Tuesday, October 26, 2021
Homeપોર્ટ અને એરપોર્ટ બાદ અદાણી ગ્રૂપ હવે રેલવે સ્ટેશન ડેવલોપમેન્ટમાં ઝંપલાવશે
Array

પોર્ટ અને એરપોર્ટ બાદ અદાણી ગ્રૂપ હવે રેલવે સ્ટેશન ડેવલોપમેન્ટમાં ઝંપલાવશે

અમદાવાદ: પોર્ટ અને એરપોર્ટ ડેવલોપમેન્ટ બાદ અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ હવે રેલવે સ્ટેશનના ડેવલોપમેન્ટ બિઝનેસ તરફ નજર કરી છે. આ અંગેના જાણકાર સુત્રોના જણાવ્યા પ્રમાણે કંપની રેલવે સ્ટેશનોના સુધારણા અથવા પુનર્વિકાસના ભાગરૂપે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રારંભિક તબક્કે અદાણી ગ્રૂપ દિલ્હીના રેલવે સ્ટેશનોને ડેવલોપ કરીને અને મહારાષ્ટ્રમાં અન્ય એક પ્રોજેક્ટ હાથ ધરી શરૂઆત કરશે અને ત્યારબાદ આ બિઝનેસને વધુ વિસ્તૃત કરવા માંગે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અદાણી એંટરપ્રાઇઝિસે અમદાવાદ, જયપુર, લખનૌ, ગુવાહાટી, મેંગલોર અને તિરુવનંતપુરમના એરપોર્ટના ઓપરેશન, મેનેજમેંટ અને ડેવલપમેંટના અધિકારો જીત્યા હતા.

ઇન્ડિયન રેલવે સાથે કંપનીની વાતચીત ચાલુ

દિલ્હી રેલવે સ્ટેશનના અદ્યતનકરણ માટે ભારતીય રેલવે સાથે અદાણી ગ્રુપ પહેલેથી જ વાત કરી રહ્યું છે. તેમાં ટ્રેક, સલામતી સાધનો અને અદ્યતન પ્લેટફોર્મો અને સવલતોને અદ્યતન બનાવવા સહિતની બાબતો શામેલ છે. આ પ્રોજેક્ટમાં કંપની અંદાજે રૂ. 10,000 કરોડ કે તેથી વધારેનું રોકાણ કરશે. આ રેલવે સ્ટેશનોને એરપોર્ટ્સની જેમ વિકસાવવામાં આવશે. જેમાં રેલ્વે ટ્રાફિક હેન્ડલિંગ અને સલામતી પાસાઓને અપગ્રેડ કરવામાં આવશે.

અદાણી માટે અનુભવનો મુદ્દો ઉભો નહી થાય

અદાણી કોમોડિટીઝ તેમજ લોજિસ્ટિક્સના વ્યવસાયમાં લાંબા સમયથી ટ્રેડિંગ અને પરિવહનમાં છે. કંપનીના ત્રણ લોજિસ્ટિક્સ પાર્ક છે અને 15 લાખ કન્ટેનરોનું હેન્ડલિંગ કરે છે. કચ્છમાં તેની પાસે મુંદ્રા પોર્ટ અને આદિપુર વચ્ચે ખાનગી રેલવે લાઈન પણ છે. જેથી રેલવે સાથે કામ કરવાનો અનુભવ કોઈ મુદ્દો નહીં હોય તેમ જાણકારોનું માનવું છે.

કેન્દ્ર સરકારે 600 સ્ટેશન અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી

કેન્દ્ર સરકારે ઓક્ટોબર 2018 માં દેશભરમાં આશરે 7,350 રેલવે સ્ટેશનોમાંથી 600 જેટલા સ્ટેશન અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી અને ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી હતી. સરકારે અગાઉથી 45 વર્ષની લીઝની સરખામણીમાં 99 વર્ષના લીઝની મંજૂરી આપી હતી. પ્રથમ તબક્કામાં કેન્દ્રએ 42 સ્ટેશનોનું પુનઃવિકાસ કરવાની યોજના જાહેર કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments