દાહોદ : પાણીની પાઇપ લાઇનમાં ભંગાણથી PNG ગેસ 10 ફૂટ ઊંચે ઉડતાં નાસભાગ મચી

0
46

દાહોદ: દાહોદમાં હજુ તો માંડ 8-10 માસ અગાઉ જ ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસની પાઇપ લાઇન ચાલુ થઇ છે.જેનું હજુ માત્ર ગોદીરોડ વિસ્તારમાં જ વિતરણ થઇ રહ્યું છે. હાલમાં ગેસની મુખ્ય લાઇન નાખવાની કામગીરી ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ગોદીરોડ તરફ જવાના રસ્તે ઝાલોદ રોડ ઓવરબ્રીજના છેડે રાત્રે ગુજરાત ગેસના કર્મચારીઓ દ્વારા અંડર ગ્રાઉન્ડ ડ્રીલીંગ કરવામાં આવ્યું હતું. તેમાં નગર પાલિકાની પાણીની લાઇન તુટી ગઇ હતી.

સવારે પાણીનો સપ્લાય આપતાં આ ઘટનાની પાલિકાને જાણ થઇ હતી. સપ્લાય બંધ કરીને પાલિકાના કર્મચારીઓ સવારે 9.30વાગ્યાના અરસામાં સમારકામ કરવા ધસી ગયા હતાં. જેસીબીથી ખોદકામ વખતે ભુલમાં નજીકથી જ પસાર થતી પાઇપ નેચરલ ગેસ(PNG)ની લાઇનમાં ભંગાણ થયું હતું. જેથી ગેસનો આઠથી દસ ફુટઉંચો ફુવારો ઉડતાં ભયની લાગણી ફેલાઇ ગઇ હતી.ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં નાસભાગ મચી હતી જ્યારે મોટી ઘટના બનાવાની દહેશતથી બંને તરફનો ટ્રાફિક પણ રોકી દેવામાં આવ્યો હતો.

ઘટના ખૂબ ગંભીર હોઈ સત્વરે ગુજરાત ગેસ ઓથોરિટીના સંબંધીતોનું ધ્યાન દોરાતાં ગુજરાત ગેસ કંપનીના આલા દરજ્જાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની ટુકડી ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ચેકિંગ કર્યા બાદ ક્ષતિ જણાતા તેઓએ સત્વરે આ પાઈપલાઈનમાં આવતો ગેસ સપ્લાય બંધ કરાવ્યો હતો. અને સાથે જ કોઈ ઘટના બને તો તેને કાબૂમાં લઈ શકાય તે હેતુથી ફાયર વિભાગની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. બાદમાં તેઓ દ્વારા સમારકામ હાથ ધરાયું હતું. ગેસ લાઇન લીકેજ બાદ સત્વરે ગેસનો પુરવઠો બંધ કરી દેવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here