Wednesday, September 29, 2021
Homeદીકરો ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના છક્કા છોડાવી રહ્યો હતો ત્યાં પિતાના હોસ્પિટલમાં હાર્ટના છૂટતા...
Array

દીકરો ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના છક્કા છોડાવી રહ્યો હતો ત્યાં પિતાના હોસ્પિટલમાં હાર્ટના છૂટતા હતા ધબકારા

અંગ્રેજીમાં એક ખૂબ જ જાણીતું વાક્ય છે, ‘શો મસ્ટ ગો ઓન’ . જેનો મતલબ થાય છે કે બહારની પરિસ્થિતિ ગમે તેટલી વિકટ કેમ ના હોય પરંતુ તેનાથી વિચલિત થયા વિના તમને જે જવાબદારી સોંપવામાં આવી છે તેમાં શ્રેષ્ઠ યોગદાન આપવાનું છે. ‘શો મસ્ટ ગો ઓન’  બોલવું ખૂબ જ સરળ છે પરંતુ તેને આત્મસાત્ ખૂબ જ ઓછા લોકો કરી શકતા હોય છે અને તેમાં ભારતીય ટીમની નવી ‘ધ વોલ’ ચેતેશ્વર પૂજારાનો સમાવેશ થાય છે.

અરવિંદ પૂજારા જ ચેતેેશ્વરના એકમાત્ર કોચ

સિડની ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારા સદી ફટકારીને ભારતની મજબૂત સ્થિતિનો તખ્તો તૈયાર કરી રહ્યો હતો ત્યારે તેના પિતા અરવિંદ પૂજારા મુંબઇની હોસ્પિટલમાં હૃદયની ધબકાર અનિયમિત રીતે વધી જવાની સારવારમાંથી પસાર થઇ રહ્યા હતા. પ્રથમ કક્ષના પૂર્વ ક્રિકેટર ૬૮ વર્ષીય અરવિંદ પૂજારાએ ચેતેશ્વર પૂજારા સાત વર્ષનો હતો ત્યારે ક્રિકેટનો કક્કો શિખવાડયો હતો. અરવિંદ પૂજારા જ ચેતેેશ્વરના એકમાત્ર કોચ રહ્યા છે. મુંબઇમાં સર્જરી કરાવ્યા બાદ અરવિંદ પૂજારાએ જણાવ્યું હતું કે, ‘સમગ્ર વિશ્વમાંથી મારા પુત્રની થઇ રહેલી પ્રશંસાથી હું ખૂબ જ ખુશ છું. જે પણ લોકોને ચેતેશ્વરની બેટિંગ સામે શંકા હતી તે હવે દૂર થઇ ગઇ હશે. હું ઘરે જઇને ચેતેશ્વરની બેટિંગની રિપ્લે જોઇશ.’

