નર્મદા કેનાલનો દરવાજો બંધ કરતા પહેલાં 400ની અટકાયત

0
43

રાજપીપળા: કરજણ અને નર્મદા ડેમમાંથી સિંચાઇ અને પીવાના પાણીની માંગ સાથે નર્મદાના મુખ્ય કેનાલના દરવાજા બંધ કરવા માટે નીકળેલા દેડીયાપાડાના બીટીપીના ધારાસભ્ય તથા તેમના 400થી વધુ સમર્થકોની કેનાલના મુખ્ય દરવાજાથી 30 કીમી દુર જીતનગર ચોકડી પાસેથી જ અટકાયત કરી લેવામાં આવી હતી. ધારાસભ્યની અટકાયત કરવામાં આવતાં તેમના સમર્થકોએ એક કલાક સુધી જીતનગર ચોકડીએ ચકકાજામ કરી દીધો હતો જેના કારણે દેડીયાપાડા- રાજપીપળા વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. દેડીયાપાડા, વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી ઉમટી પડેલી મહિલાઓએ માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો. ચકકાજામ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થવા ઉપરાંત મોદી અને રૂપાણીની હાય હાય બોલાવવામાં આવી હતી.

કરજણ અને નર્મદા ડેમમાંથી નર્મદા અને ભરૂચ જિલ્લાના લોકોને જ પીવાનું તથા સિંચાઇનું પાણી મળતું ન હોવાના આક્ષેપ સાથે બીટીપીએ ગત સપ્તાહે બંને જિલ્લામાં આવેદનપત્ર આપી સરકારને 13મી સુધીમાં પાણી માટે યોગ્ય વયવસ્થા કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. આજે સોમવારના રોજ અલ્ટીમેટમ પુરૂ થતાં દેડીયાપાડાના બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં 400થી વધુ આદિવાસીઓ નર્મદા ડેમની મુખ્ય કેનાલનો દરવાજો બંધ કરવા માટે નીકળ્યાં હતાં. રાજપીપળાની જીતનગર ચોકડી નજીક પોલીસે તેમના કાફલાને અટકાવતાં ઘર્ષણ થયું હતું. પોલીસે મહેશ વસાવાની અટકાયત કરતાંની સાથે તેમના સમર્થકો રસ્તા પર બેસી ગયા હતાં અને એક કલાક સુધી ચકકાજામ કરી દીધો હતો. એક કલાકના ચકકાજામ દરમિયાન મોદી અને રૂપાણી હાય હાયના નારા લાગ્યાં હતાં. એક કલાક બાદ બીટીપીના આગેવાનો અને સમર્થકો રેલી સ્વરૂપે જીતનગર પોલીસ હેડકવાટર્સ ખાતે હાજર થઇ ગયાં હતાં.

આંદોલનકારીઓ માટે પોલીસની ‘ચોકડી રણનીતિ’: ભારતીય ટ્રાયબલ પાર્ટીનું આંદોલન હોવાથી દેડીયાપાડા, વાલીયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો આવશે.તેથી પોલીસે ચોકડી રણનિતી અપનાવી હતી. દેડીયાપાડાથી રાજપીપળા રોડ પર જીતનગર ચોકડી, ભરૂચથી રાજપીપળા રોડ પર ખામર ચોકડી, કાળાઘોડા ચોકડી પર તથા રાજપીપળાથી કેવડીયાના રોડ પર ભાણદરા ચોકડી અને તિલકવાડાથી કેવડીયાના રોડ પર ભાદરવા ચોકડી પણ નાકાબંધી કરી દીધી હતી. આ ચોકડી નાકાબંધીના કારણે આંદોલનકારીઓ કેનાલના મુખ્ય ગેટ સુધી પહોંચી શકયા ન હતાં.

આદિવાસી સમાજના આંદોલનના પગલે કેવડીયા કોલોની-નર્મદા કેનાલને છાવણીમાં ફેરવાઇ
આદિવાસી સમાજના આંદોલનના પગલે કેવડીયા તથા નર્મદા કેનાલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. કેવડીયાના પ્રવેશદ્વાર ગણાતી ભાણદરા અને ભાદરવા ચોકડી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરેક વાહન તથા રાહદારીને યોગ્ય ચકાસણી બાદ જ કેવડીયામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

31મીએ બીટીપીનું ગુજરાત બંધનું એલાન: અમે આદિવાસીઓની જમીન, પાણી અને હકકો માટે લડાઇ લડી રહયાં છે. સરકાર પોલીસને આગળ કરી આદિવાસીઓના અવાજને દબાવવા માંગે છે. અમારી લડાઇ ચાલુ છે અને ચાલુ જ રહેશે. 31મીના રોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી ગુજરાત બંધનું એલાન આપે છે. સરકારે પીવાના અને સિંચાઇના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ અને નહિ કરે ત્યાં સુધી અમે લડતા રહીશું. – મહેશ વસાવા, ધારાસભ્ય, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here