પિંક ગાઉનમાં ફેરી લુકમાં દેખાઈ દીપિકા, પ્રિયંકાનો મેકઅપ જોઈને લોકોએ કહ્યું ‘લેડી મલિંગા’

0
127

બોલિવૂડ ડેસ્ક: ન્યૂ યોર્કમાં દર વર્ષે ‘મેટ ગાલા’ નામની અત્યંત હાઈપ્રોફાઈલ અને અતિશય વિચિત્ર આઉટફિટના મેળાવડા જેવી ઈવેન્ટ યોજાય છે. આ વખતની ઈવેન્ટ સોમવારે સાંજે યોજાઈ ત્યારે તેમાં સામેલ બે ભારતીય અભિનેત્રીઓના લુક ફટાફટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયા છે. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ સળંગ ત્રીજા વર્ષે હાજરી આપી છે. દીપિકા પાદુકોણ પિંક ગાઉન અને હેવી મેકઅપમાં દેખાઈ હતી, જ્યારે પતિ નિક જોનસ સાથે આવેલી પ્રિયંકા ચોપરા તો બોલ્ડ મેકઅપ અને વિચિત્ર હેરસ્ટાઈલને કારણે સોશિયલ મીડિયામાં જોક્સનું મટિરિયલ બની ગઈ છે. દીપિકાએ અમેરિકન ફેશન ડિઝાઈનર ઝૅક પોસેને ડિઝાઈન કરેલું પિન્ક ગાઉન પહેર્યું હતું, જ્યારે પ્રિયંકાએ ફેશન બ્રાન્ડ ‘ડિઓર’નું ગાઉન પહેર્યું હતું.

મેટ ગાલા
અગાઉ ‘કોસ્ચ્યૂમ ઇન્સ્ટિટ્યૂટ ગાલા’ તરીકે ઓળખાતી ‘મેટ ગાલા’ કે ‘મેટ બૉલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે યોજાતી આ ફેશન ઇવેન્ટ ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સ કોસ્ચ્યૂમ ઇન્સ્ટિટ્યૂટમાં યોજાય છે. વાસ્તવમાં 1948થી યોજાતી આવતી આ એક ફંડ રેઝિંગ ઇવેન્ટ છે. ફેશન અને લાઇફસ્ટાઇલ મેગેઝીન ‘વોગ’ આ ઇવેન્ટને ઓર્ગેનાઈઝ કરે છે. આ કોસ્ચ્યૂમ એક્ઝિબિશનમાં દર વર્ષે અલગ-અલગ થીમ હોય છે અને તે મુજબ મહેમાનો ડ્રેસિંગ કરીને આવે છે. આ વખતની થીમ ‘કેમ્પઃ નોટ્સ ઓન ફેશન’ હતી. આ ઈન્વિટેશન ઓન્લી હાઈપ્રોફાઈલ ઇવેન્ટમાં કોસ્ચ્યૂમ એક્ઝિબિશનની સાથે ડિનર પાર્ટી પણ હોય છે. રેડ કાર્પેટ બાદની પાર્ટીના કોઈપણ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવા પર છેલ્લાં ત્રણ વર્ષથી પ્રતિબંધ છે.

ન્યૂ યોર્કની સૌથી મોંઘી સોશિયલ ઇવેન્ટ
આ ઇવેન્ટની પ્રતિ વ્યક્તિ ટિકિટનો ભાવ 35,000 યુએસ ડોલર એટલે કે 24 લાખ જેટલો છે. પાર્ટીમાં ટેબલ બુકિંગની કોસ્ટ 2,00,000 યુએસ ડોલરથી લઈને 3,00,000 ડોલર સુધીની છે. આ તમામ પૈસા મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સ કોસ્ચ્યૂમ ઇન્સ્ટિટ્યૂટના ફંડમાં જાય છે.

મેટ ગાલા- 2019
આ વર્ષે 550 જેટલા ગેસ્ટને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. પાર્ટી અને એક્ઝિબિશન સ્પોન્સર કરવામાં આવે છે અને 2019ના સ્પોન્સર ‘ગુચી’ (Gucci) છે. આ વર્ષની થીમ ‘કેમ્પ: નોટ્સ ઓન ફેશન’ અમેરિકન રાઇટર સુસેન સોનટેગના 1964ના નિબંધ ‘નોટ્સ ઓન કેમ્પ’થી પ્રેરિત છે. તેમાં એમણે લખ્યું હતું કે, ‘કેમ્પ’નું હાર્દ તેનો અપ્રાકૃતિક પ્રેમ, કરામત અને અતિશયોક્તિ છે.

મેટ ગાલામાં ભારતીયો
ભારતની માત્ર 2 એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ 2017થી મેટ ગાલામાં સામેલ થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here