ચેતેશ્વરને તેના પિતાની સર્જરી અંગે જાણ કરવામાં આવી હતી

ચેતેશ્વરના પત્ની પૂજાએ જણાવ્યું હતું કે, ‘સિડની ટેસ્ટના પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં અમે ચેતેશ્વરની બેટિંગ જોઇ હતી. આ પછી અમારી ફ્લાઇટ હતી. અમે મુંબઇ એરપોર્ટમાં ઉતર્યા ત્યારે જ જાણવા મળ્યું કે ચેતેશ્વર સદીની નજીક છે. આ પછી અમે ફોન દ્વારા તેની ઇનિંગ્સની જાણકારી મેળવી હતી. ‘ ચેતેશ્વર- પૂજા ગત વર્ષે ૨૨ ફેબુ્રઆરીના પુત્રીના માતા-પિતા બન્યા હતા. ચેતેશ્વરની પુત્રી અદિતી હજુ નાની હોવાથી પૂજાએ ઓસ્ટ્રેલિયા માટેની લાંબો સમય લેતી ફ્લાઇટ્સમાં જવાનું ટાળ્યું હતું. સિડની ટેસ્ટ અગાઉ ચેતેશ્વરને તેના પિતાની સર્જરી અંગે જાણ કરવામાં આવી હતી. જોકે, ચેતેશ્વરે ચોથી ટેસ્ટ મેચમાં સ્વસ્થતા ગુમાવ્યા વિના બેટિંગ કરીને ભારતના મજબૂત સ્કોરનો તખ્તો ઘડયો હતો. અરવિંદ પૂજારાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અમારા ડોક્ટરે જ ચેતેશ્વરને ફોન કરીને સર્જરીમાં મોડું નહીં થવા દેવાની જાણ કરી હતી. તેમના વચ્ચે ખૂબ જ લાંબી વાત થઇ હતી અને ચેતેશ્વરને સંપૂર્ણ ધરપત થયા બાદ જ સર્જરી માટે આગળ વધ્યા હતા. ‘ પૂજારાના પરિવારના મિત્ર અને તબીબ ડો. નિર્ભય શાહે જણાવ્યું હતું કે, ‘અરવિંદ પૂજારાના હૃદયના ધબકાર ૨૦૦ થઇ જતાં હોવાથી ડિસેમ્બરમાં ખૂબ જ ચિંતામાં હતા. એકવાર ચેતેશ્વર ભારતમાં હતો ત્યારે અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે આ સમસ્યા થઇ હતી. પરંતુ એ વખતે ચેતેશ્વર મેલબોર્ન ટેસ્ટમાં રમી રહ્યો હોવાથી અમે તેને ચિંતામાં મૂકવા માગતા નહોતા. ચેતેશ્વરને અમે મેલબોર્ન ટેસ્ટ બાદ તેની જાણ કરી હતી. પિતા સર્જરીમાંથી પસાર થઇ રહ્યા છે તેવી જાણ હોવા છતાં ચેતેશ્વરની એકાગ્રતા ડગમગી નહોતી અને તેણે સદી ફટકારી હતી.

મારા જીવનના સૌથી કપરા દિવસ

પૂજા માટે પણ આ કપરો સમય હતો. ૧૦ માસની પુત્રીને પોતાની માતા પાસે રાખીને તે મુંબઇમાં સસરા અરવિંદ પૂજારાની સર્જરી કરાવી રહી હતી અને તેની એક નજર સિડનીમાં ચેતેશ્વરની ઇનિંગ્સ પર પણ હતી. પૂજાએ જણાવ્યું કે, ‘ આ મારા જીવનના સૌથી કપરા દિવસ હતા. ચેતેશ્વર સતત અમારી સાથે સંપર્કમાં હતો. પ્રથમ દિવસની રમત પૂરી થઇ એ પછી તુરંત જ તેણે ફોન કરીને તબીબી પ્રક્રિયા જાણી હતી. ‘

ચેતેશ્વર વર્ષોથી દરેક ઇનિંગ્સ બાદ પિતા સાથે ચર્ચા કરે છે

ચેતેશ્વર પૂજારા ક્રિકેટનો કક્કો પિતા અરવિંદ પૂજારા પાસેથી શીખ્યો છે. સ્કૂલ ક્રિકેટથી જ ચેતેશ્વર પોતાની દરેક મેચ બાદ પિતા સાથે તેની ચર્ચા કરે છે. જેમાં પિતા તેને ક્યાં ભૂલ કરી તેનું માર્ગદર્શન આપે છે. ચેતેશ્વર રાજકોટથી દૂર રમી રહ્યો હોય તો દિવસની રમત બાદ બંને વચ્ચે ફોન ઉપર કલાકો સુધી ઇનિંગ્સ અંગે ચર્ચા થાય છે. જોકે, શુક્રવારનો દિવસ અપવાદ હતો. અરવિંદ પૂજારાએ સર્જરી કરાવી હોવાથી તે વાત કરી શકે તેમ નહોતા. જેના કારણે બંનેએ ફોન ઉપર વાત કરવાને સ્થાને વોટ્સએપ દ્વારા ટેક્નિક, સ્ટ્રોક્સ, દિવસની રમત અંગે ચર્ચા કરી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments