ત્રણ મહિનામાં ત્રણ મોટા વિવાદ, CBI-પોલીસ મુદ્દે મમતા દીદીને 9 વિપક્ષી દળનું સમર્થન

0
44

કોલકાતા: શારદા કૌભાંડમાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારની તપાસ માટે પહોંચેલી સીબીઆઈની ટીમ અને પોલીસ વચ્ચે રવિવારે થયેલા વિવાદ પછી પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ મોદી સરકાર વિરુદ્ધ ધરણાં શરૂ કર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, આંધ્રના સીએમ ચંદ્રાબાબૂ નાયડુ, જમ્મૂ-કાશ્મીરમા પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા સહિત 9 વિપક્ષી દળોએ મમતાને સમર્થન કર્યું છે. જોકે પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકાર વચ્ચે આ પહેલી વખત વિવાદ નથી થયો. ત્રણ મહિનાની અંદર આ ત્રીજી ઘટના છે.

16 નવેમ્બર 2018- સીબીઆઈને રાજ્યમાં તપાસ કરતાં રોક્યા

મમતાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, તે સીબીઆઈ અને અન્ય એજન્સીઓનો ઉપયોગ તેમના ફાયદા માટે કરી રહી છે. મમતા સરકારે પશ્ચિમ બંગાળમાં સીબીઆઈને તપાસ કરતા રોકી લીધા છે. ડીએસપીઈ એક્ટ પ્રમાણે, સીબીઆઈને રાજ્યમાં જઈને તપાસ કરવાનો અધિકાર છે પરંતુ તે માટે સામાન્ય મંજૂરી જરૂરી હોય છે.

6 ડિસેમ્બર 2018- મમતાએ ભાજપને રથયાત્રાની મંજૂરી ન આપી

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યનું વાતાવરણ બગડવાની વાત કરીને ભાજપને રથયાત્રાની મંજૂરી આપી નથી. આ મામલે ભાજપ કોલકાતા હાઈકોર્ટ પહોંચી હતી. અહીં સિંગલ બેન્ચે ભાજપને રથયાત્રાની મંજૂરી આપી દીધી હતી પરંતુ ડિવિઝન બેન્ચે આ નિર્ણયને ફેરવી દીધો હતો. ત્યારપછી ભાજપ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે, ભાજપ રથયાત્રા માટે રિવાઈઝ્ડ પ્લાન કરે. કોર્ટે મમતા સરકારને કહ્યું કે, ભાજપને જનસભા અને રેલી માટે મંજૂરી આપવામાં આવે.

29 ડિસેમ્બર 2018- ડેટા શેરિંગ મામલે મમતાનો ઈન્કાર

મમતા બેનરજીએ રાજ્યના દરેક વિભાગને કહ્યું કે, કેન્દ્ર સાથે ડેટા શેર કરવામાં ન આવે. તેમણે કહ્યું કે, કેન્દ્ર રાજ્યને નિયંત્રીત કરવા માટે આ ડેટાનો ઉપયોગ કરી રહી છે અને તેઓ રાજકીય માળખામાં દખલ કરી રહ્યાં છે. મમતા સરકારે આયુષ્માન ભારત સહિત કેન્દ્રની ઘણી યોજનાઓ પશ્ચિમ બંગાળમાં લાગુ કરી નથી.

યોગીનું હેલિકોપ્ટર ન ઉતરવા દીધું

દક્ષિણી દિનાઝપુર જિલ્લામાં રવિવારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ગણતંત્ર બચાવો રેલી થવાની હતી પરંતુ રાજ્ય સરકારે પૂર્વ સૂચના ન હોવાથી યોગીનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપી નહતી. તે કારણથી સીએમ યોગી રેલીમાં પહોંચી શક્યા નહતા. ત્યારપછી તેમણે ફોન અને ઓડિયો લિંક દ્વારા લોકોને સંબોધન કર્યું હતું.

વિવાદનું કારણ- ભાજપનું પશ્ચિમ બંગાળમાં 22 સીટ જીતવાનું લક્ષ્ય
  • 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં 42 સીટમાંથી 22 સીટ જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
  • 2014માં ભાજપને અહીં 2 સીટ મળી હતી અને ત્યારે પાર્ટીનો વોટશેર 16.8 ટકા હતો
  • 2016માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 3 સીટ જીતી હતી, ત્યારે વોટશેર 10.2 ટકા હતો.
  • ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક લોકસભા અને એક વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં ભાજપ બીજા નંબરની પાર્ટી બની હતી.
  • પંચાયત ચૂંટણીમાં ભાજપ બીજા નંબરની પાર્ટી બની હતી. ટીએમસીએ 31,802 ગ્રામ પંચાયત સીટમાંથી 20,848 સીટ જીતી હતી. ભાજપ  5636 સીટ જીતીને બીજા નંબરે હતી.
  • આ મહિને ઠાકુર નગરમાં મોદીની સભા થઈ હતી. મોદી અહીં મટુઆ સમુદાયના નેતા વાણી દેવીને મળ્યા હતા. અહીંની પાંચ સીટ પર મટુઆ સમુદાય મહત્વનું સ્થાન ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here