નડિયાદ,ખેડા: ખેડા તાલુકાના હરિયાળા ગામમાં રહેતા એક આધેડની અજાણ્યા શખ્સોએ ગળેટૂંપો દઇ, લાકડાના ફટકા મારીને હત્યા કરી નાખતાં ચકચાર મચી છે. હત્યારાઓએ હત્યા કર્યા બાદ મૃતદેહને 100 ફુટ દૂર ધસડી જઇને સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
હરિયાળા ખાતે પરબતસિંહ વનુભાઇ વાઘેલા (ઉ.વ. 63) પોતાના પુત્ર સાથે ખેતરમાં કામ કરીને ઘર તરફ જવા નીકળ્યા હતા. પુત્ર સાઇકલ લઇને ઘર તરફ જવા નીકળ્યો હોવાથી તે બીજા રસ્તે અને પરબતસિંહ પગદંડી ઉપર થઇને ઘર તરફ જઇ રહ્યા હતા. પુત્ર ઘરે પહોંચ્યા બાદ પિતા આવ્યા ન હોવાથી તે અને આસપાસના ગ્રામજનો તપાસ કરવા નીકળ્યા હતા. આ સમયે સીમ વિસ્તારમાં આવેલ ભરતભાઇ વેલુભાઇ મંડોળાના ખેતરમાંથી પરબતસિંહનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તુરંત જ આ મામલે ખેડા ટાઉન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરબતસિંહને ગળાના ભાગે રસ્સીથી ટૂંપો આપીને માથામાં લાકડાના ફટકાં મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
ગોધાવીમાં 3 મહિના પહેલાં જમીન વેચી હતીપરબતસિંહ મૂળ સાણંદ નજીકના ગોધાવીના રહીશ હતા અને છેલ્લા 20 વર્ષથી હરિયાળામાં સ્થાયી થઇ ભાગમાં જમીન વાવતાં હતા. હરિયાળામાં તેમની સાસરી હોવાથી તેઓ પરિવાર સાથે ગોધાવીથી અહીં આવ્યા હતા. ગોધાવીની જમી પરબતસિંહે ત્રણેક મહિના પહેલા જ વેચી હતી. ત્યારે હત્યાની આ ઘટનામાં જમીનનું કોઇ કારણ જવાબદાર છે કે નહીં તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.
ફોનમાં બાળકનો અવાજ સંભળાયો
પુત્ર ખેતરેથી ઘરે પહોંચ્યો પણ પિતા આવ્યા ન હોવાથી તેણે પિતાના મોબાઇલ ફોન ઉપર ફોન કર્યો હતો. આ સમયે પિતાનો ફોન રિસિવ થયો હતો અને સામે છેડે કોઇ નાનું બાળક બોલતો હોય તેવો અવાજ આવ્યો હતો.
મૃતદેહને દૂર ઝાડીમાં લઈ ગયા
હત્યારાઓએ ભરતભાઇ મંડોળાના ખેતરમાં જ પરબતસિંહનું ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં મૃતદેહને સંતાડવા માટે અંદાજે 100 ફુટ ઝાડી સુધી મૃતદેહને ધસડી જઇને ત્યાં મૃતદેહને મૂકીને ફરાર થઇ ગયા.
તમામ પાસાઓની તપાસ કરીએ છીએ
આ મામલે ખેડા ટાઉન પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એમ.પટણીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, હત્યાનું કારણ હજી સ્પષ્ટ નથી. હજી હત્યારાઓની કોઇ કડી મળી નથી, પરંતુ કોઇ જાણીતાની સંડોવણી હોઇ શકે. હાલમાં તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.
જેલ પોલીસ તરીકે ફરજ બજાવતાં હતા
મૃતક પરબતસિંહ જેલ પોલીસ તરીકે ફરજ બજાવતાં હતા અને બે વર્ષ અગાઉ જ નિવૃત્ત થયા હતા. તેઓનું નિવૃત્તિ પહેલાંનું અંતિમ પોસ્ટિંગ વડોદરા ખાતે હતું. નિવૃત્ત થયા બાદ તેઓ પુત્ર સાથે ખેતીમાં મદદરૂપ થતાં હતા.
માટી તપાસાર્થે કબજે લેવાઇ
હત્યાની ઘટના બાદ એફ.એસ.એલ. અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ખેતરમાંથી જે લાકડાના ફટકાં પરબતસિંહને માથામાં મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા તે લાકડાંના કટકા મળી આવતાં, તે કબજે લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેતરમાંથી તપાસાર્થે માટી પણ એફ.એસ.એલ.ની ટીમ દ્વારા કબજે લેવામાં આવી હતી. આ ઉપરાંત હત્યારાઓનું પગેરૂ શોધવા માટે ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી હતી.