દેશમાં બેરોજગારીનો આંક 45 વર્ષની ઉચ્ચ સપાટીએ, રાહુલે મોદીને હિટલર કહ્યા

0
39

નવી દિલ્હી: નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા બેરોજગારીના રિપોર્ટથી મોદી સરકારની ચિંતા વધી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી નેતા પણ આ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારના મંત્રી જિતેન્દ્ર સિંહે નિવેદન આપ્યું છે કે, સરકાર દરેક વ્યક્તિને નોકરી ન આપી શકે. માત્ર યોજનાઓ દ્વારા તેમને સુરક્ષા આપી શકે છે.

મંત્રી જિતેન્દ્ર સિંહે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, કોઈ પણ જવાબદાર સરકાર દરેક લોકોને નોકરી ન આપી શકે પરંતુ રોજગાર યોજનાઓને સુરક્ષીત કરી શકે છે. તેમણે આગળ એવું પણ કહ્યું કે, સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલય બનાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગારી મેળવવાનું અને કમાણી કરવાના સાધનો વધાર્યા છે.

દેશમાં બેરોજગારીનો આંક 45 વર્ષની ઉચ્ચ સપાટીએ

NSSO દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં રોજગારીનો દર 6.1 ટકા છે. આ આંક 45 વર્ષની ઉચ્ચ સપાટીએ છે. આ પહેલાં 1972-73માં બેરોજગારીનો દર 6 ટકાથી વધારે હતો. મહત્વની વાત એ છે કે, આ આંક નોટબંધી પછીનો છે. આ આંકડાઓ સામે આવતા જ વિપક્ષે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

રાહુલ ગાંધીએ હિટલર સાથે કરી વડાપ્રધાન મોદીની સરખામણી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા તેમની સરખામણી જર્મની ચાંસલર હિટલર સાથે કરી છે. રાહુલે ટ્વિટ કરીને લખ્યું છે કે, અમને વાયદો કરવામાં આવ્યો હતો કે, દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવામાં આવશે. પરંતુ 5 વર્ષ પછી ખબર પડી કે, દેશ બરબાદ થઈ ગયો હતો. આજે દેશમાં બેરોજગારીનો આંકડો 45 વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. તેમણે લખ્યું કે, માત્ર 2017-18માં જ 6.5 કરોડ યુવા બેરોજગાર થયા છે.

નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ તેની ટ્વિટમાં The Fuhrer શબ્દનો ઉપયોગ કર્યો છે. જર્મનીમાં આ શબ્દનો અર્થ થાય છે લીડર, નાઝી આર્મી આ શબ્દનો ઉપયોગ હિટલર માટે કરવામાં આવે છે.

આ પહેલાં કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન દ્વારા 2 કરોડ નોકરીઓ આપવાનો વાયદો એક મજાક સાબીત થયો છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર આ રિપોર્ટને સામે આવવા દેવા નહતી માગતી. આ જ કારણ છે કે, રાષ્ટ્રીય સાંખ્યિક આયોગના બે સભ્યોએ રાજીનામું આપી દીધું છે.

શહેરી વિસ્તારમાં સૌથી વધારે બેરોજગાર

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારમાં બેરોજગારીનો આંક વધ્યો છે. આંકડાકિય માહિતી પ્રમાણે શહેરી વિસ્તારમાં બેરોજગારીનો આંક 7.8 ટકા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આ આંકડો 5.3 છે. 2017-18માં યુવકોમાં બેરોજગારીનો આંક વધ્યો છે. આ દરમિયાન ગ્રામીણ વિસ્તારની શિક્ષિત મહિલાઓનો બેરોજગારી દર વધીને 17.3 ટકા થયો હતો. આ પહેલાં 2004-05થી 2011-12 વચ્ચે ગ્રામીણ વિસ્તારની મહિલાઓનો બેરોજગારીનો આંકડો 9.7 ટકાથી 15.2 ટકા વચ્ચે હતો. ગ્રામીણ વિસ્તારના પુરુષોનો બેરોજગારીનો આંક 10.5 ટકા છે. નોંધનીય છે કે, 2004-05થી 2011-12 દરમિયાન આ આંકડો 3.5થી 4.4 ટકા વચ્ચે હતો.

નોટબંધી પછી સ્થિતિ બગડી

રિપોર્ટ પ્રમાણે નોટબંધ પછી સ્થિતિ વધારે ખરાબ થઈ છે અને પછી તેમાં સતત વધારો થયો છે. નોંધનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી 500 અને રૂ. 1,000ની નોટને ચલણમાંથી બહાર કાઢી દેવામાં આવી હતી. નોટબંધીને સરકાર કઠોર પરંતુ સફળ નિર્ણય ગણાવી રહી છે. રિપોર્ટનો ખુલાસો વચગાળાના બજેટના એક દિવસ પહેલાં જ થયો હોવાથી હવે વિપક્ષ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરી શકે છે. આગામી થોડા સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે તેના ઉપર પણ આ રિપોર્ટની અસર થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here