પ્રિયંકા ગાંધીને નોટિસ, 1 ઓગસ્ટ સુધી લોધી એસ્ટેટનો બંગલો ખાલી કરવો પડશે

0
2
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલ નોટિસના મતે 1 ઓગસ્ટ પછી પ્રિયંકા ગાંધી આ બંગલામાં રહી શકશે નહીં
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલ નોટિસના મતે 1 ઓગસ્ટ પછી પ્રિયંકા ગાંધી આ બંગલામાં રહી શકશે નહીં

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi Vadra)ને 1 ઓગસ્ટ સુધી લોધી એસ્ટેટ સ્થિત બંગલો (Lodhi Estate Bungalow) ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલ નોટિસના મતે 1 ઓગસ્ટ પછી પ્રિયંકા ગાંધી આ બંગલામાં રહી શકશે નહીં

પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવામાં આવી છે અને ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે. આ વ્યવસ્થા પ્રમાણે જેમને આ સુરક્ષા આપવામાં આવે છે તેમને સરકારી બંગલો આપવાનો નિયમ નથી. આથી પ્રિયંકા ગાંધીએ બંગલો ખાલી કરવો પડી શકે છે.

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા સુષ્મિતા દેવે કહ્યું કે હવે કેમ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે? પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા વ્યવસ્થા તો 6 મહિના પહેલા હટાવી લેવામાં આવી હતી. જ્યારે એસપીજી વ્યવસ્થા હટાવવામાં આવી ત્યારે પણ પ્રિયંકાને બંગલો ખાલી કરવાની વાત કહી હતી. ત્યારે તેમણે એક્સટેન્શન માંગ્યું હતું જે ઓગસ્ટ મહિના સુધી ચાલવાનું છે. જોકે અમારી અસલી ચિંતા પ્રિયંકાની સુરક્ષાને લઈને છે. સરકારે તેમની સુરક્ષા સાથે રમત રમવી જોઈએ નહીં.

ઉલ્લેખનીય છે કે 30 જૂન સુધી પ્રિયંકા ગાંધી પર 3,46,677 રૂપિયા બાકી છે. પ્રિયંકાને બાકી રકમ ભરવા માટે કહ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રા ફેબ્રુઆરી 1997થી 35 લોધી એસ્ટેટમાં રહી રહ્યા છે.

નવેમ્બર 2019માં કેન્દ્ર સરકારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવાનો નિર્ણય કર્યો હતો. ગાંધી પરિવારને હજુ પણ ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ખતરાનું અવલોકન કરીને જાણ્યું હતું કે ગાંધી પરિવારને કોઈ પ્રકારનો સીધો ખતરો નથી.