સુરત: પ્રોબેશનર આસિટન્ટ સબ-ઇન્સ્પેકટર અશોક બોરીચાની પહેલી પોસ્ટિંગ અઠવા પોલીસમાં થઈને 2 વર્ષનો સમય થયો ને તે જ પોલીસ સ્ટેશનમાં તેની જ સામે લૂંટ, મારામારી અને પ્રોબિહિશનનો ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરાઇ છે. લૂંટમાં સામેલ હોમગાર્ડ ચેતન રાણાની પોલીસે ધરપકડ કરી હતી.
એએસઆઈ સામે લૂંટ, મારમારી પ્રોહિબિશનનો અને યુવકો સામે દારૂ પીને કાર ચલાવવાનો ગુનો નોંધાયો
ASIનું સેટિંગ કરવા હોમગાર્ડ ઊંઘમાંથી ઊઠીને આવ્યો
હોમગાર્ડ ચેતન રાણાની લાલગેટ પોલીસમાં ફરજ બજાવે છે, મજૂરાગેટ શંખેશ્વર કોમ્પ્લેક્સના સર્કલ પાસે તેની ડ્યૂટી ન હતી, તે માત્ર એએસઆઈનું સેટિંગ કરવા માટે ઘરેથી ઊંઘમાંથી ઊઠીને આવ્યો હતો. કારનો ચાલક પણ હોમગાર્ડની ઓળખાણમાં હતો. જેથી કેસ રફે દફે કરવાનો હતો. શરૂઆતમાં એએસઆઈએ 15 હજાર રૂપિયાની માંગણી કરી બાદમાં 5 હજારમાં કેસ ન કરવાની શરત રાખી હતી. લૂંટેલા રૂપિયા 5 હજારની રોકડમાંથી એએસઆઈ અશોક બોરીચાએ હોમગાર્ડ ચેતન રાણાને એક હજાર આપ્યા હતા.
બેની સામે પીધેલાનો કેસ કરી ધરપકડ
પોલીસના અસહ્ય મારનો ભોગ બનેલા બંને યુવકો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે ધારાસભ્યના પીએના ભાઈ અને જમીન દલાલ રાજેશ બાબુલાલ ભાલેકીયા (રહે, કલ્પના સોસાયટી, અડાજણ પાટિયા) અને દિપેન હરેશચંદ્ર પરમાર (રહે, ક્રિષ્ના કોમ્પ્લેક્સ, રામનગર, રાંદેર)ની પણ અઠવા પોલીસે પીધેલાનો કેસ કર્યો હતો. જ્યારે મિત્રની ક્રેટા કાર કબજે કરવાની બાકી છે. કારચાલક સહિત 2 અને ASIના બ્લડ-યુરિન સેમ્પલ લેવાયા.
15 હજારની માગણી કરી ધમકી આપી
મારા મિત્રના ભાઈને હોસ્પિટલમાં દાખલ કરેલો હતો. જેના માટે અમે 3 જણા દવા લેવા માટે મારા મિત્રની ક્રેટા કારમાં શંખેશ્વર કોમ્પ્લેક્સમાં આવ્યા હતા. રસ્તામાં શંખેશ્વર કોમ્પ્લેક્સની નજીક સર્કલ પાસે અમારી કારને પોલીસે રોકી હતી. હજુ અમે કારમાંથી ઉતરીયે એ પહેલા એએસઆઈ મને અને મારા મિત્રને મારવા લાગ્યા હતા. પછી થોડી વારમાં અમને થોડે દૂર લઈ ગયા, જ્યાં અમારી પાસે પહેલા 15 હજારની માંગણી કરી નહિ આપો તો ગાડી જમા કરવાની ધમકી આપી, મારી પૈસા ન હતા જેથી મે મારા મિત્ર રાહુલને ત્યાં બોલાવ્યો હતો. તેણે એએસઆઈને 5 હજારની રકમ આપી દીધા પછી અમને માર માર્યો બાદમાં અમને ગાડીની ચાવી આપી દેતાં અમે સારવાર માટે નવી સિવિલમાં ગયા હતા.-રાજેશ ભાલેકીયા, જમીન દલાલ, પોલીસનો મારનો ભોગ બનેલા યુવક