સુરેન્દ્રનગર: થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રહેતા મજૂરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા જસાભાઇ કટેશીયાને ત્યાં 30 જાન્યુઆરી 2017ના રોજ બાળક જયવીરનો જન્મ થતા પરીવારમાં આનંદની લાગણી છવાઇ હતી. પરંતુ બાળકને બ઼ન્ને આંખે જન્મજાત મોતીયો હોવાથી ગરીબ પરીવારને સતત ચિંતા સતાવતી હતી. ત્યારે થાનગઢ અર્બન હેલ્થ સેન્ટરની ટીમના ડો.રીટાબેન નાકીયા અને હેલ્થ વર્કર વિમલભાઇ રાઠો, મનીષાબેન સિંધવ સહિત ટીમે તેમના ઘેર જઇ સરકારની રાષ્ટ્રીય બાળ સ્વસ્થ કાર્યક્રમની માહિતી આપી હતી.
આથી જશાભાઇએ તેમના બાળકની તપાસ અને સારવારનો નિર્ણય કરતા આંખની તપાસ માટે સંદર્ભકાર્ડ ભરી અમદાવાદની આંખની હોસ્પીટલમાં બાળકના તમામ રીપોર્ટસ આરોગ્ય વિભાગ દ્વારા કરાવી બંન્ને આંખોનું ઓપરેશન કરાયુ હતુ. આમ ગરીબ પરીવારના બાળકની આંખોની રોશન આવતા નવજીવન મળ્યુ હતું. આ અંગે જશાભાઇએ જણાવ્યુ કે સરકારીની આરોગ્યલક્ષી સેવાની માહિતી થકી જયવીરની આંખોની રોશની મળી શકતા તે સ્વસ્થ જીવન જીવી શકશે.