બિહારના દરભંગા જિલ્લાનો જમીલ શાહ કામની શોધમાં 1998માં મુંબઈ પહોંચ્યો હતો. તેણે ધારાવીમાં એક લેધર કંપનીમાં કારીગર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જમીલ ડાન્સનો ઘણો શોખીન હતો એટલે તેણે સાથે-સાથે ડાન્સ ક્લાસ પણ જોઈન કરી લીધા. એકવાર તેને અલગ પ્રકારના શૂઝની જરૂર પડી પણ તેની પાસે શૂઝ ખરીદવા પૂરતા પૈસા ન હતા. ત્યારે કોરિયોગ્રાફર સંદીપ સોપારકરની સલાહ કામ આવી. તેમણે કહ્યું હતું કે, તને લેધર પ્રોડક્ટ બનાવતા આવડે છે તો તું તારા માટે શૂઝ કેમ નથી બનાવી લેતો.
સામાન્ય કારીગરથી શૂ મેકર બન્યો
જમીલે પોતાના માટે શૂઝ બનાવ્યા અને તેની ક્વોલિટી પણ એકદમ સારી હતી. ડાન્સ ક્લાસના બીજા સાથીઓ પણ તેની પાસે શૂઝ બનાવડાવવા લાગ્યા. બસ અહીંથી જ જમીલની એક એવી જર્ની શરૂ થઇ જેણે તેને એક સામાન્ય કારીગરથી શૂ મેકર બનાવી દીધો. જમીલ માર્કેટમાં મળતાં એક જોડી શૂઝની કિંમતમાં 4 જોડી શૂઝ આપે છે. સંદીપ સોપારકરે જમીલને બોલિવૂડ કલાકારો સાથે મળાવ્યો. તેણે લોન લઈને ધારાવીમાં વર્ક શોપ ખોલી. વિદેશી આર્ટિસ્ટ સાથે સંપર્ક કરવા માટે અંગ્રેજી શીખ્યું.
ઇન્ડિયન સેલેબ્સ જમીલના રેગ્યુલર ગ્રાહક
કેટરીના કૈફ, માધુરી દીક્ષિત, અજય દેવગણ, હ્રિતિક રોશન, આમિર ખાન, એમ.એસ. ધોની, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સહિત ઘણી ભારતીય હસ્તીઓ જમીલે બનાવેલા શૂઝ પહેરે છે. જમીલે હાલ જ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ ફિલ્મથી ડેબ્યુ કરનારી એક્ટ્રેસ તારા સુતરિયા માટે હીલવાળાં ડાન્સ શૂઝ બનાવ્યાં હતાં.
વિદેશી હસ્તી પણ જમીલના કામની ફેન
જમીલે ઓસ્ટ્રેલિયન સિંગર કાઇલી મિનોગ માટે પણ શૂઝ બનાવ્યાં છે. કાઇલી જ્યારે શૂટિંગ માટે મુંબઈ આવી હતી ત્યારે જમીલે ખાસ તેના માટે શૂઝ બનાવ્યા હતા. કાઇલીને જમીલનું કામ એટલું બધું ગમ્યું કે તેણે 8 જોડી શૂઝ ખરીદ્યાં હતાં.
શૂઝની કિંમત
જમીલે પોતાના શૂઝની બ્રાન્ડનું નામ ‘શાહ શૂઝ’ રાખ્યું છે. તે દર મહિને 100થી 150 શૂઝ ડિઝાઇન કરે છે. તેની કિંમત 2 હજાર રૂપિયાથી લઈને 20 હજાર સુધીની હોય છે. તે લગભગ 10 લોકોને રોજગાર આપે છે. શાહ શૂઝનું વાર્ષિક ટર્ન ઓવર 20થી 25 લાખ રૂપિયાનું છે.