વરમોર: ગુજરાતના માંડલ પાસેના ગામમાં આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દલિત યુવાન હરેશ સોલંકીની હત્યા મામલે વધુ 3 આરોપી અનોપસિંહ, અજયસિંહ અને પરબતસિંહની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કુલ છ ધરપકડ કરવામાં આવી છે.
ઉર્મિલાબહેન ઝાલા અને હરેશ સોલંકીના છ મહિના પહેલા લવ મેરેજ થયા
આ બનાવની વિગત મુજબ કચ્છ ગાંધીધામમાં રહેતા હરેશ યશવંતભાઈ સોલંકીએ છ મહિના અગાઉ માંડલ પાસે વરમોર ગામમાં રહેતા ઉર્મિલાબહેન ઝાલા સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા. જ્ઞાતિ અલગ હોવાથી યુવતીના પરિવારજનો આ લગ્નથી નારાજ હતા. આ દરમિયાન યુવતીની દાદી બિમાર પડતા પરિવારજનો ગાંધીધામ જઈને દિકરી ઉર્મિલાને પોતાની સાથે લઈ ગયા હતા. પત્નીને તેના ઘરેથી પરત લાવવામાં જોખમ જણાતા હરેશભાઈએ 8 જુલાઈએ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું હતું કે મારી પત્ની બે મહિનાથી પ્રેગનન્ટ છે જેથી મને ચિતા થાય છે. મને મારા સસરા દશરથસિંહે માંડલના વરમોર ખાતે બોલાવ્યા છે. જેથી તમે મારા સસરા તથા તેમના પરિવારજનોને સમજાવવા માટે સાથે આવો. જેથી ‘અભયમ’ની ટીમ સાથે હરેશ સોલંકી વરમોર જવા રવાના થયો હતો.
8થી 10 લોકોએ લાકડી, તલવાર અને ધારિયાથી યુવકની હત્યા કરી
ત્યારબાદ 8 જુલાઈએ સાંજે પોણા સાત વાગ્યે યુવતીના પિતા દશરથસિંહ તે સમયે ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા હરેશભાઈને જોઈ ઉશ્કેરાયા અને આને કોણે અહીં બેસાડયો છે કહીને આગળનો દરવાજો ખોલી નાંખ્યો હતો. આ દરમિયાન આઠથી દસ માણસો લાકડી, તલવાર ધારીયા અને છરી સાથેના હથિયારો સાથે આવી પહોંચ્યા હતા. તેમણે વાહનની આગળ ટ્રેકટર ઉભુ કરી દઈને આડશ ઉભી કરી દીધી હતી. તેમણે વાહનના આગળના કાચ પર ધોકો મારીને કાચનો ભુક્કો બોલાવી દીધો હતો. દશરથસિંહે બુમ પાડીને કાના, હસમુખસિંહ, જયદીપસિંહ, અનોપસિંહ બધા તૂટી પડો કોઈને છોડવા નથી. આપણી છોકરીને આ ભગાડી ગયો છે. તે ડ્રાઈવર સીટની બાજુમાં બેઠો છે અને તેને બહાર કાઢીને મારી નાંખો. બાદમાં આ શખ્સોએ તિક્ષ્ણ હથિયારો સાથે હરેશના ગળા પર તિક્ષ્ણ હથિયારોના ઘા માર્યા હતા. જ્યારે દશરથસિંહ ધારીયા વડે હરેશના માથાના ભાગે વાર કરતા હતા. ત્યારબાદ દલિત યુવક હરેશ સોલંકીનું મોત થયું.