થલતેજમાં વિશ્વનું સૌથી મોટું 27 લાખ રૂદ્રાક્ષનું 35 ફૂટ ઊંચુ શિવલિંગ બનાવાશે

0
38

અમદાવાદ: શહેરમાં પહેલીવાર વિશ્વનું સૌથી મોટું 27 લાખ રૂદ્રાક્ષનો ઉપયોગ કરી 35.25 ફૂટ ઊંચું મહાશિવલિંગ બનાવવામાં આવશે. શિવલિંગ માટેના રૂદ્રાક્ષ હરિદ્વારથી મંગાવાયા છે. થલતેજ ખાતે 27 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી મહાશિવરાત્રી મહોત્સવ સમિતિના તત્વાવધાનમાં મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે.

આ મહોત્સવ દરમિયાન 21 કુંડી સામૂહિક હવન પણ કરવામાં આવશે, જેમાં રાજ્યમાંથી 50થી વધુ બ્રાહ્મણોને બોલાવવામાં આવશે. થલતેજના ગણેશ ગ્રાઉન્ડ ખાતે મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિના તત્વાવધાનમાં ભારતની ભવ્ય આધ્યાત્મિક, વૈદિક અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતો અને નવજીવન ફાઉન્ડેશનનાં અંગદાનના પવિત્ર વૈદિક સેવા પ્રકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે 27 લાખ રુદ્રાક્ષ પર અભિષેક એટલે 27 લાખ શિવલિંગ પર અભિષેક કરવાનો શ્રદ્ધાળુઓને લાભ મળશે. વિરાટ રૂદ્રાક્ષના શિવલિંગના સાંનિધ્યમાં શિવમહાપુરાણ કથા, હોમાત્મક મહારૂદ્ર યજ્ઞ અને સમૂહ રૂદ્રાભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંગે શિવ કથાકાર બટુકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, 11 ઈંચના રૂદ્રાક્ષ શિવલિંગથી આરંભ થયેલી આ શિવયાત્રા ચાર વાર લિમ્કા બુકમાં સ્થાન પામી છે અને આ વખતે 35 ફૂટ ઊંચા શિવલિંગ સાથે શહેરમાં નવો રેકોર્ડ સ્થાપિત કરશે.

મહાશિવલિંગ તૈયાર કરવા હરિદ્વારથી રુદ્રાક્ષ મગાવાયા મહાશિવરાત્રિ પ્રસંગે શિવ પૂજન, કથા શ્રવણ અને વિશ્વ કલ્યાણના પાવન ઉદ્દેશ્ય સાથે થલતેજ ખાતે યોજાઈ રહેલા આ મહોત્સવમાં 27 લાખ રુદ્રાક્ષ હરિદ્વારથી મંગાવવામાં આવ્યા છે. આ રુદ્રાક્ષની મદદથી શિવલિંગ તૈયાર કરવાની કામગીરી શિવભક્તો દ્વારા શરૂ કરવામાં આવી છે. ભક્તોને એક સાથે 27 લાખ શિવલિંગ પર અભિષેક કરવાનો લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here