ટ્રમ્પની વેનેઝૂએલા મિલિટરીને ધમકી, ગોઇદોને સમર્થન આપો નહીં તો બધું જ ગુમાવશો!

0
22

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝૂએલાની મિલિટરીને ધમકી આપી હતી કે, તેઓ સોશિયલિસ્ટ પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સમર્થન આપી સૌથી મોટી ભૂલ કરી રહ્યા છે અને ભવિષ્યને જોખમમાં મુકી રહ્યા છે. ટ્રમ્પે મિલિટરીને અપીલ પણ કરી હતી કે, તેઓ માનવીય સહાયને દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી આપે. મિયામીમાં ક્યૂબા અને મોટાંભાગે વેનેઝૂએલાના નાગરિકોની હાજરીમાં ટ્રમ્પે કહ્યું કે, જો વેનેઝૂએલાનું સૈન્ય માદુરોને સમર્થન કરવાનું યથાવત રાખશે તો તેઓના માટે કોઇ સુરક્ષિત બંદર કે એક્ઝિટ નહીં હોય. તમે દરેક વસ્તુ ગુમાવી દેશો.

વેનેઝૂએલા વિવાદ મુદ્દે મિલિટરી એક્શનનો વિકલ્પ

ટ્રમ્પનું ભાષણ નાઝી-સ્ટાઇલનું: માદુરો
ટ્રમ્પના ઉગ્ર ભાષણ બાદ પ્રેસિડન્ટ માદુરોએ કહ્યું કે, ટ્રમ્પની સ્પીચ ‘નાઝી સ્ટાઇલ’ની હતી, ટ્રમ્પ એવી રીતે વ્યવહાર કરી રહ્યા છે જાણે તેઓ વેનેઝૂએલાના માલિક છે અને અહીંના નાગરિકો તેમના ગુલામ હોય.
ટ્રમ્પે વેનેઝૂએલાના વિરોધ પક્ષના નેતા ખુગાન ગોઇદોને સમર્થન આપવાની વારંવાર અપીલ કરી છે. ખુગાન ગોઇદોએ પોતાને ઇન્ટરિમ પ્રેસિડન્ટ જાહેર કર્યા બાદ તમામ વેસ્ટર્ન દેશોએ તેઓને માન્યતા આપી છે.
માદુરોની પ્રેસિડન્ટ તરીકેની બીજી ટર્મમાં જીત બાદ અહીં ચૂંટણીમાં છેતરપિંડી થઇ હોવાના આરોપો લાગ્યા હતા. માદુરોને રશિયા અને ચીનનું સમર્થન છે. માદુરોએ આટલા વિરોધ છતાં વેનેઝૂએલાની સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન, સિક્યોરિટી સર્વિસને પોતાના કબજામાં રાખી છે.
ટ્રમ્પની વેનેઝૂએલાની મિલિટરીને ધમકી
ટ્રમ્પે વેનેઝૂએલાની મિલિટરીને ધમકી આપી છે કે, તેઓ ગોઇદો કે કોઇ પણ વિરોધ પક્ષના નેતાઓને નુકસાન ના પહોંચાડે. ટ્રમ્પે સૈન્યને કહ્યું કે, તેઓ નેશનલ એસેમ્બલી લીડરને સમર્થન આપીને માનવીય સહાય જેમ કે, ફૂડ, મેડીસિન અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓને વેનેઝૂએલામાં પ્રવેશ આપે.
શનિવારે સ્વઘોષિત ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુગાન ગોઇદોએ કહ્યું કે, માનવીય સહાયને વેનેઝૂએલામાં પાડોશી દેશોની જમીન અને દરિયા મારફતે પ્રવેશ મળશે. અમેરિકાએ વેનેઝૂએલાની કોલંબિયા બોર્ડર પર માનવીય સહાય મોકલી આપી છે. પરંતુ માદુરોએ સૈન્યને આ સહાય દેશમાં પ્રવેશ ના કરે તેવી ચેતવણી આપી છે.
વેનેઝૂએલામાં અનેક લોકો બીમારી અને ભૂખમરાના કારણે મોતને ભેટી રહ્યા હોવા છતાં માદુરોએ આ સહાયને અટકાવી રાખી છે. સોમવારે ટેલિવિઝન સ્પીચમાં માદુરોએ કહ્યું કે, અમે પ્રતિષ્ઠિત વેનેઝૂએલાને ભીખારી વેનેઝૂએલા બનાવવા નથી ઇચ્છતા. અમેરિકાની આ સહાય ક્યારેય સ્વીકારવામાં નહીં આવે.
‘વેનેઝૂએલાને અન્ય દેશો માનવીય સહાય મોકલાવતા રહે છે. જેમ કે, બુધવારે રશિયાએ 300 ટન સહાય પ્લેન દ્વારા મોકલી આપી હતી. આ રશિયાએ મોકલાવેલું દાન નથી, પણ વેનેઝૂએલાએ કરેલી ચૂકવણી બાદની સપ્લાય છે.’
ગમે તે ક્ષણે મિલિટરી એક્શન?
ટ્રમ્પે અવાર-નવાર વેનેઝૂએલાની મિલિટરીને ગોઇદોને સમર્થન આપવાની અપીલ કરી છે અને જો આવું ના થાય તો મિલિટરી કાર્યવાહીનો વિકલ્પ હોવાની પણ વાત કહી છે. જો કે, લેટિન અમેરિકન એક્સપર્ટ્સ મિલિટરી કાર્યવાહીની શક્યતાઓને નકારી રહ્યા છે.
અમેરિકા વેનેઝૂએલાના મિલિટરી સીનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે અને માદુરોને સમર્થન નહીં કરવાની અપીલ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસ અધિકારીઓએ કહ્યું કે, અમુક જ મિલિટરી અધિકારીઓ માદુરો વિરૂદ્ધ ઉભા થઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here