ધોરાજી : રાષ્ટ્રીય દલિત મહાસંઘના સમૂહલગ્નમાં 11 વરરાજાનો ઘોડી પર બેસી ડીજેના તાલે વરઘોડો નીકળ્યો

0
41

ધોરાજી: ધોરાજીમાં ડો.બાબા સાહેબ આંબેડકર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાષ્ટ્રીય દલિત મહાસંઘ અને સમસ્ત મેઘવાર સમાજના સહયોગથી દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે સમાજના 11 વરરાજાઓને ઘોડી પર બેસાડી ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો ધોરાજીના ગેલેક્સી ચોકથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યો હતો અને બાદમાં લગ્નસ્થળે પહોંચ્યો હતો.

હિન્દુ-મુસ્લીમ સમાજના લોકોએ સ્વાગત કર્યું

ધોરાજીના માર્ગો પર નીકળેલા વરઘોડાનું હિન્દુ અને મુસ્લિમ સમાજે સ્વાગત કરી વરરાજાઓને આવકાર્યા હતા. એકતા પ્રતિક સમા આ વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. ડીજેના તાલે નીકળેલા વરઘોડામાં જાનૈયાઓએ ડાન્સ અને રાસ-ગરબા લીધા હતા. આ વરઘોડામાં અન્ય સમાજના લોકો પણ જોડાઇ એકતાનો સંદેશ પાઠવ્યો હતો. ઘોડી પર બેસેલા દરેક વરરાજાના હાથમાં ડો.બાબા સાહેબ આંબેડકરની તસવીર જોવા મળી હતી.

પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે વરઘોડો નીકળ્યો

રાજકોટ રૂરલ પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી જેતપુર નાયબ પોલીસ વડા ભરવાડ તથા પીઆઇ જોષી સહિતના પોલીસ સ્ટાફે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલો વરઘોડો શાંતિપૂર્ણ માહલોમાં સંપન્ન થયો હતો.

શું કહે છે અગ્રણી

ક્રાંતિકારી આંબેડકરવાદી વિચારધારા ધરાવતા યોગેશભાઈ ભાષાએ જણાવ્યું હતું કે, દલિત વરરાજાને ઘોડી પર નહીં બેસવાની ઘટનાઓને જડબાતોડ જવાબ આપવા માટે ધોરાજી અનુસુચિત જાતિ સમૂહલગ્નમાં એક સાથે 11 વરરાજાને ઘોડી પર બેસાડી વાજતે ગાજતે શહેરનાં મુખ્ય માર્ગો પર વરઘોડો કાઢ્યો હતો. ગુજરાત અને ભારતભરમાં દલિત અત્યાચારના બનાવ છાશવારે બને છે ત્યારે આવા બનાવો ઉપર એક સાથે 11 વરરાજાઓનું વરઘોડાનું સરઘસ હલકી માનસિકતા ધરાવતા વર્ગો પર લપડાક સમાન છે. આ સાથે જ એક સાથે 11 દલિત વરરાજાઓનો વરઘોડોએ ધોરાજી શહેરમાં હિન્દુ-મુસ્લિમ અને નાની મોટી દરેક જ્ઞાતિઓમાં ભાઈચારા અને સમરસતાના દર્શન કરાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here