ટ્રમ્પના એક નિર્ણયથી પરમાણુ યુદ્ધનું જોખમ; રશિયાએ કહ્યું – વળતો જવાબ આપીશું

0
36

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ રશિયા સાથેની 32 વર્ષ જૂની પરમાણુ સંધિ રદ કર્યા બાદ હવે ત્રીજાં વિશ્વ યુદ્ધનું જોખમ ઉભું થયું છે. રશિયાના સૌથી શક્તિશાળી નેતા અને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પણ ડોનાલ્ડ ટ્રમ્પના સંધિ રદના નિર્ણય બાદ ઇન્ટરમિડિએટ-રેન્જ ન્યૂક્લિયર ફોર્સ (INF)માંથી છ મહિનાની અંદર બહાર નિકળી જવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં અનેક વર્ષોથી રશિયાના આ સંધિના નિયમોના પાલન મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. 1987માં થયેલી આ સંધિ હેઠળ ગ્રાઉન્ડ-લૉન્ચ ક્રૂઝ મિસાઇલના ઉપયોગ પર પ્રતિબંધ હતો.

1987માં પરમાણુ સંધિ થઇ હતી

USએ કહ્યું, રશિયાથી અન્ય દેશોને જોખમ

આ સંધિ હેઠળ 310 માઇલથી 3,415 માઇલ સુધીની ગ્રાઉન્ડ-લૉન્ચ મિસાઇલના ઉપયોગ પર પ્રતિબંધ હતો. ટ્રમ્પે કહ્યું કે, રશિયાના મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામથી અમારાં સહયોગી દેશો અને અમેરિકાની વિદેશમાં રહેતી મિલિટરીને જોખમ હતું. જો રશિયા હજુ પણ પરમાણુ હથિયારો બનાવવાનું બંધ નહીં કરે તો અમેરિકા 6 મહિનાની અંદર આ સંધિમાંથી સંપુર્ણ રીતે બહાર થઇ જશે.

ટ્રમ્પના નિર્ણયથી શીતયુદ્ધનો ડર?

સોવિયેત સંઘના પૂર્વ પ્રેસિડન્ટ મિખાઇલ ગોર્બાચેવે કહ્યું કે, અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની શીત યુદ્ધની મહત્વની પરમાણુ હથિયાર સંધિને તોડવાની યોજના પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે મોટો ફટકો સાબિત થશે. ગોર્બાચેવે જ 1987માં અમેરિકાના તત્કાલિન પ્રેસિડન્ટ રોનલ્ડ રીગનની સાથે ઇન્ટરમિડિયેટ-રેન્જ ન્યૂક્લિયર ફોર્સ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.

ટ્રમ્પનું કહેવું છે કે, રશિયાએ અનેકવાર આઇએનએફ સંધિનું ઉલ્લંઘન કર્યુ છે. રશિયાએ ટ્રમ્પની યોજનાની નિંદા કરી છે અને કહ્યું કે, તેઓ પણ પલટવાર કરશે. રશિયાએ કહ્યું કે, પ્રેસિડન્ટ પુતિન અમેરિકન સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટનની રશિયા મુલાકાત પર આના પર જવાબ માંગશે.

જર્મની અમેરિકાનું પહેલું સહયોગી છે, જેણે ટ્રમ્પના આ વલણની ટીકા કરી છે. જર્મનીના વિદેશ મંત્રી હાઇકો માસે કહ્યું કે, અમેરિકાને આ નિર્ણયને લઇ ફેરવિચાર કરવો જોઇએ અને તેણે યુરોપની સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણના ભવિષ્યને લઇને વિચાર કરવો જોઇએ.

INF એક એવું ગ્રુપ છે જે જમીન પર મધ્યમ અંતરની મિસાઇલોના પરિક્ષણ અને ગોઠવણીને અટકાવે છે. તેની રેન્જ 500થી 5,500 કિમી સુધી છે. તેના પર બંને દેશોએ શીત યુદ્ધની સમાપ્તિ દરમિયાન હસ્તાક્ષર કર્યા હતા. બીજાં વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ 1945થી 1989ની વચ્ચે અમેરિકા અને સોવિયત સંઘના દુશ્મનાવટના સંબંધોના કારણે વિશ્વમાં યુદ્ધની આશંકા ઘેરી બની હતી. એવું લાગી રહ્યું હતું કે, આ તણાવ પરમાણુ હુમલાનું સ્વરૂપ ના લઇ લે. આ જ પાંચ દાયકામાં રશિયા અને અમેરિકા પરમાણુ હથિયારો પર લગામ લગાવવા માટે અનેક સમજૂતીઓ સુધી પહોંચ્યા હતા.

મિખાઇલ ગોર્બાચેવ કોણ છે?

સોવિયત સંઘના અંતિમ મહાસચિવ અથવા પ્રેસિડન્ટ. તેઓને 1985માં નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓના ડોમેસ્ટિક ઇમ્પ્રૂવમેન્ટ્સના કારણે પરમાણૂ નિઃશસ્ત્રીકરણ અને શીતયુદ્ધને ખતમ કરવામાં મદદ મળી હતી. સોવિયત સંઘના પતના બાદ 1991માં ગોર્બાચેવે રાજીનામું આપ્યું હતું.

ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકા એ વાતના બિલકુલ સહન નહીં કરે કે રશિયા બધું જ કરે અને અમેરિકા સમજૂતી હેઠળ બંધાયેલું રહે. મને નથી ખબર કે પ્રેસિડન્ટ ઓબામાનું આ મુદ્દે ધ્યાન કેમ નથી ગયું. પ્રેસિડન્ટ ટ્રમ્પે આ વાતો નેવાદામાં એક રેલી દરમિયાન કહી.

2014માં પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ક્રૂઝ મિસાઇલના પરિક્ષણ બાદ રશિયા પર આઇએનએફ સંધિના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. એવું કહેવાય છે કે, ઓબામાએ યુરોપિયન નેતાઓના દબાણમાં આ સંધિને નહીં તોડવાનો નિર્ણય કર્યો હતો. યુરોપનું માનવું છે કે, આ સંધિ ખતમ થવાથી પરમાણુ હથિયારોની હરિફાઇ શરૂ થઇ જશે.

રશિયાનું શું કહેવું છે?

રશિયાના વાઇસ મિનિસ્ટર સેર્ગેઇ રિયાકોવે કહ્યું કે, હું ભરોસા સાથે કહી શકું છું કે આ ખૂબ જ ખતરનાક હશે. આ સમજૂતી તૂટવાથી આખા વિશ્વ માટે સ્થિતિ ચિંતાજનક રહેશે. આ ઉશ્કેરણીની કાર્યવાહી સાબિત થશે. રશિયન ન્યૂઝ એજન્સી તાસને સેર્ગેઇએ કહ્યું, આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આ ખતરનાક હશે અને સાથે જ પરમાણુ નિઃશસ્ત્રીકરણને ફટકો પડશે. અમેરિકાનો વ્યવહાર કોઇ મૂરખની માફક છે જે એક-એક કરીને આંતરરાષ્ટ્રીય સમજૂતીને તોડી રહ્યું છે.

સર્ગેઇએ કહ્યું કે, અમેરિકા જો આ પગલાં લેશે તો અમારી પાસે કોઇ વિકલ્પ નહીં હોય, પણ અમે પલટવાર કરીશું. જો કે, અમે એ નથી ઇચ્છતા કે સ્થિતિ આટલી હદ સુધી પહોંચે.

રશિયાએ સંધિનું ઉલ્લંઘન કર્યુ છે?

અમેરિકાનું કહેવું છે કે, રશિયાએ મધ્યમ અંતરની નવી મિસાઇલ બનાવીને આ સંધિનું ઉલ્લંઘન કર્યુ છે. રશિયાએ આ મિસાઇલનું નામ નોવાતોર 9M729 છે. નાટો દેશ તેને SSC-8ના નામથી ઓળખે છે. રશિયા આ મિસાઇલની મદદથી નાટો દેશ પર તત્કાળ પરમાણુ હુમલો કરી શકે છે. રશિયાએ આ મિસાઇલ અંગે ખૂબ જ ઓછી માહિતી આપી છે અને તે આઇએનએફ સંધિના ઉલ્લંઘનના આરોપોને નકારી રહ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે, રશિયા માટે આ હથિયાર પારંપરિક હથિયારોની સરખામણીએ એક સસ્તો વિકલ્પ છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં શુક્રવારે એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો કે, અમેરિકા પશ્ચિમ મહાસાગરમાં ચીનની વધતી જતી હાજરીને જોતા સંધિમાંથી બહાર નિકળવા પર વિચાર કરી રહ્યું છે. એક વાત સ્પષ્ટ છે કે, આ સંધિમાં ચીન સામેલ નથી તેથી તે આ મિસાઇલની ગોઠવણી અને પરિક્ષણને લઇને બંધાયેલું નથી. આ પહેલાં 2002માં અમેરિકાના પ્રેસિડન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશે એન્ટી બેલાસ્ટિક મિસાઇલ સંધિમાંથી અમેરિકાને બહાર કાઢી લીધું હતું.

INF સંધિ શું છે?

અમેરિકા અને સોવિયેત સંઘે આ સમજૂતી પર 1987માં હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ પ્રતિબંધિત પરમાણુ હથિયારો અને બિન-પરમાણુ મિસાઇલના લૉન્ચિંગને અટકાવે છે. અમેરિકા રશિયાની SS-20ની યુરોપમાં હાજરીથી નારાજ છે.

1991 સુધી અંદાજિત 2,700 મિસાઇલને નષ્ટ કરી દીધી છે. બંને દેશો એકબીજાંના મિસાઇલ પરિક્ષણ અને ગોઠવણ પર નજર રાખવાની અનુમતિ આપે છે. 2007માં રશિયાના પ્રેસિડન્ટ પુતિને કહ્યું હતું કે, આ સંધિથી તેઓના હિતોને કોઇ ફાયદો નથી થઇ રહ્યો. રશિયાનું આ નિવેદન 2002માં અમેરિકાની એન્ટી બેલાસ્ટિક મિસાઇલ સંધિથી બહાર થયા બાદ આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here