પાકિસ્તાનનો દાવો : ભારતના બે પાયલટની ધરપકડ કરી, એકનું નામ વિંગ કમાન્ડર અભિનંદન; વીડિયો વાયરલ થયો

0
55

ઈસ્લામાબાદ: ભારતની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાને કરેલા વળતા પ્રહાર બાદ પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે, તેમણે ભારતના બે વિમાન તોડી પાડ્યાં છે. તે સાથે જ તેમણે બે પાયલટની ધરપકડ કરી હોવોનો પણ દાવો કર્યો છે. પાકિસ્તાની સેના તરફથી એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે અને તેમાં તેમણે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન ની ધરપકડ કરી લીધી હોવાનો દાવો કર્યો છે. જ્યારે બીજી બાજુ ભારતીય વાયુસેના એ પાકિસ્તાન ની કાર્યવાહી નો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, આ કાર્યવાહીમાં ભારતનું મિગ-21 ધ્વસ્ત થયું છે અને એક પાયલટ પણ ગુમ થયો છે.

વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી થઈ
જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક વ્યક્તિની આંખો પર પટ્ટી બાંધેલી છે. તે પોતાની જાતને વિંગ કમાન્ડર અભિનંદન ગણાવી રહ્યો છે. તે વ્યક્તિ કહી રહ્યો છે કે, તે ભારતીય વાયુસેનાનો ઓફિસર છે અને તેનો સર્વિસ નંબર 27981 છે. જોકે આ વીડિયોની સત્યતા વિશે હજી કોઈ પુષ્ટિ થઈ નથી.
આ પહેલાં પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો છે કે, પાકિસ્તાને બે ભારતીય પાયલટની ધરપકડ કરી છે. તેમાંથી એક ઘાયલ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે સાથે જ ગફૂરે દાવો કર્યો છે કે, પાયલટ્સ પાસેથી અમુક દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
ગફૂરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, પાકિસ્તાને જે બે વિમાન તોડી પાડ્યા છે તેમાંથી એક જમ્મુ-કાશ્મીરમાં પડ્યું છે અને એક પીઓકેમાં પડ્યું છે. પાકિસ્તાની મીડિયા તરફથી અન્ય એખ વીડિયો જાહેર કરીને એક ઘાયલ પાયલટને પણ બતાવવામાં આવ્યો છે. પાકિસ્તાનનો દાવો છે કે, આ બીજો ભારતીય પાયલટ છે.
જોકે પાકિસ્તાન દ્વારા આ બીજો દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે. તેમણે જૂનો વીડિયો જાહેર કર્યો છે. આ સૂર્યકિરણ એરક્રાફ્ટનો પાયલટ છે જે થોડા દિવસ પહેલાં બેંગલુરુમાં ક્રેશ થયું હતું.
ભારતનું મિગ-21 એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ભારતની એર સ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાન દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ભારતે પણ પાકિસ્તાનના એક્શનનો કડક જવાબ આપ્યો છે અને તેમનું લડાકુ વિમાન તોડી પાડ્યું છે. જોકે આ કાર્યવાહીમાં ભારતનું પણ એક ફાઈટર પ્લેન મિગ-21 ક્રેશ થયું છે અને આપણો એક પાયલટ પણ ગુમ છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતીય પાયલટ તેમની કસ્ટડીમાં છે. ભારત પાકિસ્તાનના આ દાવાની ચોક્કસ તપાસ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here