પેપ્સીકોએ બટકાના બિજ મામલે કરેલા 9 ખેડૂતો સામેના કેસ પાછા ખેંચ્યા, કાયદાકીય પ્રક્રિયાનો અંત

0
32

અમદાવાદઃ બટાકાના બિજ મામલે મલ્ટિનેશનલ કંપની પેપ્સીકો ઈન્ડિયા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ અને ખેડૂતો વચ્ચેની લડાઈનો અંત આવ્યો છે. પેપ્સીકોએ રાજ્યના કુલ 9 ખેડૂતો સામેથી બે કોર્ટમાંથી કેસ પાછા ખેંચી લીધા છે. શુક્રવારે(10 મે) પેપ્સીકોએ અમદાવાદાની કોમર્શિયલ કોર્ટમાં બનાસકાંઠાના ચાર ખેડૂતો સામે કરેલો ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સના ભંગનો કેસ અને મોડાસાની જિલ્લા કોર્ટમાં પાંચ ખેડૂતો સામેના કેસની સુનાવણી થઈ હતી. ત્યાર બાદ બન્ને કોર્ટમાં કેસ પાછા ખેંચવા માટે અરજી કરવામાં આવી હતી.

‘એવું ભાગ્યે જ બને છે કે, મલ્ટિનેશનલ કંપનીએ કેસ પાછા ખેંચ્યા હોય’
ખેડૂતો વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, એવું ભાગ્યે જ બને છે કે, મલ્ટિનેશનલ કંપનીએ કેસ પાછા ખેંચ્યા હોય. આ ખેડૂતો કોમર્શિયલ માટે નહિં પણ જીવન નિર્વાહ માટે ફાર્મિંગ કરતા હતા. પેપ્સીકોએ માત્ર સાબરકાંઠાના જ નહિં પણ અરવલ્લી અને બનાસકાંઠાના ખેડૂતો સામેના કેસ પણ પાછા ખેંચી લીધા છે.

પેપ્સીકોને કાયદાકીય ભાન કરાવ્યું: ખેડૂત અધિકાર જૂથ
જ્યારે ખેડૂત અધિકાર માટે લડતા એક જૂથે જણાવ્યું કે, આ ખેડૂતોનો વિજય છે અને નાગરિકોની જાગૃતિને પગલે પેપ્સીકો ઈન્ડિયાને કાયદાકીય ભાન કરાવ્યું છે. હવે ખેડૂતોના અધિકારોના રક્ષણની જવાબદારી ભારત સરકારની છે.

હાલ અડધું જ યુદ્ધ જીત્યા છીએઃ બિજ અધિકાર મંચ
બિજ અધિકાર મંચના કન્વિનર કપિલ શાહે જણાવ્યું કે, આ નિર્ણયનો અર્થ એવો નથી કે આ ઝૂંબેશનો અંત આવી ગયો છે. હાલ અડધું જ યુદ્ધ જીત્યા છીએ. ખેડૂતોની બિજ સ્વતંત્રતા અને ઉભી થયેલી કાયદાકીય પરિસ્થિતિને લઈ ભારત સરકારે પણ ચૂપકીદી સેવી છે. હવે આ મામલે સ્પષ્ટ થવું જોઈએ કે આ પ્રકારના કોર્ટના દાવાઓ સ્વીકાર્ય નથી.

બિજના સંરક્ષણને લઈ લાંબા ગાળાનો ઉકેલ શોધવા ચર્ચા કરવા તૈયારઃ પેપ્સીકો
તેમજ પેપ્સીકો ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, રજીસ્ટર્ડ બિજને સુરક્ષિત રાખવા માટે અમે કાયદાકીય કાર્યવાહી કરી હતી. આ બાબતે અમે શરૂઆતથી જ ખેડૂતો સાથે સમાધાનના પક્ષમાં હતા. સરકાર સાથે વાતચીત કર્યા બાદ અમે ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. બિજના સંરક્ષણને લઈ અમે કોઈ લાંબા ગાળાનો ઉકેલ શોધવા ચર્ચા કરવા તૈયાર છીએ.

શું છે મામલો
બટાકાની જાત એફએલ-2027 (વેપારીઓમાં એફસી-5 તરીકે) માટે પેપ્સીકોની ભારતીય શાખા પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ્સે ગુજરાતના 9 ખેડૂતો સામે ગેરકાયદેસર ખેતી અને વેચાણનો આક્ષેપ મૂકીને તેમને અદાલત સુધી ઢસડી ગઈ હતી. પરંતુ સરકારના દબાણ અને સોશિયલ મીડિયામાં વ્યાપક બહિષ્કારના ભણકારાને પગલે કંપનીએ નમતું જોખ્યું અને છેવટે કંપનીએ કેસ પાછા ખેંચ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here