ફાયર સેફ્ટીની સિસ્ટમમાં ખામી હશે તો હવે તત્કાળ દંડ

0
42

સેટેલાઇટ વિસ્તારમાં આનંદનગરના ચાર રસ્તા પાસેનાં બહુમાળી દેવ ઓરમ કોમ્પ્લેકસના એ બ્લોકમાં આવેલા ઇલેક્ટ્રિક ડકમાં ઓવરલોડિંગના કારણે ભીષણ આગ ફાટી નીકળતાં શહેરભરમાં ખળભળાટ મચ્યો હતો. તંત્ર દ્દ્વારા આ દુર્ઘટના બાદ તમામ કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફટીની ચકાસણી શરૂ કરાઇ છે.

જોકે કેટલાક હાઇરાઇઝ બિલ્ડિંગના સંચાલકો સ્વિમિંગપૂલ, જિમ, ફુવારા, બગીચા વગેરેને આવશ્યક ગણે છે. પરંતુ નાગરિકોના જાન-માલની સલામતી માટે યોગ્ય ફાયર સેફટીની અવગણના કરતાં હોઈ હવે આ મામલે તંત્ર દ્વારા મૂળભૂત નીતિમાં ધરખમ ફેરફારો તોળાઇ રહ્યા છે. આગામી દિવસોમાં ફાયર સેફટીની ચકાસણીમાં ખામી જણાશે તો તત્કાળ વહીવટી ખર્ચા વસૂલવાની દિશામાં તંત્રએ ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.

દેવ ઓરમની આગની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશથી ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા શહેરભરની કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફટીની ચકાસણી હાથ ધરાઇ છે. શહેરમાં અંદાજે ૬પ૦ જેટલા કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ હોઇ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જે તે બિલ્ડિંગમાં ફાયર સેફટી ચાલુ નહીં હોય તેવા સંજોગોમાં તે બિલ્ડિંગના સંચાલકોને દશ દિવસમાં ફાયર સેફટી ચાલુ કરી તંત્રની એનઓસી મેળવી લેવાની નોટિસ અપાઇ રહી છે.

તંત્રની ફાયર સેફટીની ચકાસણીમાં દીવા તળે અંધારું હોય તેમ મેયર અને કમિશનરની ઓફિસ ધરાવતા દાણાપીઠના મુખ્યાલયમાં જ ફાયર સેફટીની એનઓસી બે વર્ષ લેવાઇ ન હતી. તેવી ચોંકાવનારી બાબત બહાર આવી હતી. જોકે બીજી તરફ ફાયરબ્રિગેડ વિભાગ પાસે સ્ટાફની અછત હોઇ શહેરની તમામ હાઇરાઇઝ બિલ્ડિંગની એનઓસી ચકાસવા ફાયરબ્રિગેડને ઓછામાં ઓછું એક વર્ષ લાગશે તે બાબત પણ સ્પષ્ટ થઇ છે.

જોકે ફાયરબ્રિગેડ દ્વારા હવે ત્રણ-ચાર ફાયરમેનનો સમાવેશ ધરાવતી પાંચ ટીમ બનાવવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ ટીમને ફાયર સેફટીની તપાસ માટેનું નિશ્ચિત ફોર્મેટ અપાયું છે. દેવ ઓરમની દુર્ઘટના બાદ તંત્રે અત્યાર સુધીમાં એટલે કે તા.૧૦ એપ્રિલ ર૦૧૯થી ગત તા.૧૩ મે ર૦૧૯ સુધીમાં શહેરની ૧૧પ કોમર્શિયલ હાઇરાઇઝ ‌બિલ્ડિંગની ફાયર સેફટીની ચકાસણી કરાઇ હોવાનો સત્તાવાળાઓએ દાવો કર્યો છે.

જે પૈકી કુલ પ૭ બિલ્ડિંગના સંચાલકને ફાયર સિસ્ટમ બંધ હોવી, તૂટેલી હોવી, બાંધકામમાં ફેરફાર કરવા કે એનઓસી ન હોવી, બંધ સાઇરન સિસ્ટમ કે પાઇપમાં પાણી આવતું ન હોય તેવી ખામીઓ બાબતે તંત્રે નોટિસ આપી છે. આ પૈકી માત્ર ચાર બિલ્ડિંગના સંચાલકોએ ફાયર સેફટીની ખામીમાં સુધારો કરી તેનો રિપોર્ટ ફાયરબ્રિગેડને કર્યો છે. અન્ય બિલ્ડિંગના સંચાલકો દ્વારા આ પ્રકારનો રિપોર્ટ તૈયાર થઇ રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા જે તે બિલ્ડિંગના સંચાલકને કારણદર્શક નોટિસ અપાયા બાદ જો સ્થિતિ યથાવત રહેવા પામે તો બીજી વખત નોટિસ ફટકારાય છે. પરંતુ હજુ સુધી આ મામલે પેનલ્ટી વસૂલાઇ નથી. જો કે હવે ફાયરબ્રિગેડની મૂળભૂત નીતિમાં ફેરફાર થઇ રહ્યા છે. નાગરિકોની જાહેર સલામતી હેતુ જે તે બિલ્ડિંગની ફાયર સેફટીની ખામી મામલે તે બિલ્ડિંગના સંચાલકોની બેદરકારીનાં ધોરણો નક્કી થઇ રહ્યાં છે જે બિલ્ડિંગમાં ફાયર સેફટીમાં બેદરકારીનું પ્રમાણ જેટલું વધારે હશે.

તેના આધારે હવે સ્થળ પર વહીવટી ચાર્જની વસૂલાત કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરાઇ છે. હાલ તો ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા અત્યાર સુધીની ફાયર સેફટીની તપાસને લગતો વિસ્તૃત રિપોર્ટ સક્ષમ સત્તાને સુપરત કરાયો છે. જેમાં કઇ બિલ્ડિંગમાં અત્યાર સુધીમાં ફાયર સેફટીના મામલે કંઇ જ કરાયું નથી તે અંગેનો અહેવાલ હોઇ હવે નાગરિકોના જાનમાલની સલામતીના ચોક્કસ નિયમો ઘડાઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here