મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં ફિલ્મ ‘જજમેન્ટલ હૈં ક્યા’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન કંગનાની નવી ફિલ્મ ‘ધાકડ’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરીને ચાહકોને સરપ્રાઈઝ આપવામાં આવી છે. પોસ્ટરમાં આગની જ્વાળાઓ વચ્ચે બંદૂક પકડેલી કંગનાનો આ લુક તેની ફિલ્મ ‘રિવોલ્વર રાની’ની યાદ અપાવે છે.
આવતા વર્ષે રિલીઝ થશે
કંગનાની આ એક્શન ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ રજનીશ રાજી ઘાઈના ડિરેક્શનમાં બની રહી છે, જ્યારે સોહેલ મખલઈ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મના ડિરેક્ટરે કહ્યું હતું કે ફિલ્મમાં એક્શન કોરિયોગ્રાફી માટે હોલિવૂડ એક્શન ડિરેક્ટરને બોલાવવામાં આવશે. ફિલ્મમાં બહુ બધા થ્રિલિંગ એક્શન સીક્વન્સ હશે. ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત સાઉથ ઈસ્ટ એશિયા, મિડિલ ઈસ્ટ તથા યુરોપમાં કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે.
ફિલ્મને લઈ કંગનાએ શું કહ્યું?
કંગનાએ કહ્યું હતું કે ‘મણિકર્ણિકા’ની સફળતા બાદ ઓડિયન્સે એ વાત સાબિત કરી દીધી છે કે તેમને ફીમેલ હિરોવાળી ફિલ્મ પસંદ છે. ‘ધાકડ’ તેની કરિયરની જ નહીં પણ ઈન્ડિયન સિનેમા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. આ ફિલ્મ બિગ સ્કેલ પર બનાવવામાં આવશે, જે ફીમેલ લીડ એક્શન ફિલ્મ છે અને દિવાળી પર રિલીઝ થશે. જો આ ફિલ્મ સારી ચાલે તો ઈન્ડિયન સિનેમામાં મહિલાઓને પાછળ ફરીને જોવાની જરૂર નથી. સોહેલ તથા રાજી તેના મિત્રો છે અને તેમણે થોડાં સમય પહેલાં જ આ ફિલ્મ અંગે પ્લાનિંગ કર્યું હતું. તે આ ફિલ્મને લઈ ઘણી જ ઉત્સાહી છે.