પાકિસ્તાની ડ્રોનની દાણચોરી કરતો અમદાવાદનો યુવક ઝડપાયો

0
46

અમદાવાદમાંથી DRIએ કરોડો રૂપિયાના પ્રતિબંધિત ડ્રોન દેશમાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. DRIએ ડ્રોનની દાણચોરીનો પર્દાફાશ કરીને એક કરોડના 85 હાઈએન્ડ ડ્રોન કબજે લીધા છે. આ મામલે માસ્ટરમાઈન્ડ ચિન્મય મેહુલ આનંદને ઝડપી લેવામાં આવ્યો છે.

દેશની સુરક્ષા માટે ખતરા સમાન પ્રતિબંધિત ડ્રોનની દાણચોરીમાં ચિન્મય આનંદ સાથે પાકિસ્તાન, ચીન અને મ્યાનમારના દાણચોરો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે. ચિન્મય ડ્રોન માટે પાકિસ્તાન અને ચીનની કંપનીઓને ઓર્ડર આપતો હતો. આ ડ્રોન ચીનથી મ્યાનમાર લઈ જવાતા હતા અને ત્યાંથી મણીપુરથી ભારતમાં લાવવામાં આવતા હતા.

DRIએ બાતમીના આધારે દરોડા પાડતા એરપોર્ટ પર એર કાર્ગો પાસે ડ્રોન ભરેલો ટેમ્પો કબજે કર્યો હતો. આ તપાસમાં ડ્રોન પાલડીમાં ઓ.કે. સ્ટુડિયો ધરાવતા ચિન્મય મેહુલ આનંદએ મંગાવ્યા હોવાનું સામે આવ્યું હતું.. જેથી ચિન્મયને ઝડપી લેવાયો છે. DRIએ ડ્રોનની દાણચોરીના ષડયંત્રનો પર્દાફાશ કરતાં અત્યાર સુધીમાં 10 કરોડના ડ્રોન દેશમાં લાવ્યા હોવાનું અને 3 કરોડની ડ્યુટી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપી ચિન્મય અન્ય દેશના દાણચોરીની મદદથી દેશની પૂર્વીય સરહદેથી ડ્રોન દેશમાં ઘુસાડતો હતો. ડ્રોન લેવા માટે તે પાકિસ્તાન અને ચીનની કંપનીઓને ઓર્ડર આપતો હતો. ત્યાર બાદ ચીન વેરહાઉસથી ડ્રોન મ્યાનમાર લઈ જવાતા હતા અને ત્યાર બાદ ઈમ્ફાલ-મણિપુર બોર્ડરથી ડ્રોનને દેશમાં ઘુસાડવામાં આવતા હતા.

ત્યાર બાદ ઈમ્ફાલથી ડ્રોનને ડોમેસ્ટિક એરલાઈન્સમાં કેમેરા સ્ટેન્ડ, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ તરીકેનું મિસ ડેક્લેરેશન કરીને દેશના અલગ અલગ પ્રાંતમાં મોકલવામાં આવતા હતા. આ આરોપી પાસેથી DJI મેવિક, DJI ફેન્ટમ અને MI બ્રાન્ડના 85 હાઈએન્ડ ડ્રોન જપ્ત કરાયાં છે. આ ઉપરાંત 27 DJI મેવિક કીટ, DSLR માટે 34 DJI રેનિન એસ હેન્ડલેન્ડ ગિમ્બલ સ્ટેબિલાઈઝર અને મિરર લેસ કેમેરા જપ્ત કર્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here