નેશનલ ડોક્ટર ડે / મારા પતિએ હંમેશા લોકોની સેવા કરી અને તેમના મોત બાદ અમે પણ એ જ દિશા તરફ આગળ વધીએ છીએ

0
0
પતિ-પત્ની દિકરો અને દિકરી બધા ડોક્ટર છે જ્યારે હવે બધા ફરી લોકોની સેવા કરીને પિતાને શ્રદ્ધાંજલિ આપે છે.
  • કોરોનાના કારણે સિનિયર ડોક્ટરે જીવ ગુમાવ્યો અને પત્ની અને દિકરો પણ કોરોના સંક્રમિત થયા.
  • પતિ-પત્ની દિકરો અને દિકરી બધા ડોક્ટર છે જ્યારે હવે બધા ફરી લોકોની સેવા કરીને પિતાને શ્રદ્ધાંજલિ આપે છે.
  • કોરોનાનાં સંક્રમિત થયા બાદ પણ ડોક્ટર ફોન પર પોતાના દર્દીને દવા લખવતા હતા.

અમદાવાદ. કોરોના જ્યારે પૂર્વ વિસ્તારમાં ચરમસીમાએ હતો તે સમયે કેટલાક ડોક્ટરે પોતાના ક્લિનિકના પાટીયા પાડી દીધા હતા. ત્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ડોક્ટર આદિત્ય ઉપાધ્યાયે સતત પોતાનું ક્લિનિક ચાલુ રાખ્યું હતું અને લોકડોઉનમાં પણ દર્દીઓને સારવાર આપતા હતા પણ એક દિવસ કોરોનાની જાળમાં તે ફસાયા અને તેઓ કોરોના પોઝિટિવ થયા હતા. તેમની સાથે તેમની ડોક્ટર પત્ની અને ડોક્ટર પુત્ર પણ સંક્રમિત થયા હતાં. આ બધાની વચ્ચે ડોક્ટર આદિત્યનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ પણ હવે તેમની પત્ની ફરી પોતાના ફરજ પર આવી ગયા છે.

લોકોની સેવા કરવાની ભાવના મારા પતિના કારણે અમારા પરિવારમાં છે.

ડોક્ટર પલ્લવી ઉપાધ્યાયે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, મારા પતિ હંમેશા લોકોની સેવામાં તત્પર રહેતા હતા. હું પોતે એલ.જી મેડિકલ કોલેજમાં ટ્યૂટર છું મારો દિકરો અભિષેક પણ MBBS છે. જ્યારે મારી દિકરી પણ ડોક્ટર છે. લોકોની સેવા કરવાની ભાવના મારા પતિના કારણે અમારા પરિવારમાં છે. કોરોનાનું લોકડોઉન થયું ત્યારે મોટાભાગના ક્લિનિક બંધ હતા. તે સમયે મારા પતિએ પોતાનું ક્લિનિક ચાલુ રાખ્યું હતું અને સવાર સાંજ લોકોની સેવા કરતા હતાં. અમે તેમને કહેતા હતા કે, અત્યારે બહુ ખરાબ સમય છે તમે એક જ ટાઈમ ક્લિનિક ચાલુ રાખો ત્યારે તે કહેતા કે મારો દર્દી 15 કીમી દૂરથી ચાલીને આવે તો હું એની સારવાર ન કરું તે કેમ બને. અને તેઓ પોતાના દર્દીની સેવા કરતા હતા.

બીમાર હતા તે સમયે પણ દર્દી ફોન કરે તો તેમને ફોન પર દવા લખવતા હતાં: ડોક્ટર પત્ની

આ સમયે મારા પતિને સામાન્ય ઉધરસ અને સરદી થઈ અને ટેસ્ટ કરાવ્યો તો તેઓ કોરોના પોઝિટિવ થયા હતા. ત્યારબાદ બીજા દિવસે મને અને મારા દીકરા અભિષેકને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મારા પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેઓ જ્યારે સામાન્ય બીમાર હતા તે સમયે પણ કોઈ ફોન કરે તો તેમને ફોન પર દવા લખવતા હતાં. એક કમનસીબ ઘટનામાં તેમનું નિધન થયું તે સમયે હું અને મારો દિકરો પોઝિટિવ હતા અને અમે બન્ને જ તેમના અંતિમ સંસ્કારમાં ગયા હતા. ત્યારબાદ મને અને મારા દિકરાની તબિયત સારી થઈ ગઈ અને હું ધાર્મિક વિધિ પતાવીને ફરી મારી ફરજ પર હાજર થઈ ગઈ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here