પિતા-પુત્રી બાદ માતાનું પણ મોત, પરિવારમાં માત્ર પુત્ર બચ્યો

0
60

સુરતઃ કોસાડ આવાસમાં રહેતા પરપ્રાંતીય પરિવારે કરેલા સામુહિક આપઘાતના પ્રયાસની ઘટનામાં પતિ અને પુત્રી બાદ પ્રિયંકાનું પણ હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. શુક્રવારે લીંબુ શરબત પી સૂઈ ગયા બાદ પરિવારની તબિયત લથડતા તમામને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાને 3 સભ્યો પૈકી 2 સભ્યનું મોત નીપજ્યું હતું. જ્યારે આજે પતિ અને પુત્રી ગુમાવનાર પ્રિયંકાનું પણ મોત નીપજ્યું હતું. જેથી ચાર સભ્યોના પરિવારમાં ત્રણનાં મોત થતા હવે પરિવારમાં માત્ર એક ત્રણ વર્ષનો પુત્ર બચ્યો છે.

અમરોલી કોસાડ આવાસમાં રહેતા અને એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા નરેન્દ્ર શિવપ્રસાદ કોરી (30) પોતાની પત્ની પ્રિયંકા (27) પુત્રી મૈત્રી (5) અને પુત્ર વંશ (3) સાથે  રહેતા હતાં. નરેન્દ્રએ ગુરુવારે રાત્રે લીંબુ શરબત બનાવી પોતે અને  પત્ની પ્રિયંકા અને પુત્રી મૈત્રીએ પીધું હતું. દરમિયાન શુક્રવારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં પરિવારના 3 સભ્યોની તબિયત લથડતા નજીક જ રહેતા સાઢુભાઈ મહેન્દ્ર તમામને રિક્ષામાં સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યા બેભાન હાલતમાં નરેન્દ્ર અને અર્ધબેભાન પ્રિયંકા તેમજ મૈત્રીને ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં થોડા જ સમયમાં નરેન્દ્રએ દમ તોડી દીધો હતો અને બાદમાં પુત્રી મૈત્રી પણ મોતને ભેટી હતી. અને આજે પતિ અને પુત્રી ગુમાવનાર પ્રિયંકાએ પણ દમ તોડી દેતા પરિવારમાં માત્ર 3 વર્ષનો પુત્ર વંશ જ બચ્યો છે.

પોલીસે જણાવ્યું કે હોસ્પિટલમાં પ્રિયંકાનાં નિવેદનો લેવામાં આવ્યાં હતાં. તેણે પોતાના નિવેદનમાં ઝેરી દવા બાબતે કંઈ પણ ખબર ન હોવાની વાત કરી હતી. માત્ર તેણે એવું કહ્યું કે, મારા પતિએ લીંબુ શરબત બનાવ્યું તેમાં એક ગ્લાસ મારા પતિએ પીધું અને અડધો-અડધો ગ્લાસ પત્ની અને પુત્રીએ પીધું હતું.

આ આપઘાત પાછળનું કારણમાં પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિએ કડોદરામાં બે રૂમ-રસોડાનું મકાન રૂપિયા 8.52 લાખમાં લીધું હતું. આ મકાનમાં 21 હજારની રકમ આપવામાં આવી હતી. નરેન્દ્ર શિવપ્રસાદ કોરીએ બેંક ઓફ બરોડામાંથી લોન લીધી હતી. જોકે, નોકરી છૂટી જતાં લોનનો હપતો ભરાતો ન હતો. જેના કારણે પત્નીએ પણ કતારગામમાં કારખાનામાં મજૂરીકામ કરવા જતી હતી. લોનના ટેન્શનમાં મારા પતિએ આ પગલું ભર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here