આટલીવારમાં રમકડું અંદર જતું રહ્યું હતું અને મારો હાથ ત્યાં સુધી પહોંચી શકે એમ નહોતો. હું માનું છું કે આ બધું થોડીક જ ક્ષણોમાં બની ગયું હતું. હું અને મારી પત્ની તાત્કાલિક મીરા રોડ પર આવેલી હોસ્પિટલમાં ગયા હતાં. જોકે, રસ્તામાં જ દીકરીના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ડોક્ટરે લોહી તો બંધ કરી દીધું પરંતુ તેના હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા હતાં. થોડીવાર બાદ અમને કહેવામાં આવ્યું કે દીકરી નોર્મલ છે પરંતુ 24-48 કલાક અન્ડર ઓબર્ઝવેશનમાં રાખવામાં આવશે.’

રાતના એક વાગે નિધન થયું

પ્રતીશે આગળ કહ્યું હતું, ‘થોડીવાર બાદ ફરીથી દીકરીના મોંમાંથી લોહી આવવા લાગ્યું હતું અને હાર્ટબીટ અનિયમિત થઈ ગયા હતાં. ડોક્ટરે રાતના એક વાગ્યા સુધી દીકરીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો પરંતુ તે બચી શકી નહીં. અમે દીકરીનાં પાર્થિવ દેહને લઈ રાજકોટ આવ્યા હતાં અને અહીંયા અંતિમ સંસ્કાર કર્યાં હતાં.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here