અપરિણીત યુવતિને તેનો મિત્ર પરિણીત હોવાની જાણ થયા બાદ સબંધ તોડી નાંખતા યુવાને યુવતિનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતિની માતા-બહેનને બિભત્સ વિડીયો શેર કરી ઘરને વેરેવિખેર કરી નાંખવાની ધમકી આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસે સરથાણા વિસ્તારની યુવતીને હેરાન કરતા યુવાનને આખરે ઝડપી લીધો છે.
કપડાં લેવા જતાં એકબીજાની આંખ મળી ગઈ હતી
સાયબર ક્રાઇમ પોલીસ મથકનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા વિસ્તારમાં રહેતી અને અપરિણીત ૨૪ વર્ષીય યુવતી તેના વિસ્તારમાં લેડીઝ કપડાની દુકાન ધરાવતા સુરેશ હીરાભાઈ મકવાણા (ઉ.વ.૩૮) (રહે. ફ્લેટ નં.૨૦૫, ઓમકાર એપાર્ટમેન્ટ,માનસરોવર સર્કલ પાસે, અમરોલી, સુરત) ની દુકાને અવારનવાર ખરીદી માટે જતી હોય તેની સુરેશ સાથે મિત્રતા થઈ હતી.યુવતીએ તેની સાથે વાતચીત કરવા માંડી હતી. પરંતુ તેને શંકા ગઈ હતી અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુરેશ પરણિત છે અને તેને બાળકો પણ છે. આથી તેણે મિત્રતા તોડી નાખી હતી.
ભાવના પટેલ અને દક્ષિતા ગોળકીયાના નામે બે બોગસ એકાઉન્ટ બનાવ્યા
યુવતીએ લીધેલા પગલાંથી ઉશ્કેરાયેલા સુરેશે ફેસબુક ઉપર ભાવના પટેલ અને દક્ષિતા ગોળકીયાના નામે બે બોગસ એકાઉન્ટ બનાવ્યા હતા અને તેમાં યુવતીની માતા અને તેની બહેનનો મોબાઈલ નંબર અન્ય છોકરીના ફોટા સાથે શેર કર્યો હતો. એટલું જ નહીં તેણે યુવતીની બહેનને બિભત્સ વિડિયો અને ફોટા મોકલી યુવતીના ઘરને વેરવિખેર કરવાની પણ ધમકી આપી હતી.
લેડીઝ કપડાની દુકાન બંધ કરી હાલ પાનનો ગલ્લો ચલાવવા લાગ્યો હતો
સરથાણા પોલીસમાં ફરિયાદ કરાતા તપાસ સાયબર ક્રાઇમ પોલીસને સોંપાઇ હતી. જેમાં પીએસઆઇ જે બી આહિર અને ટીમે શોધી કાઢયું હતું કે સુરેશે જ આ કારસ્તાન કર્યું હતું. લેડીઝ કપડાની દુકાન બંધ કરી હાલ પાનનો ગલ્લો ચલાવતા સુરેશની સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી તેનો કબજો સરથાણા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.