નવી દિલ્હી: દેશમાં ઇ-કોમર્સ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ (FDI)ના નવા નિયમોથી વોલમાર્ટ અને અમેઝોન જેવી કંપનીઓને મોટી અસર પડશે. વોલ સ્ટ્રીટના અગ્રણી મોર્ગન સ્ટેનલીના મતે નવા નિયમોથી અમેરિકી રિટેલ કંપની વોલમાર્ટ ફ્લિપકાર્ટમાં પોતાનો મુખ્ય હિસ્સો વેચી ભારતીય બજારમાંથી બહાર નિકળી શકે છે. જેમકે અમેઝોને 2017ના અંતમાં ચીનમાંથી હિસ્સો પાછો ખેંચ્યો હતો.
ભારતનું ઇ-કોમર્સ બજાર જટિલ
-
બ્રોકરેજ ફર્મે રજૂ કરેલા સર્વે મુજબ નવા નિયમોથી ભારતનું ઇ-કોમર્સ બજાર જટિલ બન્યું છે ત્યારે અમેરિકી રિટેલ કંપની વોલમાર્ટની વાપસીની સંભાવના વધી ગઇ છે. વોલમાર્ટે અમુક મહિનાઓ પૂર્વે મે-2018માં ભારતની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સા સાથે 1600 કરોડ ડોલર (અંદાજે 1.07 લાખ કરોડ રૂપિયા)માં હિસ્સો ખરીદ્યો હતો. સ્ટૈનલીએ આ રિપોર્ટ એફડીઆઇના નિયમોમાં આવેલા બદલાવના કારણે રજૂ કર્યો છે. જેમાં નિર્દેશ કરાયો છે કે નવા નિયમોથી ફ્લિપકાર્ટ પોતાની વેબસાઇટથી ઓછામાં ઓછી 25 ટકા પ્રોડક્ટને દૂર કરવી પડશે જેમાં સ્માર્ટફોન તથા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો પણ સમાવેશ થાય છે જેના કુલ વેચાણમાં સૌથી વધુ હિસ્સો રહેલો છે. સર્વે મુજબ ફ્લિપકાર્ટને 50 ટકા આવક આ કેટેગરીમાંથી મળી રહી છે.
-
ભારતીય ગ્રાહકોએ કહ્યું અમેઝોનથી કરિયાણાનો સામાનનું વેચાણ ન રોકે નવા નિયમો લાગુ થયા પછી અમેઝોને પોતાની વેબસાઇટ પરથી કરિયાણા પ્રોડક્ટનું વેચાણ પહેલી ફેબ્રુઆરીથી બંધ કર્યું છે. પરંતુ ગ્રાહકો સોશિયલ મિડિયા પર અમેઝોનને આ સેવાને દૂર ન કરવાનું જણાવી રહ્યાં છે. તેના જવાબમાં અમેઝોને એક ટ્વીટમાં ગ્રાહકોને કંપનીની મુશ્કેલી સમજવા માટે ધન્યવાદ આપ્યા અને કહ્યું કે હાલ આ સામાન અમેઝોનની વેબસાઇટ પર ઉપલબ્ધ નથી. વધુ જાણકારી માટે અમારી સાથે જોડાઇ રહો.
અમેઝોન-ફ્લિપકાર્ટનું વેચાણ ઘટ્યું
અમેઝોન અને ફ્લિપકાર્ટ દેશના બે સૌથી મોટા ઓનલાઇન માર્કેટ પ્લેસ છે. એફડીઆઇના નવા નિયમો લાગુ થયા પછી વેચાણ 25-30 ટકા ઘટ્યા છે. અનેક પ્રોડક્ટ એવી છે કે કંપની પોતાની વેબસાઇટ પર હાલ ઉપલબ્ધ ન હોવાની રીતે દર્શાવી રહી છે. અમેઝોનના મુખ્ય બે સેલર્સ ક્લાઉડટેલ અને અપૈરિયોને દૂર કર્યા છે કેમકે તેમાં અમેઝોનની ભાગીદારી હતી.