પાસના નેતા અલ્પેશ કથિરિયાની મુશ્કેલીઓ વધી, પોલીસે રાજ્યભરમાં કર્યો આ આદેશ

0
35

રાજદ્રોહ કેસમાં પાસના નેતા અલ્પેશ કથીરીયાની મુશ્કેલી વધી છે. સુરતની કોર્ટે અલ્પેશના જામીન રદ કર્યા છે. સુરત પોલીસે અલ્પેશ કથીરીયાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે અલ્પેશના જામીન રદ કરતા મોટો ઝટકો આપ્યો છે. જેથી અલ્પેશે ફરી જેલમાં જવું પડી શકે છે. જોકે અલ્પેશના વકીલો આ કેસને હાઈકોર્ટમાં પડકારશે. જોકે, આ પહેલાં જ પોલીસ એલર્ટ બની છે. આજે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરાઈ છે. અલ્પેશ જ્યાં દેખાય ત્યાં ધરપકડ કરવા માટે આદેશો જાહેર થયા છે. જેના પગલે પોલીસ અલ્પેશની ધરપકડ કરશે એ નક્કી છે.

ગાળાગાળી કરતાં મામલો વધુ વકર્યો

અલ્પેશ હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ સાથે ગાળાગાળી બાદ મામલો વધુ વકરી ગયો છે. પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાના રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદ અલ્પેશ કથિરીયા ફરાર છે ત્યારે અલ્પેશ કથિરીયાની ધરપકડ કરવા માટે રાજ્યભરની પોલીસને સૂચના આપવામાં આવી છે કે અલ્પેશ કથિરીયા જ્યાં પણ દેખાય તેની તાત્કાલીક ધરપકડ કરી લેવામાં આવે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લા પોલીસને સૂચન કરવાની સાથે ફેક્સ  મારફતે રાજ્યભરની પોલીસને અલ્પેશની ધરપકડ માટે સૂચન કરાયુ છે ત્યારે હાલમાં અલ્પેશ ત્યાં છે તેની ધરપકડ કરવા માટે ગુજરાત પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે.

જામીન રદ થતાં પોલીસના હાથમાં બાજી આવી

સુરતના પોલીસ કમિશનરે કહ્યું છે કે જો અલ્પેશ હાઈકોર્ટમાં જશે તો તેઓ પણ હાઈકોર્ટમાં અપીલ કરશે. પોલીસ ગમે ત્યારે અલ્પેશની ધરપકડ કરી શકે છે. મહત્વનું છે કે કોર્ટે અલ્પેશ કથીરીયાને શરતી જામીન આપ્યા હતા. અલ્પેશ સામે કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરવાનો આક્ષેપ લાગ્યો હતો. રાજદ્રોહ કેસમાં શરત હતી કે અલ્પેશ કાયદાનું પાલન કરશે. પરંતુ છેલ્લા દિવસોમાં અલ્પેશે તમામ શરતોનો ભંગ કર્યો હતો. વરાછા વિસ્તારમાં ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓએ બાઇક પાર્ક કરવા મુદ્દે અલ્પેશની અટકાયત કરી હતી. જે બાદ અલ્પેશે જેલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને બેફામ ગાળો આપી અભદ્ર વર્તન કર્યું હતું. કોર્ટમાં અરજીની સુનાવણી વખતે અલ્પેશ દ્વારા જે અભદ્ર ભાષાનો ઉપયોગ અને વર્તન કરવામાં આવ્યું તેની સીડી પણ રજૂ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે કહ્યું છે કે આ ચુકાદો અન્ય આરોપી માટે ચેતવણીરૂપ રહેશે. અન્ય આરોપીઓને આ ચુકાદા પરથી શીખ મળશે કે શરતોનું કેવી રીતે પાલન કરવું જોઈએ. આ ઉપરાંત અલ્પેશ સરથાણા પોલીસ મથકમાં અન્ય ગુનામાં આરોપી છે. પોલીસ આ કેસમાં પણ તેની ધરપકડ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here