દહેગામ તાલુકા પંચાયત કચેરી બિલ્ડીંગનો પ્રથમ માળ દિન પ્રતિદિન જર્જરિત બની રહ્યો છે. માળની છતના પોપડા ઉખડી જવાના બનાવો અવાર નવાર બની રહ્યા છે. હાલ પણ કેટલીક જગ્યાએ પોપડા પડુ પડુ થતાં કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા તાકિદે સમારકામ કરવામાં આવે તેવું ઇચ્છનિય છે.
દહેગામ તાલુકા પંચાયત કચેરીનું બાંધકામ 1957માં કરાયુ હતુ. જેને વર્ષો વિતી ગયા છે. ત્યારે તાલુકા પંચાયત કચેરીના પ્રથમ માળની હાલત દિન પ્રતિદિન કથળી રહી છે. આ માળ પર ખેતીવાડી શાખા, આઇસીડીએસ, સમાજ કલ્યાણ જેવી શાખા આવેલી છે. જેના ખંડમાં છતના પોપડા ઉખડી રહ્યા છે. થોડા સમય અગાઉ એક કર્મચારી પર પોપડો પડતાં સદ્દનસીબે તેનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ વર્ષો જુના બાંધકામથી હવે કચેરીનું રિનોવેશન જરૂરી બન્યુ છે.
હાલ પણ ખેતીવાડી શાખા આઇસીડીએસ અને સમાજ કલ્યાણ કચેરીના કર્મચારીઓ પર જાણે મોત ભમી રહ્યુ છે. જેથી તંત્ર દ્વારા તાકિદે છતનું રિપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી બન્યુ છે. જર્જરિત બની રહેલી તાલુકા પંચાયત કચેરીના સમારકામ અંગે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી કે.કે.ચૌધરીને પૂછતાં તેમણે જણાવ્યુ હતુ કે નવી તાલુકા પંચાયત કચેરી બનાવવા માટે અગાઉ દરખાસ્ત કરી દેવાઇ છે. જેની મંજૂરી મળતાં નવી કચેરી બનનાર છે, છતાં હાલ જે ભાગ જર્જરિત બન્યો છે તેનું સમારકામ હાથ ધરનાર હોવાનું જણાવ્યુ હતુ.પણ હાલમા જે પરિસ્થિતી ઉભી થઈ છે તેના કારણે સતત ભયનો માહોલ રહે છે.
દહેગામ તાલુકા પંચાયત કચેરીના છતના પોપડા તૂટી પડવાના બનાવો બનતા કર્મચારીઓમાં ભય ફેલાયો છે.