દાહોદ નજીક પીપેરો ગામમાં દાદાએ સવા મહિનાની ખોડખાપણવાળી પૌત્રીની હત્યા કરી

0
94

દાહોદઃ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં દાદાએ અંધશ્રદ્ધામાં સવા માસની ખોડખાપણવાળી પૌત્રીની હત્યા કરી દીધી હતી. મૃતક બાળકની માતાએ ધાનપુર પોલીસ સ્ટેશનમાં સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બાળકીનું સયાજી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામના મેડા ફળીયામાં રહેતા નવલસિંહ શંકરભાઇ મેડાની પત્ની જોતીકાબેને ગત 19 ડિસેમ્બર, 2018ના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. આ બાળકી ખોડખાપણ વાળી હતી. બાળકીને ગુદા માર્ગ ન હતો. આ ઉપરાંત તેને બે કાન મોટા હતા. આંખો પણ મોટી હતી. જેથી બાળકીને ધાનપુર, લીમખેડા અને બારીયાના અલગ-અલગ દવાખાનાઓમાં સારવાર કરાવી હતી. છેવટે 20 દિવસ પહેલા બાળકીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સે બાળકીના ગુદા માર્ગનું ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ બાળકીને રજા આપતા પરિવાર તેને ઘરે લઇને ગયો હતો. આ સમયે જોતીકાબેનના સસરા શંકરભાઇએ કહ્યું હતું કે, આ છોકરી નથી જમરો છે એને જીવતો ના રખાય નહીં તો ઘરમાં નુકશાન થશે.

પુત્રવધુને બહાર મોકલીને દાદાએ પૌત્રીની હત્યા કરી નાખી

આ દરમિયાન 28 જાન્યુઆરીએ સસરા શંકરભાઇએ તેમની પુત્રવધુને કહ્યું હતું કે, તું  બે દિવસ બહાર ગામ જઇ આવ. હું છોકરીને દેશી દવા કરાવીને સારૂ કરી દઇશ. જેથી જોતીકાબેન મોટી દીકરીને સાથે લઇને તેમના માસીને ત્યાં ચાલ્યા ગયા હતા. જ્યાં તેમને સમાચાર મળ્યા હતા કે, તેમના સસરાએ સવા મહિનાની દીકરીની હત્યા કરીને તેના ટુકડા કરીને સ્મશાનમાં દાટી દીધી છે. જેથી જોતીકાબેને ધાનપુર પોલીસ સ્ટેશનમાં પહોંચીને સસરા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

મારા સસરાએ અંધશ્રદ્ધામાં આવી જઇને મારી દીકરીની હત્યા કરી

જોતીકાબેને ફરિયાદમાં કહ્યું હતું કે, મારા પતિ કામથી બહાર ગયા હતા ત્યારે મારા સસરાએ અંધશ્રદ્ધામાં આવીને મારી પુત્રીની હત્યા કરી નાખી હતી. તેઓ અવાર-નવાર મને કહેતા હતા કે, આ બાળકીને જીવતી ન રખાય. જીવતી રાખીશું તો ઘરમાં નુકશાન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here