Friday, December 3, 2021
Homeનારાયણ જ્વેલર્સના કૌભાંડી સંચાલકની મુંબઈથી ધરપકડ
Array

નારાયણ જ્વેલર્સના કૌભાંડી સંચાલકની મુંબઈથી ધરપકડ

ઉમરેઠ: થાપણદારોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી નાંખનારા ઉમરેઠના નારાયણ જવેલર્સના મુખ્ય સૂત્રધાર અને અત્યાર સુધી વિદેશ ફરાર થઈ ગયેલા દીપક ગાભાવાળાની ગુરૂવારે રાત્રે એસઆઈટીની ટીમે મુંબઈથી ધરપકડ કરી લેતાં સમગ્ર કૌભાંડમાં નવો જ વળાંક આવ્યો છે. સમગ્ર કૌભાંડ કેટલાંનુ હતું તેમજ હજુ તેમાં કોણ-કોણ સંડોવાયેલું છે તે તમામ બાબતોની માહિતી મેળવવા માટે તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે.


એક પછી એક પાંચ આરોપીની ધરપકડ

ઉમરેઠ તાલુકામાં કેટલાંય વર્ષોથી ગાભાવાળા પરિવાર દ્વારા નારાયણ જ્વેલર્સ નામની પેઢી ચલાવવામાં આવતી હતી. આ પેઢીના મુખ્ય સંચાલક અર્પિત અને દીપક ગાભાવાળા હતા. તેમણે ઊંચા વ્યાજની લાલચ આપી પથંકના હજારો થાપણદારોની કરોડો રૂપિયાની થાપણો લઇ ગત મે માસમાં પેઢીને રાતોરાત તાળા મારી દીધા હતા.આ અંગે થાપણદારોએ ઉહાપોહ કરતા ઉમરેઠ પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન, પેઢીના માલિક દીપક ઉર્ફે ગોપાલ ગાભાવાલા વિદેશ ફરાર થઈ ગયો હતો. જોકે, આણંદ જિલ્લા પોલીસ દ્વારા આ કૌભાંડની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી હતી. જેને પગલે તેઓએ અર્પિત ગાભાવાલા સહિત એક પછી એક પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

દાગીનાના 12 જગ પૈકી 6 જગ હજુ સુધી ગાયબ

ચકચારી નારાયણ જવેલર્સ કૌભાંડમાં હજુ ઘણી બધી રિકવરી બાકી છે. સોનાના 12 પૈકી 6 જગ જ હાથમાં આવ્યા છે. દીપકભાઈના લોકરોમાંથી પણ કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજો મળી આવે તેવી શક્યતા જણાઈ રહી છે. આ સિવાય, સૌથી મહત્વની બાબત એ છે કે, તેઓએ થાપણદારોના નાણાંનો ક્યાં દુરપયોગ કર્યો કે જેથી તેમને રાતોરાત પેઢીને તાળા મારી ફરાર થઈ જવાની ફરજ પડી ? જોકે, સમગ્ર બાબત અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી થાપણદારોની માંગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments