પૈસા બાબતે વિવાદ થતાં છબીલ અને મનીષાએ જયંતીની હત્યા કરાવી હતી

0
42

અમદાવાદઃ કચ્છના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં કરાયેલી હત્યામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનારી મનીષા ગોસ્વામીની સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવી છે. છબીલ પટેલ અને મનીષા બંનેને જયંતી ભાનુશાળી વચ્ચે આર્થિક બાબતોને લઈને વિવાદ હતા જેના પગલે તેમણે બંનેએ ભેગા મળી હત્યાનું કાવતરુ ઘડયું હોવાનું બહાર આવ્યું છે. આ કામ માટે પુનાના ચારથી પાંચ શાર્પશૂટરોને સોપારી અપાઈ હતી. પોલીસે છબીલ પટેલના બે ભાગીદાર નીતિન પટેલ અને રાહુલ પટેલની ભુજમાંથી ધરપકડ કરી છે.

શાર્પશૂટરો દિવસ દરમિયાન ભાનુશાળી પર નજર રાખતા અને રાત્રે પરત ફરતા

CIDના અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી

સીઆઈડી ક્રાઈમના એડીજી પી અજય તોમરે જણાવ્યું કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને જયંતી ભાનુશાળી વચ્ચે અને મનીષા ગોસ્વામી અને ભાનુશાળી વચ્ચે પણ આર્થિક મુદાઓને લઈને વિવાદ હતો. આ બાબતને લઈને બંનેએ ભેગા મળી ભાનુશાળીની હત્યા માટે કાવતરું ઘડયું હતું. આ માટે છબીલ પટેલના નારાયણી ફાર્મ હાઉસમાં પુનાના શાર્પશૂટરોને આશરો આપી સમગ્ર કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. હાલમાં પુનાના બે શાર્પશૂટરો શશીકાંત કાંબલે (પુના) અને શેખ અશરફ અનવર ( પુના)ના નામ બહાર આવ્યા છે.

હત્યારા 25 ડિસે.થી છબીલ પટેલના ફાર્મહાઉસમાં છુપાયા હતા

હત્યાની યોજના અનુસાર 25 ડિસેમ્બરે એક આરોપી પુનાથી આવેલા શાર્પશુટર શશિકાંત કાંબલેને લઈ રેલડી સ્થિત છબીલ પટેલના નારાયણી ફાર્મહાઉસમાં આવ્યો હતો ત્યારબાદ અન્ય હત્યારા પણ આવ્યા હતા અને 8 જાન્યુઆરીએ કાવતરાને અંજામ અપાયો હતો.

ફાર્મ હાઉસમાંથી કચ્છ આવેલા ભાનુશાળીની રેકી કરાઇ હતી

જયંતી ભાનુશાળી 3 જાન્યુઆરીએ અમદાવાદથી ભુજ આવ્યા હતા, જેની જાણ આરોપીઓને હોઈ તેમની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવતી હતી. શાર્પશુટરોના સાગરીતો દિવસ દરમિયાન ભાનુશાળી પર નજર રાખતા અને રાત્રે પાછા ફરતા હતા.

ભાનુશાળી અમદાવાદ જવા રવાના થયા ત્યારથી પીછો થતો હતો

હત્યારાઓ જાણી ગયા હતા કે ભાનુશાળી 8 મી જાન્યુઆરીએ અમદાવાદ પાછા ફરવાના છે તેથી તેમની પાછળ લાગી ગયા હતા. જયારે ભાનુશાળી રેલવે સ્ટેશને આવ્યા ત્યારે પણ તેઓ ફર્સ્ટ કલાસ કુપેમાં બેઠા તેની માહિતી હત્યારાઓ પાસે પહોંચી ગઈ હતી.

સામખિયાળી ટોલ ટેક્સના સીસીટીવીમાં બે હત્યારા ઝડપાઈ ગયા

હત્યા કર્યા બાદ ટ્રેન બે કિ.મી. જેટલી આગળ નીકળી જતા ચેઈન પુલિંગ કરી નાસેલા હત્યારાઓએ રોડ પરથી એક બાઈકની ચોરી કરી હતી. ત્યારબાદ બાઈક સામખિયાળી ટોલટેક્સથી દૂર ફેંકી સાગરીતોને ફોન કરતા કરતા ટોલ ટેક્ષ પાસેથી પસાર થયા હતા જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.

કાવતરું ઘડાયા પછી છબીલ પટેલ મસ્કત જવા રવાના થયા

નવેમ્બરમાં જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરૂ ઘડાયા બાદ તેનો અમલ કરવાનું નકકી થયા બાદ છબીલ પટેલ 2 જાન્યુઆરીએ મસ્કત જવા રવાના થઈ ગયા હતા. જયારે મનીષા તા. 3થી 6 જાન્યુ. સુધી કાવતરું અંજામ સુધી પહોંચે તે માટે ભુજમાં રહી વ્યવ્સથાઓ ગોઠવી રહી હતી.

છબીલ પટેલ અને મનીષા પુનામાં શાર્પ શૂટરોને મળ્યા હતા

જયંતી ભાનુશાળીની હત્યા માટે છબીલ પટેલ, મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ તથા તેની ગેંગના માણસો નવેમ્બર, 2018માં પુનામાં શાર્પશૂટરોને મળ્યા હતા અને સમગ્ર હત્યાને કઈ રીતે અંજામ આપવો તે નકકી થયુ હતું. હત્યાની યોજના અનુસાર 25 ડિસેમ્બર, 2018ના રોજ એક આરોપી પુનાથી આવેલા શાર્પશૂટર શશીકાંત કાંમલેને લઈ રેલડી સ્થિત છબીલ પટેલના નારાયણી ફાર્મ હાઉસમાં આવ્યો હતો.

છબીલ પટેલ અને સુરજીત ભાઉએ મનીષાને મદદ કરી હતી

ભાનુશાળીના ભત્રીજા સુનીલે નરોડા પોલીસ સ્ટેશનમાં મનીષા વિરુદ્ધ 4 એપ્રિલ, 2018ના રોજ ફરિયાદ કરી હતી. ત્યારબાદ બે મહિના પછી ફરી નરોડા પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ કરી હતી. પહેલી ફરિયાદ અનુસંધાને મનીષાની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં મનીષાને જામીન મળે તે માટે છબીલ પટેલે તથા સુરજીત ભાઉએ  મદદ કરી હતી. આમ છબીલ પટેલ અને  તેના દુશમન જયંતી ભાનુશાળીની વિરુદ્ધમાં પડેલી મનીષા એકબીજાની સાથે થઈ ગયા હતા અને ભાનુશાળીનું કાસળ કાઢવાની યોજના બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here