પત્ની લીવ ઇનમા હોય તો પણ પતિ સાથેના સંબંધનો અંત આવતો નથી: કોર્ટ

0
105

સુરતઃસાંપ્રત જીવનમાં યુવક-યુવતી હોય કે પરિણીત યુગલ બંને કેસમાં અન્ય લીવ ઇનના કેસ વધી રહ્યા છે. ત્યારે સામાન્ય માન્યતા એવી છે કે પત્ની અન્ય જોડે લીવ ઇનમાં રહે તો પતિ અને પત્નીના સંબંધનો અંત આવે છે, પરંતુ તાજેતરમાં જ ફેમિલી કોર્ટના એક ચુકાદા પર નજર નાંખીએ તો આ માન્યતા ભૂલ ભરેલી હોવાનું જણાઇ આવે છે. પતિ દ્વારા પત્ની સામે કરવામાં આવેલી ઘરેલુ હિંસાની અરજી અને ભરણપોષણના હુકમ સામેની રિવિઝનના કેસમાં કોર્ટે આવુ જ તારણ નોંધીને પતિ દ્વારા કરવામાં આવેલી બંને અરજીઓ નામંજૂર કરી હતી. સમગ્ર કેસમાં પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જોષી દ્વારા દલીલ કરવામાં આવી હતી.

ત્રાસ ગુજારવામાં આવતો હતો

કેસની વિગત મુજબ સિટીલાઇટ ખાતે રહેતા રાકેશ અને આરતી (નામ બદલ્યા છે)ના લગ્ન વર્ષ 1986મા થયા હતા. આરોપ મુજબ લગ્નના થોડા સમય બાદ જ પતિ દ્વારા પત્નીને શારિરીક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. હેરાન-પરેશાન કર્યા બાદ રાકેશ દ્વારા આરતીનો ત્યાગ કરવામાં આવ્યો હતો. આથી પિયરમાં ઓશિયાળું જીવન જીવવા મજબૂત થયેલી આરતીએ પતિ રાકેશ સામે ફેમિલી કોર્ટમાં ભરણપોષણ, આંખની સારવારનો ખર્ચ અને ભાડાના મકાનમાં રહેવા માટે ભાડાની રકમનો કેસ કરવામાં આવ્યો હતો. સાથે-સાથે આરતીએ ઘરેલું હિંસાની અરજી પણ કરી હતી. આ કેસની સુનાવણી ચાલી જતા આરતી તરફે હુકમ આવ્યો હતો. આથી પતિ રાકેશ દ્વારા આ હુકમ સામે ટ્રાયલ કોર્ટમાં રિવિઝન કરવામાં આવી હતી. આ રિવિઝનમાં પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જોષી દ્વારા દલીલો કરવામાં આવી હતી. દલીલોના અંતે કોર્ટે આરોપી પતિની અરજી નામંજૂર કરી હતી.

અગાઉનો ભરણપોષણનો હુકમ શું હતો

પત્નીએ જે ભરણપોષણ સહિતની અરજી કરી હતી તેમાં કોર્ટે આંખની સારવાર માટે રૂપિયા 50 હજાર, માસિક ભાડાં પેટે રૂપિયા 1200 અને રૂપિયા પાંચ હજાર વળતર ખર્ચનો હુકમ કરવામાં આવ્યો હતો.

પતિએ કયા પુરાવા રજૂ ન કર્યા

પતિએ જે રિવિઝન કરી તેમાં કેટલાંક પુરાવા રજૂ ન કર્યા હતા. જેમાં તેણે આવકનો કોઈ પુરાવો આપ્યો નહતો. શારીરીક રીતે સક્ષમ હોય તેવો કોઈ પુરાવો નહતો. પત્નીને નિયમિત ભરણપોષણ ચૂકવતા હોય તેવો કોઈ પુરાવો રજૂ કર્યો નહતો. બીજી બાજુ પત્ની તરફે સારવાર અંગેના પુરાવા, પોતે ભાડેથી રહેતા હોય તેના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અરજદાર પતિએ પત્ની અન્ય સાથે લીવ ઇન રીલેશનમાં સંબંધ બાંધ્યો હોવા અંગેના પણ દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેની સામે કોર્ટે નોંધ્યુ હતુ કે આ દસ્તાવેજો ખરાંં હોવાનું માનવામાં આવે તો પણ તેનાથી પતિ-પત્ની તરીકેના સંબંધનો અંત આવતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here