પત્નીને ભરણપોષણ નહિ આપતા પતિને 2400 દિવસની જેલની સજા કરતી કોર્ટ

0
38

અલગ થઈ ગયેલી પત્નીને ભરણપોષણ નહિ ચૂકવતા પતિદેવો માટે કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. પત્નીને ભરણપોષણનાં રૂપિયા ન આપતા ફેમિલી કોર્ટે પતિને જેલની સજા સંભળાવી છે. પત્નીને 80 મહિનાનું ભરણપોષણ આપવામાં ઠાગા કરતા પતિને કોર્ટે 2400 દિવસની જેલની સજા ફટકારી છે.

ખેડા જિલ્લાનાં ઠાસરામાં રહેતા કનુભાઈ મહારાજે પોતાનાથી અલગ રહેતી પત્નીને ભરણપોષણ પેટે 2.86 લાખ રૂપિયા ચૂકવ્યા નહોતા. કનુ મહારાજ અને તેની પત્નીનો કેસ ફેમિલી કોર્ટમાં ચાલતો હતો. કોર્ટમાં પત્નીએ તેની આર્થિક હાલતનાં પુરાવા રજૂ કર્યા હતા. પત્નીનાં પુરાવા જોતા કોર્ટે કનુ મહારાજને ભરણપોષણનાં રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો. જો કે કનુ મહારાજ ભરણપોષણનાં રૂપિયા આપવામાં નિષ્ફળ જતા કોર્ટે તેને જેલ હવાલે કરવાના આદેશો કર્યા હતા. ફેમિલી કોર્ટનાં મુખ્ય જજ એમ.જે.પરીખે ગયા અઠવાડિયે અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ આપ્યો હતો કે, કનુભાઈ મહારજને પકડીને જેલમાં પૂરવામાં આવે.

અમદાવાદનાં રામોલ વિસ્તારમાં રહેતી કનુભાઈ મહારાજની પત્ની બેનિતા મેકવાનની અરજીનાં આધારે કોર્ટે તેના પતિને જેલની સજા સંભળાવી છે. બેનિતાએ અરજીમાં રજૂઆત કરી કે, 2012માં ફેમિલી કોર્ટે કનુભાઈ મહારાજને ભરણપોષણ આપવાનો આદેશ કર્યો હતો. ત્યારથી કોર્ટે સમયાંતરે ભરણપોષણ પેટે આપવાની રકમ વધારી.

બેનિતાના વકીલ કિશોર જામનાનીએ કહ્યું કે, કનુભાઈ 80 વખત ભરણપોષણની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા છે. કોર્ટે કનુભાઈ મહારજને વારંવાર નોટિસ મોકલી તેમ છતાં તેઓ કોર્ટમાં હાજર ના રહ્યા. જજે કહ્યું, કાયદા પ્રમાણે ભરણપોષણની રકમની ચૂકવણી ત્વરિત કરવાની હોય છે પરંતુ કનુભાઈ મહારાજે વિવિધ યુક્તિ દ્વારા રૂપિયા ના ચૂકવ્યા. આ ટિપ્પણીઓ સાથે કોર્ટે જેલની મહત્તમ સજા અથવા ભરણપોષણની બાકીની રકમ ચૂકવવા દર મહિનાનાં 30 દિવસનો સમય આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here