પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા વધુ 100 માછીમારો વતન વેરાવળ પહોંચ્યા,

0
38

વેરાવળ: પાકિસ્તાન દ્વારા છેલ્લા 15 દિવસમાં 300 માછીમારોને મુક્ત કરાયા છે. તાજેતરમાંજ બે તબક્કામાં પાકે. 200 માછીમારોને મુક્ત કર્યા બાદ આજે ફરી 100 માછીમારો વતન પરત આવ્યા છે. પાકિસ્તાન જેલમાં રહેલા પૈકીના વધુ 100 માછીમારોને તા. 22ના રોજ મુક્ત કરાયા બાદ તેઓ આજે વેરાવળ આવી પહોંચ્યા હતા. જો કે આજે તેઓ વેરાવળ પહોંચે એ પહેલાં જ સુરક્ષા એજન્સીઓએ વેરાવળથી 10 કિમી દૂર કીડીવાવ ખાતે માછીમારોના કાફલાને રોક્યો હતો અને ત્યારબાદ તેઓનું લાંબા સમય સુધી ઇન્ટ્રોગેશન કરાયું હતું.

100માંથી સૌથી વધુ ગીરસોમનાથના 81 માછીમારો

આ માછીમારોને ઇન્ટ્રોગેશન બાદ ફિશરીઝ કચેરી લઈ જવાયા હતા. જ્યાં વહેલી સવારથી તેઓના પરિવારજનો ફૂલહાર અને મીઠાઈ સાથે વાટ જોઈ રહ્યા હતા. લાંબા સમય બાદ પરિવાર સાથે ભેટો થતાં બધાની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયા હતા. મુક્ત થયેલા માછીમારોમાં ગીર સોમનાથનાં 81, પોરબંદરનાં 5, જૂનાગઢનો 1, ભાવનગરનાં 2, દિવનાં 10 અને અમદાવાદના 1નો સમાવેશ થાય છે.

હજુ 55 માછીમારો પણ આવશે

વેરાવળનાં આસી. ડાયરેક્ટર ઓફ ફિશરીઝ તુષાર પુરોહિતે જણાવ્યું હતું કે, આગામી 1 અથવા 2 મેના રોજ વધુ 55 ભારતીય માછીમારોને મુક્ત કરાશે. પાકિસ્તાની જેલમાં અમને આખા દિવસમાં 5 રોટલી ખાવા મળતી. જેલમાં અમારી પાસે સફાઇનું કામ કરાવાતું. તેવું દિવના માછીમાર દિનેશભાઇએ જણાવ્યું હતું.

પાકિસ્તાન બોટો પણ મુક્ત કરશે

પાકિસ્તાને દોસ્તીનો હાથ લંબાવી 300 માછીમારોને મુક્ત કર્યા છે. જો કે હજુ 55 માછીમારો પાક. જેલમાં છે. તો બીજી તરફ 1 હજાર ભારતીય બોટો પણ હજુ પાક.ના કબ્જામાં છે. પાક. પાસે સંબંધ સુધારવાનો મોકો છે. ભૂતકાળમાં 57 બોટો મુક્ત કરી છે. હવે બાકીની બોટો પણ પાક સરકાર ટુકડે ટુકડે મુક્ત કરશે. એમ માછીમાર આગેવાન વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here