પહેલીવાર કોઈ ગુજરાતી ફિલ્મના અંતમાં હિરોઈને એવું કામ કરી બતાવ્યું કે તે ‘હીરો’ સાબિત થઇ

0
63

અમદાવાદ: આગામી 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવશે. જોકે ગુજરાતના સિનેમાઘરોમાં 1 માર્ચથી જ વિશ્વ મહિલા દિનની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. એક ગુજરાતી ફિલ્મના માધ્યમથી અનોખી રીતે સિનેમાઘરોમાં ઉજવણી થઈ રહી છે. આ ગુજરાતી ફિલ્મનું નામ છે ‘તું છે ને!’.

સિનેમા પણ સમાજનો અરીસો છે ત્યારે ફિલ્મ પ્રોડ્યુસર હરેશ જાનીએ પોતાની આ ફિલ્મના માધ્યમથી મહિલા સશક્તિકરણની વાત રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ‘તું છે ને!’ એક એવી પ્રેમ વાર્તા છે જે અત્યાર સુધીમાં આવેલી ગુજરાતી ફિલ્મોની પ્રેમ વાર્તા કરતા અલાયદી છે.

ગુજરાતી ફિલ્મ ‘તું છે ને!’ની વાર્તા પર એક નજર કરીએ

  • વિરાટ અને મેઘા એકબીજાને પ્રેમ કરતા હોય છે. વાર્તાના એક તબક્કે વિરાટ અને મેઘાનો એક MMS વાયરલ થઈ જાય છે. બંનેના જીવનમાં આવી પડેલી આ આફત વખતે એક સમયે વિરાટ ડરી જાય છે પણ મેઘા સ્વસ્થ રહી દુનિયા સામે લડે છે અને માનસિક શક્તિના જોરે જીતી બતાવે છે. આ ઘટના વખતે મેઘાએ લીધેલા નિર્ણયો અને વર્તનથી મહિલા સશક્તિકરણના દર્શન થાય છે.
  • વિરાટ અને મેઘાની પ્રેમ કહાણીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે અચાનક વિરાટની માતા કિડનીની બીમારીમાં સપડાય છે. વિરાટ માતાને સાજી કરવા પોતાની કિડની આપવાનો નિર્ણય કરે છે. જોકે વિરાટની કિડની મેચ ન થતા તે કિડની મેળવવા બહાર નજર દોડાવે છે. વિરાટ હવે અલગ-અલગ હોસ્પિટલોનો સંપર્ક શરૂ કરે છે, તે આશાએ કે ક્યાંક મદદ મળી જાય. આ પ્રયાસ દરમિયાન એક હોસ્પિટલ વિરાટને મદદ કરવાની તૈયારી બતાવે છે પણ આ મદદની કિંમત માંગે છે રૂ. 25 લાખ.
  • વિરાટ જિંદગીમાં આવી પડેલી આ પરિસ્થિતીમાં માતા અને પ્રેમિકા પ્રત્યેની ફરજમાં સંતુલન જાળવી શકતો નથી. આ સંજોગોમાં મેઘાને બહારથી જાણ થાય છે કે વિરાટ અત્યારે તેની માતાની બીમારીને લઈ મુશ્કેલીમાં છે પણ તને કહી શકતો નથી. આ પછી એક તરફ વિરાટ કિડની મેળવવાના વધુ પ્રયાસો ચાલુ રાખે છે તો બીજી તરફ મેઘા પણ વીરાટને કહ્યાં વિના પોતે કેટલી અને કેવી મદદ કરી શકે તે દિશામાં વિચારવાનું શરુ કરે છે.
  • વિરાટ 25 લાખ રૂપિયાની જરૂરિયાત પુરી કરવા જેલમાં જવા પણ તૈયાર થઈ જાય છે. વિરાટ પૈસા માટે એક અકસ્માતની ઘટનાના દોષિતનો ગુનો પોતાના માથે લઈ જેલમાં પણ જાય છે. જોકે પૈસાની વ્યવસ્થા થઈ જતા સમસ્યા ખતમ થઈ જતી નથી કેમકે જે હોસ્પિટલમાં કિડનીનું ઓપરેશન થવાનું હતું. તેના સંપર્કમાં રહેલો કિડની દલાલ પકડાઈ જતા વિવાદ સર્જાય છે.
  • વિરાટને સમજાતું નથી કે માતાને બચાવવા માટે હવે પોતે શું કરે? આ પરિસ્થિતિમાં ફરી એક વખત મેઘા મહિલા સશક્તિકરણનો પરચો દેખાડે છે. ફિલ્મના અંતમાં વિરાટને ખબર પડે છે કે તેની માતાને કોઈએ કિડની આપી બચાવી લીધી છે. વિરાટના જીવનમાં ભગવાન બનીને આવેલી વ્યક્તિ બીજી કોઈ નહીં પણ મેઘા જ હોય છે. રેહાન ચૌધરી દિગ્દર્શિત આ ફિલ્મમાં વિરાટનો રોલ શ્યામ નાયર અને મેઘાનો રોલ ડિમ્પલ બિસ્કિટવાલાએ કર્યો છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here