Thursday, September 23, 2021
Homeદક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓમાં સતત ત્રીજા વર્ષે શેરડીના ભાવમાં કડવાશ
Array

દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓમાં સતત ત્રીજા વર્ષે શેરડીના ભાવમાં કડવાશ

સુરતઃ નાણાંકીય વર્ષના અંતિમ દિવસ 31મી માર્ચે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીના સંચાલકોએ દર વર્ષની જેમ બોર્ડ ઓફ ડીરેક્ટરોની મિંટીંગ મળી હતી. જેમાં શેરડીનો ટન દીઠ ભાવ જાહેર કર્યા હતા. ફરી એક વખત શેરડીના ટન દીઠના 30થી 110 રૂપિયા ભાવ ઓછો પડતા ખેડૂતો નિરાશ થયા છે. સતત ત્રીજા વર્ષે ભાવમાં ઘટાડો થયો છે. ખેડૂતોને શેરડીનો ઉત્પાદન ખર્ચ દર વર્ષે વઘી રહ્યો છે, બીજી તરફ શેરડીનો ભાવ ઓછો મળતા આર્થિક નુકશાન ખેડૂતોએ સહન કરવાનો વારો આવી રહ્યો છે. ગણદેવી સુગર ફેકટરીના બોર્ડ ઓફ ડિરેકટર્સની એક ખાસ સભા રવિવારે ચેરમેન જયંતિભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠક વર્ષ 2018-19ના શેરડીના ટનદીઠ ભાવ નક્કી કરવા મળી હતી. બેઠકમાં શેરડીના ટનદીઠ ભાવ રૂ. 3035 નક્કી કરાયો હતો. સભાના પ્રારંભે વર્ષભરના ખાંડ ઉદ્યોગની આર્થિક સ્થિતિ અંગે ચેરમેન જયંતીભાઈ પટેલે ખાંડ ઉદ્યોગના હાલના સંજોગોમાં ઉદભવી રહેલી વિકટ સમસ્યાનો નિર્દેશ કરી આર્થિક ચિત્ર આપ્યું હતું.

110 રૂપિયા ખેડૂતોને ઓછો ભાવ

દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતી સુગર ફેકટરીઓમાં સ્ટોકવેલ્યુ નક્કી કરી અંતે શેરડીનો ટનદીઠ ભાવ પાડવામાં આવતા હોય છે. 31મી માર્ચે દરેક સુગરના સંચાલકો બોર્ડની મિટીંગ મળી હતી. સ્ટોકવેલ્યુના આધારે ભાવ અને ખર્ચ કાઢી ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં ફરી એક વખત શેરડીના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા છે. ગત વર્ષની સરખામણીમાં દ.ગુજરાતની 7 સુગર ફેકટરીઓમાં શેરડીના ટનદીઠ 30 રૂપિયાથી 110 રૂપિયા ખેડૂતોને ઓછો ભાવ મળ્યો છે. એક તરફ ખેડૂતોને શેરડીના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે, બીજી તરફ ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવોમાં વધારો થવાની જગ્યાએ ઘટાડો મળી રહ્યો છે. ત્રણ વર્ષથી ખેડૂતો ભાવ બાબતે નિરાશ થઇ રહ્યા છે.

ખાંડનો બફર સ્ટોકની અસર

વર્ષ 2018-19 ના શેરડીના આખરી ભાવમાં પ્રથમ દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી બારડોલી સુગર ફેકટરીના સંચાલકોએ શેરડીનો ટન દીઠ 2753 નો ભાવ જાહેર કર્યો છે. જે ગત વર્ષની સરખામણીએ ટન દીઠ રૂપિયા 79 રૂપિયા ઓછો છે. જ્યાંરે મહુવા એકમાત્ર સુગરમાં 54 રૂપિયાનો ટન દીઠ ભાવમાં વધારો આપ્યો છે. બાકી સુગરોમાં ઓછો ભાવ પાડવામાં આવ્યો છે. સૌથી વધુ સિઝનનો ભાવ ગણદેવી સુગરે ટન દીઠ 3035 નો ભાવ જાહેર કર્યો છે. જયારે કામરેજ સુગરે શેરડીના ટન દીઠ માત્ર 2376 ભાવ પાડ્યો છે. અન્ય સુગરોમાં મઢી સુગર 2501 રૂપિયા, ચલથાણ સુગર 2626 રૂપિયા, મહુવા 2505 રૂપિયા, સાયણ સુગર 2676 રૂપિયાનો ભાવ જાહેર કર્યો હતો. ચાલુ વર્ષે ખાંડનો બફર સ્ટોકના કારણે સીધી અસર શેરડીના ભાવ પર પડી હોવાનું સંચાલકો જણાવે છે. શેરડીના ઓછા પડેલ ભાવોથી ખેડૂતો ફરી નારાજ થયા છે, ત્યાંરે આગામી સમયમાં સુગરની ચૂંટણીઓ આવી રહી હોય, તેની અસર પણ જોવા મળશે.

ઉત્પાદન વધારવા પર ભાર મુક્યો

સભામાં સુગર ફેકટરીના ચેરમેન જયંતીભાઈ પટેલે જણાવ્યું કે ખાંડનું ઉત્પાદન વધતા દેશની આંતરીક જરૂરિયાતની ખાંડનો જથ્થો જે જરૂરી હોય બાદમાં નિકાસની ખાંડના ભાવોને સરકારે ટેકો આપી સપોર્ટ કરતા ખેડૂતોને આ મુશ્કેલી પરિસ્થિતિમાં આટલા ઉંચા ભાવો ચૂકવી શકાયા છે. ભારત સરકારની ખાંડની નીતિઓને આભારી હોવાનું લેખાવી તેમણે નીતીઓને આ‌વકારી હતી. વાઈસ ચેરમેન રતિલાલભાઈ પટેલે શેરડીની ખેતીમાં એકરદીઠ ઉત્પાદન વધારવા પર ભાર મુક્યો હતો. મેનેજિંગ ડિરેકટર બી.આર. આર્યએ વર્ષભર થયેલી શેરડીનુ પિલાણ, ઉત્પાદિત ખાંડ, રિકવરીના આંકડા આવી પ્રગતિ, પ્રશ્નોનો ખ્યાલ આપ્યો હતો. મેનેજર નીતિનભાઈ મહેતાએ તેમજ ચીફ એકાઉન્ટન્ટ વિમલભાઈ લાડે ઘસારા સહિત ફંડની જોગવાઈનો ખ્યાલ આપ્યો હતો. કાયદા મુજબની સ્ટોક વેલ્યુ મૂકવામાં આવી છે. બોર્ડ ઓફ ડિરેકટર્સે ભાવ અંગે ખેડૂતો, ફેકટરીની આર્થિક સદ્ધરતા વિશે મંતવ્યો વ્યક્ત કર્યા હતા. વિસ્તૃત વિચારવિમર્શ કરી બાદમાં શેરડીના ટન દીઠ રૂ. 3035નો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments